નવી દિલ્હી : કુલભૂષણ જાધવની પત્ની અને માતા સાથે થયેલી મુલાકાત પછી આજે વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરતા કહ્યું છે કે આ મુલાકાત વખતે પાકિસ્તાને ભારતીય સ્ંસ્કૃતિ તેમજ ધાર્મિક ભાવનાનો ખ્યાલ નથી રાખ્યો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે જણાવ્યું છે કે આ મુલાકાત પહેલાં કુલભૂષણ જાધવની પત્ની અને માતાની બંગડીઓ, બિંદી અને મંગળસુત્ર ઉતરાવી દેવામાં આ્વ્યા હતા તેમજ તેમના કપડાં બદલાવી નાખવામાં આવ્યા હતા. આ સિવાય તેમના ચંપલ પણ પરત નહોતા કરવામાં આવ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત
પાકિસ્તાનાની જેલમાં બંધ કુલભૂષણનો પરિવાર 25 ડિસેમ્બરે તેમને મળીને દિલ્હી પહોંચ્યો ત્યારે તેમની સૌથી પહેલાં મુલાકાત વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાથે કરાવવામાં આવી  હતી. કુલભૂષણની પત્ની અને માતા સાથેની સુષ્મા સ્વરાજની મુલાકાત સવારે સાડાનવ વાગ્યે શરૂ થઈ હતી અને બહુ લાંબો સમય ચાલી હતી. મળતી માહિતી પ્રમાણે જાધવના પરિવારે પાકિસ્તાનમાં કુલભૂષણ સાથે થયેલી વાતચીત વિશે વિદેશમંત્રીને માહિતી આપી છે. અ સમયે વિદેશસચિવ એસ. જયશંકર તેમજ વિદેશમંત્રાલયના પ્રવક્તા રવીશકુમાર પણ નિવાસસ્થાન પર હાજર હતા. 


પાકિસ્તાનમાં ગેરવર્તન
પાકિસ્તાન સામે અનેક રજૂઆત પછી 25 ડિસેમ્બરે કુલભૂષણ અને તેના પરિવાર વચ્ચે માત્ર 40 મિનિટની મુલાકાત જ શક્ય બની હતી. આ મિટિંગમાં કુલભૂષણને મળવા માટે તેમના પત્નિ અને માતા બન્ને આવ્યા હતા. જોકે માતા પોતાના પુત્રને માતા ગળે નહોતી લગાવી શકી તો પત્નિ પણ તેમને સ્પર્શી નહોતી શકી કેમ કે આ મુલાકાત દરમિયાન વચ્ચે પાકિસ્તાની અધિકારીઓએ એક કાચ રાખી દીધો હતો. જેથી માત્ર એકબીજાને જોઇ શકાય અને અવાજ સંભાળી શકાય. વાતચીત માટે માત્ર ઈન્ટરકોમનો ઉપયોગ કરવામાં આવ્યો અને આ મુલાકાત વખતે સતત કેમેરા ચાલુ હતા. 


માનવીયતા મુકી કોરાણે
પાકિસ્તાને આ મુલાકાત વખતે માનવતાના તમામ માપદંડોની અવહેલના કરી છે. આ મુલાકાત પહેલાં કુલભૂષણની પત્ની અને માતાના કપડાં સુદ્ધાં બદલાવી નાખવામાં આવ્યા હતા તેમજ કાનમાં પહેરેલી વાળી તેમજ બિંદી હટાવી દેવામાં આવી હતી. મુલાકાત પહેલાની તસવીરો અને વીડિયોમાં કુલભૂષણની પત્ની અને માતા કાનની વાળી અને બિંદી સાથે દેખાય છે પણ મુલાકાત દરમિયાન એને વાળી અને બિંદી કઢાવી નાખવામાં આવી હતી. આ સિવાય કુલભૂષણની પત્ની અને માતાને કપડાં પણ બદલાવી નાખવાની ફરજ પાડવામાં આવી હતી. 


કાચની દિવાલ મામલે દલીલ
કાચની દિવાલના વિવાદની સ્પષ્ટતા કરતા પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ફૈઝલે જણાવ્યું છે કે કુલભૂષણના પરિવારને પહેલાં જ જણાવી દેવામાં આવ્યું હતું કે સુરક્ષાના કારણોને લીધી કાચની દિવાલ રાખવામાં આવશે. આ મુલાકાત માત્ર 30 મિનિટની હતી પણ કુલભૂષણના આગ્રહથી આ સમય 10 મિનિટ વધારવામાં આવ્યો હતો. 


કુલભુષણ પર પાકિસ્તાનનો અત્યાચાર
ગયા વર્ષે માર્ચમાં ધરપકડ પછી કુલભૂષણ પહેલીવાર પોતાના પરિવારને મળ્યો છે.  પાકિસ્તાની વિદેશ મંત્રાલય તરફથી આ મુલાકાતનો જે વીડિયો જાહેર થયો છે એ વાતની સ્પષ્ટ થઈ જાય છે કે ત્યાં કુલભૂષણ જાધવ સાથે અત્યાચાર થયો છે. સુત્રોથી માહિતી મળી છે કે શિપિંગ કન્ટેનરમાં કુલભૂષણ જાધવની તેના પરિવાર સાથે મુલાકાત કરાવવામાં આવી હતી અને મુલાકાત વખતે કન્ટેનરને કોઈ ઉંચી બિલ્ડિંગના બેઝમેન્ટમાં રાખવામાં આવ્યું હતું અને એમાં પડદા તેમજ કેમેરા લગાવવામાં આ્વ્યા હતા. નિષ્ણાંતોનું કહેવું હતું કે શિપિંગ કન્ટેનરમાં કેદીઓે ત્યારે જ રાખવામાં આવે છે જ્યારે તેમને શારીરિક માર મારવાનો હોય છે. શિપિંગ કન્ટેનર જાડા લોખંડની શીટમાંથી તૈયાર કરવામાં આવે છે અને તે સાઉન્ડપ્રુફ હોય છે.