નવી દિલ્હીઃ હવે તમારા વિસ્તારના સાંસદ અને ધારાસભ્યના કાર્યોનો રિપોર્ટ કાર્ડ મોબાઈલ એપની મદદથી જાણી શકાશે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ શુક્રવારે આ અનોખી 'નેતા એપ' લોન્ચ કરી હતી. 'નેતા એપ' દ્વારા જનપ્રતિનિધીઓનાં કામનું આકલન જનતા દ્વારા કરવામાં આવેલા મુલ્યાંકનના આધારે કરવામાં આવશે. મુખર્જીએ આ એપને લોકશાહી વ્યવસ્થામાં પ્રજાનાં પ્રતિનિધિઓની જવાબદારી અને જનતાની ભાગીદારી વધારતી પહેલ જણાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે જણાવ્યું કે, "લોકશાહી વ્યવસ્થાને જવાબદારી અને પારદર્શક્તા વગર અસરકારક બનાવી શકાય નહીં. ટેક્નોલોજીના માધ્યમથી નેતાઓની જવાબદારી, પ્રજાની ભાગીદારી અને વ્યવસ્થામાં પારદર્શક્તા લાવવામાં આ એપ સ્વાગત યોગ્ય પહેલ છે." મુખર્જીએ જણાવ્યું કે, યુવાન આઈટી વિશેષજ્ઞ પ્રથમ મિત્તલ દ્વારા વિકસિત 'નેતા એપ' જનપ્રતિનિધિઓના કામકાજ પર મતદારો અને જનસામાન્યની સતત નજર રાખવા માટે અસરકારક હથિયાર સાબિત થશે. 



પ્રથમ મિત્તલે આ એપની વિશેષતા અંગે જણાવ્યું કે, તે એન્ડ્રોઈડ અને આઈઓએસ એમ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. તેને પોતાના સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરીને કોઈ પણ વ્યક્તિ પોતાના વિસ્તારના સાંસદ અને ધારાસભ્યના કામકાજનો રિપોર્ટ કાર્ડ જાણવાની સાથે તેમના કામનું રેટિંગ પણ જાતે કરી શકશે. 


તેમણે જણાવ્યું કે, આ એપનો પ્રાયોગિક ધોરણે તાજેતરમાં જ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સફળ પ્રયોગ કરાયો હતો. તેમાં ચૂંટણી જીતનારા 93 ટકા ઉમેદવાર નેતા એપના શ્રેષ્ઠ રેટિંગમાં સામેલ હતા. મિત્તલે જણાવ્યું કે, છેલ્લા 8 મહિનામાં 543 સંસદીય વિસ્તારો અને 4120 વિધાનસભા વિસ્તારોમાં અત્યાર સુધી 1.5 કરોડ લોકોએ આ નેતા એપનો ઉપયોગ શરૂ કરી દીધો છે. તેમણે આગામી વર્ષે ચૂંટણી પહેલા આ સંખ્યા 10 કરોડ સુધી પહોંચવાની આશા વ્યક્ત કરી છે. 



આ પ્રસંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ. વાય. કુરેશીએ નેતા એપને લોકશાહી વ્યવસ્થામાં ફીડબેકનું શ્રેષ્ઠ માધ્યમ દર્શાવતા જણાવ્યું કે, આ ભારતમાં રાજકીય પ્રક્રિયા અને લોકશાહી વ્યવસ્થામાં મોટા ફેરફારનું કારણ બનશે. કેજરીવાલે જણાવ્યું કે, તેનાથી માત્ર મતદારોને જ શ્રેષ્ઠ કામ કરનારા નેતા પસંદ કરવામાં સરળતા નહીં રહે, પરંતુ રાજકીય પક્ષોને પણ સારા રિપોર્ટ કાર્ડ ધરાવતા ઉમેદવાર પસંદ કરવામાં આ એપ મદદરૂપ બનશે. 



આ પ્રસંગે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી વિજય સાંપલા, પૂર્વ મંત્રી મુરલી મનોહર જોશી, શિવરાજ પાટિલ, અશ્વિની કુમાર ઉપરાંત પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર નસીમ ઝૈદી પણ હાજર રહ્યા હતા.