નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર પ્રશાસને આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાનીની બીજી વરસી પર કાશ્મીર ઘાટીમાં સંવેદનશીલ જગ્યાઓ પર ચુસ્ત સુરક્ષાબંદોબસ્ત ગોઠવ્યો છે. અલગાવવાદીઓ દ્વારા અપાયેલા બંધને ધ્યાનમા રાખીને આજે એક દિવસ માટે અમરનાથ યાત્રા પણ સ્થગિત કરાઈ છે. સુરક્ષા કારણોસર કાશ્મીર ઘાટીમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે. જો કે બીએસએનએલની બ્રોડબેન્ડ સેવા પર રોક નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીજીપી એસ પી વૈદ્યે શનિવારે જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સારી નથી અને અમારો પ્રયત્ન તીર્થયાત્રીઓ માટે સુરક્ષિત યાત્રા સુનિશ્ચિત કરવાનું છે. રવિવારે હડતાળ અપાઈ છે આથી યાત્રા રોકવી પડી છે.. તેઓ શનિવારે કઠુઆ ગયા હતાં અને દેશભરથી આવેલા અમરનાથ યાત્રા માટે આવેલા શ્રદ્ધાળુઓ માટે કરાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.


એક પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે ડીજીપીએ અન્ય સ્થળોની સાથે જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશ માટે દ્વાર ગણાતા લખનપુર રિસેપ્શન સેન્ટર ઉપર પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. વૈદ્યે કહ્યું કે યાત્રીઓની સુરક્ષા અને સુગમતા અમારા માટે ટોચની પ્રાથમિકતા છે. મારી યાત્રીઓને અપીલ છે કે તેઓ ઘાટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમને સહયોગ કરે. 


જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે કુલગામ જિલ્લામાં 3 નાગરિકોના મોતને ધ્યાનમાં રાખીને સમગ્ર ઘાટીમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. 3 નાગરિકો સુરક્ષાદળો અને પથ્થરબાજ પ્રદર્શનકારીઓ વચ્ચે સંઘર્ષ દરમિયાન કથિત રીતે સુરક્ષા દળોના ફાયરિંગમાં માર્યા ગયા હતાં.



અધિકારીએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે મોબાઈલ ઈન્ટરનેટ સેવાને સુરક્ષા કારણોસર સસ્પેન્ડ કરાઈ છે. આતંકી બુરહાન વાણીની બીજી વરસીને ધ્યાનમાં રાખીને કેટલાક પ્રતિબંધો પણ લગાવવામાં આવ્યાં છે. અધિકારીએ જણાવ્યું કે આજે કોઈ પણ અપ્રિય ઘટનાને રોકવા માટે દક્ષિણ કાશ્મીરના કેટલાક વિસ્તારો (પુલવામા જિલ્લાના ત્રાલ અને શ્રીનગરના નૌહટ્ટા તથા મૈસુમા પોલીસ સ્ટેશન વિસ્તાર)માં પ્રતિબંધો લગાવવામાં આવ્યાં છે. અહીં પણ ઈન્ટરનેટ સેવા બંધ રહેશે. 


અત્રે જણાવવાનું કે સુરક્ષા દળોએ 8 જુલાઈ 2019ના રોજ ત્રાલમાં રહેતા બુરહાન વાનીને દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં અથડામણમાં ઠાર કર્યો હતો. હિજપુલ કમાન્ડર બુરહાન વાની ઘાટીમાં આતંકનો પોસ્ટર બોય હતો. તેના મોત બાદ ઘાટીમાં હિંસા ફાટી નીકળી હતી અને લાંબા સમય સુધી કર્ફ્યુ લગાવવો પડ્યો હતો.