મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય, કરતારપુર કોરિડોરના નિર્માણ માટે મંજૂરી
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ દ્વારા શ્રી કરતારપુર સાહિબ માર્ગ ખોલવા માટે વિદેશ મંત્રી સુષમા સ્વરાજને પત્ર લખાયા બાદ સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે.
નવી દિલ્હી: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ દ્વારા શ્રી કરતારપુર સાહિબ માર્ગ ખોલવા માટે વિદેશ મંત્રી સુષમા સ્વરાજને પત્ર લખાયા બાદ સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. મોદી કેબિનેટે કરતારપુર કોરિડોરના નિર્માણ અને વિકાસ માટે મંજૂરી આપી દીધી છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે આ અંગે જાણકારી આપતા કહ્યું કે ગુરદાસપુર જિલ્લામાં ડેરાબાબા નાનકથી આંતરરાષ્ટ્રીય સરહદ સુધી કરતારપુર કોરિડોરના વિકાસના પ્રસ્તાવ માટે મંજૂરી આપી છે.
ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે કરતારપુર કોરિડોર પ્રોજેક્ટ માટે કેન્દ્રીય સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવશે. 10 નવેમ્બરના રોજ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે શ્રી કરતારપુર સાહિબ માર્ગ ખુલ્લો કરવા માટે વિદેશ મંત્રી સુષમા સ્વરાજને પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું હતું કે શ્રી કરતારપુર સાહિબ સિખોની આસ્થા સાથે જોડાયલ છે, આથી આ માર્ગને ખોલવા માટે પાકિસ્તાન સાથે વાત કરવામાં આવે. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે વારંવાર કેન્દ્ર પાસે આંતરરાષ્ટ્રીય સરહદથી કરતારપુર સાહિબ સુધી એક કોરિડોર ખોલવાનો મુદ્દો પાડોશી દેશ સમક્ષ ઉઠાવવાની અપીલ કરી છે.
નવેમ્બરમાં ગુરુ નાનકની 550મી જયંતીનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ સ્વરાજને જણાવ્યું કે 27 ઓગસ્ટના રોજ પંજાબ વિધાનસભામાં કોરિડોરના નિર્વિધ્ન ઉદ્ધાટનની માગણી માટે સર્વસહમતિથી એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. અમરિન્દરે ઓગસ્ટમાં પણ સુષમા પાસે આ મુદ્દો ઉઠાવવાની અપીલ કરી હતી.
કરતારપુર સાહિબ માર્ગને લઈને કેટલાક મહિના પૂર્વ રાજ્યમાં ખુબ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. જ્યારે નવજોત સિંહ સિદ્ધુ ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતાં. આ દરમિયાન તેઓ પાક આર્મી ચીફ કમર બાજવાને ભેટી પડ્યા હતાં જેના કારણે અનેક આરોપો લાગ્યા હતાં. ત્યારબાદ સિદ્ધુએ પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે બાજવાએ જ્યારે કરતારપુર સાહિબ માર્ગ ખોલવાની વાત કરી તો તેમણે તેમને ગળે લગાવ્યાં હતાં.