152 વર્ષ જૂની પરંપરામાં મોદી સરકાર કરી શકે છે ધરખમ ફેરફાર, બદલાશે નાણાકીય વર્ષ!
વર્તમાન સરકાર નાણાકીય વર્ષના ફોર્મેટને સંપૂર્ણ રીતે બદલી શકે છે. જો આમ થયું તો નાણાકીય વર્ષ કાઉન્ટ કરવાની તારીખ બદલાઈ જશે.
નવી દિલ્હી: વર્તમાન સરકાર નાણાકીય વર્ષના ફોર્મેટને સંપૂર્ણ રીતે બદલી શકે છે. જો આમ થયું તો નાણાકીય વર્ષ કાઉન્ટ કરવાની તારીખ બદલાઈ જશે. સૂત્રોના જણાવ્યાં મુજબ ફેરફાર બાદ નાણાકીય વર્ષની શરૂઆત જાન્યુઆરી મહિનાથી થશે અને પૂરું ડિસેમ્બરમાં થશે. એટલે કે નાણાકીય વર્ષ કેલેન્ડર યર પ્રમાણે થઈ જશે. હાલ નાણાકીય વર્ષની શરૂઆત એપ્રિલ મહિનાથી થાય છે અને ખતમ માર્ચ મહિનામાં થાય છે.
ભારતના ઈતિહાસમાં છેલ્લા 152 વર્ષથી નાણાકીય વર્ષ એપ્રિલ-માર્ચ ચાલતું આવ્યું છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2016માં પણ નાણાકીય વર્ષને જાન્યુઆરીથી શરૂ કરીને ડિસેમ્બરમાં પૂરું કરવાની ચર્ચા થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ફેરફારની વકીલાત કરી હતી. જો આમ શક્ય બન્યું તો આ એક ઐતિહાસિક ફેરફાર હશે. આ અગાઉ સરકાર બજેટને ફેબ્રુઆરી એન્ડમાં રજુ કરવાની જૂની પરંપરા બદલી ચૂકી છે. ગત વર્ષે સામાન્ય બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજુ કરાયું હતું. આ વખતે પણ વચગાળાનું બજેટ પહેલી ફેબ્રુઆરીએ જ રજુ થવાનું છે. આવામાં નાણાકીય વર્ષ બદલવાની જાહેરાત પણ જલદી થઈ શકે છે.
આ ફિલ્ડ સાથે સંલગ્ન એક એક્સપર્ટનું માનવું છે કે જો નાણાકીય વર્ષમાં ફેરફાર કરાયો તો સામાન્ય લોકોના જીવન પર બહુ અસર પડશે નહીં જો કે ટેક્સ પ્લાનિંગને લઈને તે મહત્વનો ફેરફાર બની રહેશે. પીએમ મોદીએ પોતે એ વાત જણાવી હતી કે તેમનો તર્ક હતો કે સમયના ખરાબ મેનેજમેન્ટના કારણે અનેક યોજનાઓ એટલી પ્રભાવી બની શકતી નથી જેટલી તે હોવી જોઈએ. અત્રે જણાવવાનું કે વચગાળાનું બજેટ કે જેને લઈને હલવા સેરેમની થઈ ગઈ છે. બજેટના દસ્તાવેજોનું પ્રિન્ટિંગ ચાલી રહ્યું છે. 25 જાન્યુઆરીના રોજ નાણામંત્રી અરુણ જેટલી અમેરિકાથી પાછા દિલ્હી આવી જશે અને તેઓ બજેટ રજુ કરે એવી શક્યતા છે.
ભારતમાં નાણાકીય વર્ષ એક એપ્રિલથી 31 માર્ચ સુધી હોય છે. આ વ્યવસ્થા 1867માં શરૂ કરાઈ હતી. ભારતીય નાણાકીય વર્ષનું બ્રિટિશ સરકારના નાણાકીય વર્ષ સાથે તાલમેલ સાધવામાં આવ્યું હતું. આ અગાઉ ભારતમાં નાણાકીય વર્ષ 1 મેના રોજ શરૂ થતું હતું અને 30 એપ્રિલ સુધી રહેતું હતું.