નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પીએમ મોદી અને અમિત શાહ સહિત તમામ દિગ્ગજો એક્શન મોડમાં છે.  દેશભરમાં ભાજપનો ધૂંઆધાર પ્રચાર ચાલી રહ્યો છે. એક તરફ ઉત્તરમાં પ્રધાનમંત્રી મોદી સભા ગજવી રહ્યા છે તો દક્ષિણમાં અમિત શાહ જીતનો મંત્ર આપી રહ્યા છે. પીએમ મોદીએ પહેલી રેલી ઉત્તરાખંડમાં કરી છે. જ્યાં કોંગ્રેસ સહિત સમગ્ર ઈન્ડિયા ગઠબંધન પર પ્રહાર કર્યા છે. સાથે સાથે ફરી એકવાર ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, વિપક્ષ ભલે ગમે તેટલી ગાળો આપે પરંતુ મોદી સરકારમાં ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી થશે જ. આ ઉપરાંત ત્રીજા ટર્મમાં ફરી ભાજપ સરકારના વિશ્વાસ સાથે આવી કાર્યવાહી વધું તેજ કરવાની ગેરન્ટી પણ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરાખંડ બાદ પીએમ મોદી પ્રચાર માટે રાજસ્થાનના કોટપૂતલી પહોંચ્યા હતા. ત્યાં સંબોધન કરતા કહ્યું છે, છેલ્લા 10 વર્ષમાં થયેલા કામ માત્ર ટેલર છે. અસલી કામ તો ત્રીજી ટર્મમાં થશે સાથે જ તેમણે કોંગ્રેસ પર નિશાન તાકતા કહ્યું કે, આ વખતે પહેલીવાર કોંગ્રેસ પોતાની જીતનો દાવો નથી કરતી.  માત્ર ભાજપ જીતી જશે તો શું શું થશે તેવી લોકોને ખોટી ખોટી બીક બતાવે છે. તો ઈન્ડિયા ગઠબંધન પર નિશાન તાકતા કહ્યું કે, પોતપોતાના પરિવારને બચાવવા માટે વિપક્ષી દળો રેલી પર રેલી કરી રહ્યા છે.


આ પણ વાંચોઃ કોણ બનશે દિલ્લીના મુખ્યમંત્રી? બે નામો પર લાગી ચોકડી ! હવે આ નામ પર મોટો મદાર


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના રાજસ્થાન પ્રવાસ બાદ આજે કર્ણાટક પહોંચ્યા છે. બેંગલુરૂમાં ભાજપના શક્તિ કેન્દ્ર પ્રમુખ સંમેલનમાં ભાગ લીધો છે. અમિત શાહે આ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓને પ્રચંડ જીતનો મંત્ર આપ્યો છે. સાથે સાથે છેલ્લા બે ટર્મની જીતનો ઉલ્લેખ કરીને આ વખતે તમામ 28 બેઠકો NDAને જીતાડવા હાંકલ કરી છે. 


નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા સહિત તમામ નેતાઓ પ્રચાર માટે દમ લગાવી રહ્યા છે. જેથી NDA 400 પારનો લક્ષ્યાંક માત્ર લક્ષ્યાંક ન રહે પરંતુ હકીકતમાં તે પૂર્ણ પણ થાય. જેમાં ભાજપ ખાસ ધ્યાન એવા રાજ્યો પર આપી રહ્યું છે, જ્યાં ગત ચૂંટણીમાં તમામ બેઠકો ભાજપને મળી હોય.. આ ઉપરાંત જ્યાં ભાજપના હાથમાંથી કેટલીક બેઠક છટકી ગઈ હોય, ત્યાં પણ NDA સાથે ક્લીન સ્વીપ કરવાનો પ્લાન છે... જોકે ભાજપના આ પ્લાન અને માઈક્રો પ્લાનિંગ કેટલા અંશે સફળ થાય છે તે ચૂંટણી પરિણામના દિવસે ખબર પડશે.