કોણ બનશે દિલ્લીના મુખ્યમંત્રી? બે નામો પર લાગી ચોકડી ! હવે આ નામ પર મોટો મદાર

આ સવાલ એટલા માટે થાય છે, કારણ કે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ તો જેલમાં છે પરંતુ આમઆદમી પાર્ટીના ધારાસભ્યો કેજરીવાલના નિવાસે બેઠક માટે પહોંચ્યા હતા. બેઠક હતી સીએમ અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ સાથે.... 

કોણ બનશે દિલ્લીના મુખ્યમંત્રી? બે નામો પર લાગી ચોકડી ! હવે આ નામ પર મોટો મદાર

નવી દિલ્હીઃ આપના 55 ધારાસભ્યો સુનિતા કેજરીવાલને મળવા પહોંચ્યા અને સંદેશ આપ્યો કે, કોઈ પણ સંજોગોમાં અરવિંદ કેજરીવાલ દિલ્લીના મુખ્યમંત્રી પદથી રાજીનામું ન આપે. ભલે જેલથી જ સરકાર ચલાવવી પડે. આમઆદમી પાર્ટીએ દાવો કર્યો કે ભાજપ કેજરીવાલના રાજીનામા માટે દબાણ બનાવી રહી છે પરંતુ સવાલ એ છે કે, કોઈ પણ પ્રકારની કેબિનેટ બેઠક કે પછી સહી-સિક્કા વગર જેલથી સરકાર ચાલશે કઈ રીતે?  જોકે સૌથી પહેલા એ જાણીએ કે સુનિતા કેજરીવાલ સાથે આપ ધારાસભ્યોની શું વાત થઈ?

દારૂકાંડમાં સર્જાયેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે એ વાત તો સ્પષ્ટ છે કે, હાલના સમયે આપમાં સૌથી વધુ ચર્ચાતા નામ છે સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજ અને આતિશી પરંતુ આ બંનેની મુશ્કેલી પણ હવે વધી ગઈ છે. ઈડીના દાવા પ્રમાણે અરવિંદ કેજરીવાલે પૂછપરછમાં દાવો કર્યો કે, લિકરકાંડનો આરોપી વિજય નાયર તેમને રિપોર્ટ કરતો જ નહોતો પરંતુ નાયર સૌભર ભારદ્વાજ અને આતિશીને રિપોર્ટ કરતો હતો.

 કેજરીવાલના આ નિવેદન બાદ હવે આતિશી અને સૌરભા ભારદ્વાજના દ્વારે ઈડી આવે તો નવાઈ નહીં. આ તરફ આતિશીએ હવે આક્ષેપ કર્યો છે કે, તેમને ભાજપમાં સામેલ થવા ઓફર કરાઈ હતી તો સૌરભ ભારદ્વાજે કહ્યું કે, આપ ભાજપ માટે સંકટ બની ગઈ છે એટલે તેઓ કાર્યવાહી કરી રહ્યા છે. 

જોકે આ તરફ ભાજપે પલટવાર કરતા આતિશીને સવાલ કર્યો કે, ભાજપ તરફથી ઓફર મળી હોય તો તેનું નામ જાહેર કરાય. ભાજપે આમ આદમી પાર્ટીને જુઠ્ઠાણા ફેલાવતી પાર્ટી ગણાવી. સાથે જ કહ્યું કે, જે ભ્રષ્ટાચારી હશે તે તમામ લોકો જેલ જશે.
    
દિલ્લીમાં રાજકીય સંગ્રામ વચ્ચે આમઆદમી પાર્ટી માટે એક રાહતના સમાચાર આવ્યા છે. લિકરકાંડમાં 6 મહિનાથી જેલમાં બંધ આપના રાજ્યસભાના સાંસદ સંજયસિંહને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. સુનાવણી દરમિયાન ઈડીએ પણ જેનો વિરોધ કર્યો નહી ત્યારે હવે જેલમાં રહ્યા અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન... પરંતુ હજુ એ પ્રશ્ન યથાવત છે કે, શું જેલમાંથી કેજરીવાલ દિલ્લીની સરકાર ચલાવશે કે પછી સુનિતા કેજરીવાલને સોંપાશે દિલ્લીની કમાન...? કારણ કે સીએમના અંદર ગયા બાદ સુનિતા કેજરીવાલ પણ પક્ષના કેન્દ્રમાં છે. વળી સંજયસિંહ બહાર આવતા પણ શક્યતા નકારી ન શકાય કે કદાચ સંજયસિંહને પણ સોંપાઈ શકે મોટી જવાબદારી કે પછી દિલ્લીમાં લાગશે રાષ્ટ્રપતિ શાસન..? આ તમામ સવાલોના જવાબ અને કિંતુ-પરંતુ પર પૂર્ણવિરામ આગામી સમય જ આપશે. જેની માત્ર રાહ જોઈ શકાય...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news