મોનાલી સોની, અમદાવાદઃ ભારતનો રાજકીય ઈતિહાસ મોહમ્મદ અલી જિન્ના વગર અધૂરો છે. જિન્ના એ વ્યક્તિ છે, જેણે ભારતમાં રહીને અલગ દેશનું સપનું જોયું હતું અને ઘણી રાજકીય ઉથલપાથલ બાદ પાકિસ્તાનનો જન્મ થયો. આ રીતે જિન્ના પાકિસ્તાનનાં સ્થાપક અને ભારતના સૌથી મોટા દુશ્મન બન્યા. સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે ભારતના ભાગલાનું આટલું મોટું દુઃખ આપવા છતાં જિન્નાને ઘણું ગુમાવવું પડ્યું હતું. તેમને ભારતમાં ઘણી કિંમતી વસ્તુઓ છોડી દેવી પડી હતી. આજે તમને જણાવીએ છીએ કે ભારત છોડતા પહેલા દિલ્લીમાં જિન્નાનો છેલ્લો દિવસ કેવી રીતે પસાર થયો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાકોટા પ્લેન:
તારીખ હતી 7 ઓગસ્ટ 1947, દિલ્લીના પાલમ એરપોર્ટ પર, રોયલ એરફોર્સ બ્રિટનનું 'ડાકોટા એરક્રાફ્ટ' ભારતના ભાગલા માટેના જવાબદાર મુખ્ય વ્યક્તિની રાહ જોઈ રહ્યું હતું. આ જ વિમાનમાં બેસીને મોહમ્મદ અલી જિન્ના ભારતથી પોતાના નવા દેશ પાકિસ્તાન માટે રવાના થયા.

એક મહત્વપૂર્ણ દિવસ:
આ દિવસને માત્ર ભારતમાં જ નહીં પણ જિન્નાના જીવનમાં પણ મહત્વનો દિવસ માનવામાં આવે છે. તેઓ જાણતા હતા કે કરાચી ગયા પછી હવે તેઓ પહેલાની જેમ ભારતમાં નહીં રહી શકે. તે સમયે, મોટાભાગના ભારતીયો ભાગલાની પીડા સહન કરવાની સાથે સાથે એ વાતનો થોડો સંતોષ માનતા હતા કે, તેમના સૌથી મોટા દુશ્મનને આ દેશની સીમારેખાની અંદર ફરીથી જોવા નહીં પડે.


ખાસ કારની વ્યવસ્થા:
એવું કહેવાય છે કે રામકૃષ્ણ ડાલમિયાએ જિન્નાને એરપોર્ટ પર લઈ જવા માટે ખાસ કારની વ્યવસ્થા કરી હતી. જિન્ના આ કારમાં બેસીને પાલમ એરપોર્ટ પહોંચ્યા. તેમની સાથે તેમની બહેન ફાતિમા જિન્ના પણ હતી.


ગુડબાય કહેવા થોડા લોકો આવ્યા:
મોહમ્મદ જિન્નાની ભારતમાંથી વિદાય કંઈ ખાસ ભવ્ય ન રહીં. મળતી માહિતી મુજબ, બહુ ઓછા લોકો એરપોર્ટ પર મોહમ્મદ અલી જિન્નાને અલવિદા કહેવા આવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે જિન્નાએ તેમને મળવા આવેલા કેટલાક લોકો સાથે હાથ મિલાવ્યા હતા અને પછી ઝડપથી તેમના વિમાન તરફ આગળ વધ્યા હતા. એવું કહેવાય છે કે જિન્ના ઝડપથી વિમાનની સીડી ચઢી ગયા અને પાછુ વળીને એકવાર દિલ્લી તરફ જોયું.

જિન્ના ભાવુક થયા:
એવું કહેવાય છે કે જ્યાં સુધી દિલ્લીની ઈમારતો આંખ સામેથી અદ્રશ્ય ન થઈ ત્યાં સુધી જિન્નાની નજર એકટશે દિલ્લીને જોઈ રહી હતી. આ દરમિયાન તેઓ માત્ર એક વાક્ય બોલ્યા કે, હવે આ પણ ખત્મ થઈ ગયું. આટલું બોલ્યા બાદ મોહમ્મદ અલી જિન્ના આખા રસ્તામાં મૌન રહ્યા.


છેલ્લા દિવસે ખૂબ વ્યસ્ત હતા જિન્ના:
કહેવાય છે કે દિલ્લીમાં છેલ્લા દિવસે જિન્ના ખૂબ વ્યસ્ત હતા. કરાચી જતા પહેલા, તેમણે પોતાનું ઘર 10, ઔરંગઝેબ રોડ (હાલ APJ કલામ રોડ) ઉદ્યોગપતિ રામ કૃષ્ણ ડાલમિયાને ત્રણ લાખમાં વેચી દીધું. બાદમાં ડાલમિયાએ પણ આ ઘર પણ વેચી દીધું હતું. ભારતમાં પોતાના છેલ્લા દિવસે, જિન્ના ઘણા લોકોને મળ્યા હતા. રામ કૃષ્ણ ડાલમિયા પણ તેમને મળવા આવ્યા હતા.


મળ્યા હતા ખાસ ઉપહાર:
કહેવાય છે કે પાકિસ્તાન જતા પહેલા લોર્ડ માઉન્ટબેટને જિન્નાને બે વસ્તુઓ ભેટમાં આપી હતી. એક ADC એહસાન અલી અને બીજી તેની રોલ્સ રોયલ્સ કાર. એડીસી એહસાન અલી પાકિસ્તાનમાં જિન્નાના દૈનિક કાર્યનો એક મહત્વપૂર્ણ હિસ્સો બન્યા.


છેલ્લી ઘડીએ મળવા દિકરી પણ ન આવી:
એવું કહેવાય છે કે જિન્નાની પુત્રી 'દિના વાડિયા' તે દિવસોમાં મુંબઈમાં હતી, પરંતુ તે તેના પિતાને મળવા ન આવી. જિન્નાએ પણ તેની દીકરી સાથે વાત નહોતી કરી. એવું કહેવામાં આવે છે કે, જિન્ના તેની પુત્રી પર પણ થોડા ગુસ્સે હતાં, કારણકે પુત્રીએ પિતાની ઈચ્છા વિરુદ્ધ થઈ અને નેવિલે વાડિયા સાથે લગ્ન કર્યા. આ સિવાય દીકરી દીનાએ પિતાની સાથે પાકિસ્તાન જવાની ચોખ્ખી ના પાડી હતી.


કરાચીમાં ભીડ એકઠી થઈ હતી:
એવું કહેવાય છે કે જિન્નાનાં સ્વાગત માટે કરાચી એરપોર્ટ પર 50 હજારથી વધુ લોકોનું ટોળું ભેગું થયું હતું. આ સાથે પાકિસ્તાન ઝિંદાબાદના નારા પણ લગાવવામાં આવી રહ્યા હતા. આ પછી જિન્નાનો કાફલો કરાચીની સડકો પર દોડવા લાગ્યો. કંઈક આવો રહ્યો હતો મોહમ્મદ અલી જિન્નાનો ભારતમાં છેલ્લો દિવસ.