નવી દિલ્હીઃ વિશ્વમાં કોરોના મહામારી શાંત પડ્યા બાદ હવે મંકીપોક્સ વાયરસનો ખતરો વધી ગયો છે. પાછલા મહિને 7 મેએ બ્રિટનમાં મંકીપોક્સ વાયરસનો પ્રથમ કેસ મળ્યો હતો. પરંતુ એક મહિના બાદ આ વાયરસના 30થી વધુ દેશોમાં લગભગ 600 કેસ સામે આવી ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલે કે દુનિયામાં દરરોજ નવા 20 કેસ સામે આવ્યાં છે. છેલ્લા એક સપ્તાહમાં ઘણા દેશોમાં મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયો છે. કોરોના બાદ મંકીપોક્સનો પ્રકોપ જોતા દેશમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


10 ટકા મૃત્યુ દર
અમેરિકી સ્વાસ્થ્ય એજન્સી સીડીસી અનુસાર આફ્રિકામાં મંકીપોક્સ પર કરેલા રિસર્ચ અનુસાર 10માંથી એક વ્યક્તિનું મોત આ વાયરસને કારણે થઈ શકે છે. એટલે કે મંકીપોક્સથી થનાર મૃત્યુનો દર 10 ટકા છે. 


આ પણ વાંચોઃ પહેલાં રાજ્યસભામાંથી પત્તું કપાયું, હવે ન મળી લોકસભાની ટિકિટ, નકવીના કરિયરને લઈને આશંકા


ભારતમાં પણ એલર્ટ થયું જાહેર
વિદેશમાં મંકીપોક્સના કેસ વધવાને કારણે ભારતમાં કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે તેના પર નજર રાખવા માટે નેશનલ સેન્ટર ફોર ડિઝીસ કંટ્રોલ અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચને નિર્દેશ આપ્યા છે. જે વ્યક્તિ મંકીપોક્સ પ્રભાવિત દેશોમાંથી પરત ફરી રહ્યાં છે તેના પર નજર રાખવાનું કહેવામાં આવ્યું છે. તો શંકાસ્પદ લક્ષણવાળા દર્દીઓના સેમ્પલ ટેસ્ટ માટે પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીમાં મોકલવાનું કહેવામાં આવ્યું છે. 


વિશ્વ આરોગ્ય સંસ્થાની પ્રતિક્રિયા
મંકીપોક્સને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે સમય રહેતાં વાયરસ પર નિયંત્રણ કરી શકાય અને દુનિયાની પાસે તેના પ્રકોપને રોકવાનો એક અવસર છે. પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેના નિવારણને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ડબ્લ્યૂએચઓએ કહ્યું કે, તેને નિયંત્રિત કરી શકાશે કે નહીં તે સ્પષ્ટ રીતે કહી શકાય નહીં. 


વિશ્વ આરોગ્ય સંસ્થાના યુરોપ કાર્યાલયના પ્રમુખ ડો. હૈન્સ ક્લૂઝે કહ્યુ- આવનારા તહેવારો અને ઉત્સવોને કારણે મંકીપોક્સના ફેલાવાને લઈને સાવધાન રહેવાની જરૂર છે. જો ધ્યાન રાખવામાં નહીં આવે તો તે ઝડપથી ફેલાય શકે છે. તેમણે તેના પ્રસાર માટે યૌન ગતિવિધિઓને પણ જવાબદાર ઠેરવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube