Mount Abu Weather: ડિસેમ્બરનો મહિનો ઝડપથી પસાર થઈ રહ્યો છે. ગુજરાતના પાડોશી રાજ્યમાં આવેલું અને ગુજરાતીઓને અતિ ફેવરિટ એવું માઉન્ટ આબુ ઠંડુગાર બની રહ્યું છે. ઉત્તર ભારતથી આવતા ગાત્રો થીજવતા પવનોએ રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશનને થીજવી દીધુ છે. માઉન્ટ આબુમાં છેલ્લા ત્રણ દિવસમાં માઈનસ વન ડિગ્રી તાપમાન નોંધાયુ છે. 15 દિવસથી સવારે મોટા ભાગે બરફ જામેલો જોવા મળે છે. પ્રદેશમાં લોકો કડકડતી ઠંડીથી બચવા માટે તાપણાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. અનેક જગ્યાઓ પર સવાર અને સાંજે ધૂમ્મસ છવાયેલું જોવા મળે છે. વાહન ચાલકોને ગાડી ચલાવતી વખતે વિઝિબિલિટીમાં મુશ્કેલી આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ માઉન્ટ આબુમાં મેદાની વિસ્તારોમાં ઊગેલા ઘાસ, ઝાડપાન અને વાહનોના કાચ પર બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. ઠંડીની મજા માણવા માટે પ્રવાસીઓ આમ છતાં માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે જે ગરમ કપડાંમા લપેટાઈને ફરતા જોવા મળે છે અને ઠંડીની મજા માણી રહ્યા છે. 


માઉન્ટ આબુમાં આ સીઝનની ઠંડી ગત ડિસેમ્બરની સરખામણીએ બમણા કરતા વધુ છે. જ્યારે આ વખતે ગત વર્ષથી 10 દિવસ વિલંબથી માઉન્ટ આબુમાં બરફ જામવાનો શરૂ થયો છે. 2022માં 18 ડિસેમ્બરના રોજ પારો 12 ડિગ્રી સેલ્સિયસ હતો અને આ વખતે 18 ડિસેમ્બરે માઉન્ટ આબુનું તાપમાન માઈનસ 1 ડિગ્રી જોવા મળ્યું. જ્યારે આ વર્ષે પૂરા સાત દિવસમાં પારો એકવાર પણ 2 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જઈ શક્યો નહીં અને ત્રણ વખત તો માઈનસ તાપમાન જોવા મળ્યું. 


હવામાન નિષ્ણાંત (જયપુર) રાધેશ્યામ શર્માના જણાવ્યાં મુબ 24થી 48 કલાક સુધી હવામાનમાં આ પ્રકારે જ ઠંડી જોવા મળશે. 25 ડિસેમ્બર બાદ હવામાનમાં ફેરફાર આવશે અને ઠંડીમાં હજુ વધારો થશે. તેમણે જણાવ્યું કે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા બાદ હવે ઠંડા પવન સીધા મેદાની રાજ્યોમાં ફૂંકાવાના શરૂ થયા. તેનાથી માઉન્ટ આબુ અને સિરોહી સહિત સમગ્ર રાજસ્થાનમાં તાપમાન ઘટ્યું. 


માઉન્ટ આબુમાં આ વર્ષે શિયાળામાં પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં પણ પારો 2 ડિગ્રીથી ઉપર વધી શક્યો નથી. ગત વર્ષ 2022માં તો પારો 12 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. તે પહેલા પણ વર્ષ 2021માં ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં પારો 6 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જો કે આ વર્ષે ત્રીજા સપ્તાહમાં પારો માઈનસ 3 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.