ભોપાલ: 28 નવેમ્બરે મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા આરએસએસએ ભાજપને કેટલાક સૂચનો કર્યાં. આરએસએસએ કહ્યું કે હાલના જે ધારાસભ્યો છે તેમાંથી 78 લોકોને આ વખતે ટિકિટ મળવી જોઈએ નહીં. એટલું જ નહીં સંઘે એ પણ સૂચન કર્યું કે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ વખતે પોતાની સીટ બુધની પરથી ચૂંટણી લડવી જોઈએ નહીં. ત્યારબાદ સંઘે તેમને ભોપાલની ગોવિંદપુરા સીટથી નસીબ અજમાવવાની સલાહ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના જણાવ્યાં મુજબ બુધની સીટથી સીએમ શિવરાજ સિંહ ચૌહાણ વિરુદ્ધ કોંગ્રેસ કોઈ દિગ્ગજ ચહેરાને ઉતારવાની યોજના બનાવી રહી છે. જો કે ભાજપના વરિષ્ઠ નેતાઓએ આ વિચારને ફગાવતા કહ્યું કે બુધની એ શિવરાજ સિંહની પરંપરાગત સીટ છે અને વોટરો તેમની જગ્યાએ અન્ય ઉમેદવારને સ્વીકારશે નહીં. 


ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ગોવિંદપુરા સીટ ભાજપનો ગઢ રહ્યો છે. આ સીટથી પૂર્વ સીએમ અને ભાજપના કદાવર નેતા બાબુલાલ ગોર (88) 1980થી સતત ચૂંટણી જીતે છે. ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સૂત્રોના હવાલે લખ્યું છે કે હકીકતમાં ધારાસભ્યોના પ્રદર્શનના ફીડબેકના આધારે સંઘે આ સીટોથી ઉમેદવારોને બદલવા માટે સૂચનો કર્યા છે. 


કહેવાય છે કે ભાજપની રાજ્ય ચૂંટણી મેનેજમેન્ટ કમિટીમાં આ મુદ્દે ચર્ચા વિચારણા પણ થઈ. જેમાં ભાજપના ટોચના નેતૃત્વએ એ વાત પર સહમતિ વ્યક્ત કરી કે ફક્ત ચૂંટણી જીતાડી શકે તેવા ઉમેદવારોને જ ટિકિટ મળવી જોઈએ. એ પણ કહેવામાં આવ્યું કે કોઈ પણ ઉમેદવારને ત્યાં સુધી દાગી ન ગણવો જોઈએ કે  જ્યાં સુધી કોર્ટ દ્વારા તેને દોષિત ન ઠેરવવામાં આવ્યો હોય. 


સૂત્રોના જણાવ્યાં મુજબ કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, ભાજપ પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહ, રાજ્ય પ્રભારી વિનય સહસ્ત્રબુદ્ધે અને સંગઠનના જનરલ સેક્રેટરી સુહાસ ભગતે ટિકિટ ફાળવણીના મુદ્દે વિસ્તારથી વિચાર વિમર્શ કર્યો છે. આ અંગેની બેઠક બાદ રાકેશ સિંહે પત્રકારોને કહ્યું કે ફક્ત જીતવાની શક્યતાના આધારે જ પાર્ટી તરફથી ઉમેદવારોને ટિકિટ અપાશે. કોઈ પણ સંભવિત ઉમેદવારને જ્યાં સુધી કોર્ટ દોષિત ન ઠેરવે ત્યાં સુધી તે ઉમેદવાર દાગી નથી. 


કોંગ્રેસે 80 ઉમેદવારોના નામ નક્કી કર્યાં
આ બધા વચ્ચે કોંગ્રેસે મધ્ય પ્રદેશમાં ઓછામાં ઓછી 80 સીટો માટે ઉમેદવારોના નામ ફાઈનલ કર્યાં. બુધવારે અંતિમ સ્વરૂપ આપ્યું પરંતુ હજુ સુધી વિધિવત નામ જાહેર કર્યા નથી. પાર્ટી સૂત્રોએ આ જાણકારી આપી. પાર્ટીના ટોચના સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નવી દિલ્હીમાં કોંગ્રેસ ચૂંટણી સમિતિ (સીઈસી)ની એક બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકમાં મધ્ય પ્રદેશના ટોચના નેતાઓ હાજર હતાં અને 28 નવેમ્બરે થનારી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવી. 


કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં ભાજપને સત્તામાંથી દૂર કરવા માંગે છે. આ રાજ્યમાં ભાજપ છેલ્લા 15 વર્ષથી સત્તામાં છે. રાજ્યમાં વિધાનસભાની કુલ 230 સીટો છે.