મુંબઈઃ સમગ્ર દેશમાં વરસાદ અનરાધાર ખાબકી રહ્યો છે.. ભારે વરસાદના કારણે દેશના કેટલાય રાજ્યોમાં તબાહીની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે.. ખાસ કરીને મહારાષ્ટ્રની વાત કરીએ તો, મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ છે.. એટલું જ નહીં દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ શહેરમાં જળનું સામ્રાજ્ય છવાયું છે.. મુંબઈ, નાગપુર, થાણે સહિતના શહેરોમાં અતિશય વરસાદના કારણે પાણી જ પાણી નજરે પડી રહ્યું છે.. દેશમાં વરસાદ અને પૂરને લઈને કેવો છે માહોલ,, જુઓ આ રિપોર્ટમાં.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ શહેરની આ સ્થિતિ છે.. મુંબઈ શહેરમાં અવિરત રીતે વરસતો વરસાદ હવે શહેરીજનો માટે આફત લઈને આવ્યો છે.. સતત 5 દિવસથી વરસતા વરસાદના કારણે મુંબઈની રફ્તાર થંભી ગઈ છે.. ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યા ઉત્પન્ન થઈ છે.. 


આ બધા વચ્ચે મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થવાના કારણે 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે 3 લોકો ઘાયલ થયા હતા.. ભારે વરસાદના કારણે જર્જરિત ઈમારતનો આગળનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો.. ઈમારત તૂટવાની માહિતી મળતાં જ રેસ્ક્યૂ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.. જોકે, આ દુર્ઘટનામાં એક વ્યક્તિ જીવ ગુમાવ્યો છે.. 


મુંબઈ બાદ હવે જરા નવી મુંબઈના દ્રશ્યો પર નજર કરીએ.. મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.. જેના કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે.. મોડી રાતથી વરસેલા વરસાદના કારણે નવી મુંબઈના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા.. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.. ભારે વરસાદના કારણે લોકલ ટ્રેન પણ પ્રભાવિત થઈ હતી.. મળતી માહિતી પ્રમાણે નવી મુંબઈમાં 78 mm જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય જ જોવા મળતું હતું.. 


આવી જ સ્થિતિ થાણે શહેરની પણ જોવા મળી.. ભારે વરસાદના કારણે થાણે શહેરની મુખ્ય બજારમાં પાણી ભરાયા હતા.. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં રાહદારીઓ અને દુકાનદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.. ભારે વરસાદના કારણે થાણે શહેરમાં અવાર નવાર પાણી ભરાઈ જવાની સમસ્યા ઉત્પન્ન થાય છે.. 


મહારાષ્ટ્રના નાગપુરમાં સૌથી વધારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા.. નાગપુરમાં એક રાતમાં એટલો વરસાદ ખાબક્યો કે, વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા.. વરસાદી પાણી ઘરમાં આવી જવાના કારણે લોકોના માલ સામાનને મોટી માત્રામાં નુકસાન પહોંચ્યું હતું.. ઘરમાં રહેલો તમામ સામન પલળી ગયો હતો.. પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે ઘરમાં ગોઠણ સુધી પાણી ભરાયાં હતા.. ઘરના લોકો પાણીમાંથી પોતાનો કિંમતી સામાન બચાવવા માટે મથામણ કરતા નજરે પડ્યા હતા.. તંત્રની બેદરકારીના કારણે થયેલા આ નુકસાન માટે લોકો વળતરની પણ માગ કરી રહ્યા છે.. 


ભારે વરસાદે મહારાષ્ટ્ર રાજ્યની તસવીર બદલી નાખી છે.. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.. એવામાં ખાસ કરીને મુંબઈ, થાણે, નાગપુર સહિતના શહેરોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે તેવી શક્યતા છે..