PM મોદીની એક જ ક્લિકથી એક કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પહોંચ્યાં 2000 રૂપિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આજે ખેડૂત સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી. આ કાર્યક્રમમાં પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતાં.
ગોરખપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આજે ખેડૂત સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી. આ કાર્યક્રમમાં પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતાં. જે હેઠળ આજે 1.1 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા પહોંચ્યાં. આ યોજના હેઠળ 12 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા થવાના છે. પહેલો હપ્તો 31 માર્ચ સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે. પીએમ મોદીએ આ ઉપરાંત દેશની સૌથી મોટી પાઈપલાઈન કંડલા-ગોરખપુરની આધારશીલા પણ રાખી. આ ઉપરાંત એક ભવ્ય કાર્યક્રમમાં લાભાર્થી ખેડૂતોને 2000ના ચેક પણ વિતરીત કરાયા. પીએમ મોદીએ આ અવસરે પૂર્વાંચલ વિકાસ સંબંધિત 9888 કરોડની વિભિન્ન યોજનાઓનો શિલાન્યાસ/લોકાર્પણ પણ કર્યાં.
પીએમ મોદીએ કહ્યું કે આ તો હજુ શરૂઆત છે. દર વર્ષે 75000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા પહોંચવાના છે. પીએમ મોદીએ કહ્યું કે રાજ્ય સરકારોએ કશું કરવાનું નથી. બસ પ્રમાણીકતાથી યોગ્ય સૂચિ બનાવવાની છે અને લિસ્ટ અમને આપવાની છે. જેટલું જલદી આ સૂચિ આવશે એટલું સારું રહેશે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે કેટલીક રાજ્ય સરકારો એવી છે કે જેમની ઊંઘ હજુ ઉડી નથી. તેમણે કહ્યું કે જો આ રાજ્યોના ખેડૂતો લાભથી વંચિત રહી જશે તો તેમની બદદુઆઓ તમારું રાજકારણ ખતમ કરી નાખશે.
અત્રે જણાવવાનું કે સરકારે નાણાકીય વર્ષ 2019-20ના વચગાળના બજેટમાં પીએમ ખેડૂત યોજનાની જાહેરાત કરી હતી. જે મુજબ બે હેક્ટર જમીન ખેડનારા 12 કરોડ નાના અને સીમાંત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની કેશ મદદ કરવાની જાહેરાત કરાઈ હતી.
PM મોદી આજે પૂર્વાંચલને આપશે 'વિકાસ-17'ની ભેટ, સપા-બસપાના જાતિય સમીકરણનું થશે સૂરસૂરિયું!
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે આવતી કાલ એક ઐતિહાસિક દિવસ છે! વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિની શરૂઆત ગોરખપુરથી થશે. આ યોજનાથી આકરી મહેનત કરનારા કરોડો ભારતીય ખેડૂતોની આકાંક્ષાઓને પાંખો લાગશે. જે આપણા દેશનું પોષણ કરે છે. તેમણે કહ્યું કે આવતી કાલે પીએમ ખેડૂત સન્માન નિધિની શરૂઆત બે વસ્તુઓ દર્શાવે છે: ખેડૂતોના કલ્યાણ પ્રત્યે એનડીએની અતૂટ પ્રતિબદ્ધતા અને ઝડપી નિર્ણયની પ્રક્રિયા-- પહેલી ફેબ્રુઆરીએ જાહેર થયેલી યોજના ખુબ ઓછા સમયમાં અમલીકરણનું રૂપ લઈ રહી છે. આ નવા ભારતની નવી કાર્ય સંસ્કૃતિ છે.