રોડ પર અકસ્માત કરીને ભાગી જનારાઓની હવે ખેર નથી. કેન્દ્રની મોદી સરકારે રોડ અકસ્માત કરીને ભાગી જનારા લોકો માટે એક કડક કાયદો તૈયાર કર્યો છે. જે જલદી લાગૂ થવાનો છે. હવે તમે રોડ અકસ્માત કરીને ભાગી શકશો નહીં. આમ કરવાથી તમને કડક સજા થઈ શકે છે. કારણ કે  તે સંલગ્ન એક કાયદો લોકસભામાં પાસ થઈ ગયો છે. વાત જાણે એમ છે કે જલદી લાગૂ થતા આ કાયદા મુજબ રોડ પર અકસ્માત કરીને ભાગી જનારાને 10 વર્ષની સજા થશે. જો કે તેમાં કેટલીક રાહતવાળી જોગવાઈ પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોડ અકસ્માત જેવા ગંભીર મુદ્દે સરકારે મોટું પગલું ભર્યું છે. નવા કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ રોડ પર અકસ્માત કરીને ભાગી જાય અને ઘાયલ વ્યક્તિને રસ્તા પર જ તરફડતો મૂકી દે તો તેને 10 વર્ષની સજા થશે. જો કોઈ અક્સમાત સર્જનારો વ્યક્તિ ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડે તો તેની સજા ઓછી કરી દેવામાં આવશે. આ કાયદાની જાણકારી ગૃહમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં આપી. 


પહેલા શું હતી જોગવાઈ?
અત્રે જણાવવાનું કે અગાઉ આઈપીસીની કલમ 104 હેઠળ રોડ દુર્ઘટના દરમિયાન બેદરકારીથી મોત કે પછી ઉતાવળ કે બેદરકારીથી થયેલા મોતના ગુનામાં 2 વર્ષની કેદ કે દંડ બંનેની જોગવાઈ હતી. જો કે હવે નવા કાયદાને લોકસભામાં મંજૂરી મળી ગઈ છે અને હવે તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ તે કાયદાનું સ્વરૂપ લઈ લશે. 


અત્રે જણાવવાનું કે લોકસભાએ વર્ષો જૂના ત્રણ અપરાધ લોની જગ્યાએ સરકાર દ્વારા લાવવામાં આવેલા બિલને બુધવારે પાસ કર્યા. ગૃહમાં લાંબી ચર્ચા બાદ ગૃહમંત્રી અમિત શાહના વિસ્તૃત જવાબ પછી ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) બિલ 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) બિલ 2023, અને ભારતીય સાક્ષ્ય (બીએસ) બિલ 2023,ને ધ્વનિમતથી પોતાની સ્વીકૃતિ આપી દીધી. આ ત્રણેય બિલ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) 1860, દંડ પ્રક્રિયા સંહિતા (સીઆરપીસી) 1898 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 1872ની જગ્યાએ લાવવામાં આવ્યા છે. 


બિલ પર ચર્ચા દરમિયાન જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વ્યક્તિની સ્વતંત્રતા, માનવાધિકાર અને બધા સાથે સમાન વ્યવહાર, રૂપી ત્રણ સિદ્ધાંતના આધારે આ પ્રસ્તાવિત કાયદો લાવવામાં આવ્યો છે. ગૃહમંત્રીનું કહેવું છે કે અપરાધિક ન્યાય પ્રણાલીમાં ધરમૂળ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જે ભારતની જનતાનું હિત કરવાના છે. અમિત શાહે કહ્યું કે આ બિલના માધ્યમથી સરકારે ત્રણેય અપરાધિક કાયદાને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરાવ્યા છે. તેમનું કહેવું હતું કે પહેલાના કાયદાઓ હેઠળ બ્રિટિશ રાજની સલામતી પ્રાથમિકતા હતી, હવે માનવસુરક્ષા, દેશની સુરક્ષાને પ્રાથમિકતા અપાઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube