મોદી સરકારના પૂરા થઈ રહ્યાં છે 9 વર્ષ, જાણો શું છે ભાજપનો સ્પેશિયલ પ્લાન
ભાજપ આ દરમિયાન ઘણી મોટી રેલીઓ તો કરશે સાથે એક મોટું સંપર્ક અભિયાન પણ શરૂ કરશે. આ સંપર્ક અભિયાન આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કરવામાં આવશે.
નવી દિલ્હીઃ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDA સરકારના 9 વર્ષ પૂરા થવાના છે. આ સાથે પાર્ટી આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીને લઈને મિશન મોડમાં આવી જશે. ભાજપ આ 9મી વર્ષગાંઠને ભવ્ય અને વિશાળ રૂપથી ઉજવવાની તૈયારી કરી રહી છે. તે માટે પાર્ટીએ ખાસ પ્લાન તૈયાર કરી લીધો છે. ભાજપ આ દરમિયાન ઘણી મોટી રેલીઓ તો કરશે સાથે એક મોટા સંપર્ક અભિયાનની શરૂઆત કરશે. આ સંપર્ક આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કરવામાં આવશે.
30 અને 31 મેએ પીએમ મોદીની રેલી
જાણકારી અનુસાર આ જશ્નની શરૂઆત પ્રધાનમંત્રી ખુદ કરશે. તેઓ 30 મેના રોજ મોટી રેલી કરશે. આ સાથે પીએમ મોદી ભાજપનું સંપર્ક અભિયાન પણ શરૂ કરશે, જે 30 મેથી શરૂ થઈને 30 જૂન સુધી ચાલશે. આ દરમિયાન પાર્ટીના મોટા નેતાઓથી લઈને બૂથ લેવલના કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈને લોકોનો સંપર્ક કરશે. આ સાથે 31 મેના રોજ પીએમ મોદીની એક મોટી રેલીનું પણ આયોજન કરવામાં આવશે. આ રેલીઓ ક્યાં યોજાશે તે હજુ નક્કી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમની આ રેલીઓ મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં ક્યાંક આયોજિત કરવામાં આવશે. આ રેલીઓ આ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત પણ કરશે.
આ પણ વાંચોઃ દેશમાં ગરમીનો કહેર, હવે ચોમાસામાં પણ થશે વિલંબ, હવામાન વિભાગે આપી મહત્વની માહિતી
જેપી નડ્ડા 29 મેએ કરશે પત્રકાર પરિષદ
આ સાથે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા 29 મેએ મોદી સરકારના 9 વર્ષ પૂરા થવા પર એક પત્રકાર પરિષદ કરશે. આ સાથે રાજ્યોના મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, નેતા વિપક્ષ પણ પત્રકાર પરિષદ યોજી સરકારના કામકાજની માહિતી આપશે. આ સાથે દરેક સાંસદોને પાર્ટી તરફથી નિર્દેશ આપવામાં આવ્યો છે કે તે બીજા લોકસભા ક્ષેત્રમાં પ્રવાસ કરી સ્થાનીક કાર્યકર્તાઓ અને લોકો સાથે મુલાકાત કરશે. તો પાર્ટી આ દરમિયાન પોતાના દરેક મોર્ચાના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. આ બેઠક રાષ્ટ્રીય, રાજકીય અને જિલ્લા સ્તર પર પણ થશે. તેમાં આગળના કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube