Pics: બહુ ઓછા લોકોને ખબર હશે ગુજરાતના આ બીચ વિશે! લક્ષદ્વીપ જતા પહેલા આ બીચની મજા ચોક્કસ માણજો
આપણા ગુજરાતમાં જ એવા એવા બીચો છે જેના વિશે તમે જાણીને અભિભૂત થઈ જશો. આવો જ એક બીચ દક્ષિણ ગુજરાતમાં આવેલો છે જે હજુ પૂરેપૂરો એક્સપ્લોર થવાનો બાકી છે. ચાલો આ બીચ વિશે જાણીએ.....
આપણા ગુજરાતને 1600 કિમી જેટલો લાંબો દરિયાકિનારો મળેલો છે. આ દરિયાકાંઠે અનેક એવા બીચ છે જે તમને દેશ વિદેશના બીચોની સરખામણીમાં અદભૂત અને રમણીય વાતાવરણ પૂરું પાડે છે. આપણે બીચનો આનંદ લેવા માટે મુંબઈ, ગોવા અને વિદેશમાં માલદીવ, બાલી સુધી લાંબા થઈએ છીએ પરંતુ આપણા ગુજરાતમાં જ એવા એવા બીચો છે જેના વિશે તમે જાણીને અભિભૂત થઈ જશો. આવો જ એક બીચ દક્ષિણ ગુજરાતમાં આવેલો છે જે હજુ પૂરેપૂરો એક્સપ્લોર થવાનો બાકી છે. ચાલો આ બીચ વિશે જાણીએ.....
ગુજરાતના દક્ષિણ ભાગમાં વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્ર સરહદ પાસે ઉમરગામ તાલુકામાં અરબી સમુદ્રના કિનારે નારગોલ ગામ આવેલું છે. આ નારગોલનો બીચ એ ખુબ જ અદભૂત અને રમણીય સૌંદર્ય ધરાવતો શાંત બીચ છે. પર્યટકોને તે આકર્ષે પણ છે. ગુજરાતીઓનો ફરવા પ્રત્યેનો પ્રેમ તો જગજાહેર છે. અરબી સમુદ્ર....બ્રાઉન- ગોલ્ડન રેતાળ દરિયા કિનારો અને દરિયા કિનારે આવેલું સરુના ઝાડનું જંગલ તમને બોલીવુડની કોઈ ફિલ્મની યાદ અપાવી દેશે. આ વૃક્ષોની હરિયાળી જ આ બીચની રોનક છે. જે તેને અન્ય બીચ કરતા અલગ પાડે છે. બીચની આ ખુબી જ તમને ગુજરાતના અન્ય જાણીતા બીચ દીવ-દમણ, તિથલ, કે ગોવા, મુંબઈ કરતા અલગ પાડે છે. સરુના ઝાડના જંગલો આ બીચની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.
જો તમારે શાંત અને અદભૂત બીચનો લ્હાવો લેવો હોય તો નારગોલ બીચ ખરેખર એક્સપ્લોર કરવા જેવો છે. આટલો સારો બીચ હોવા છતાં પ્રવાસીઓની નજર હજુ તેના પર ઓછી જઈ રહી છે. સ્થાનિકો શનિ રવિમાં ફરવા માટે આવતા હોય છે. આ એક એવો બીચ છે જ્યાં તમને પાણીમાં ડુબકી લેવાની સાથે સાથે સુંદર સૂર્યાસ્તની મજા પણ માણવા મળશે. અહીં સનસેટ દરમિયાન કોઈ વિધ્ન ન આવતું હોવાથી તમે સૂર્યને ડૂબતો વ્યવસ્થિત રીતે જોઈ શકો છો.
નારગોલ બીચની આજુબાજુ ફરવા જેવા સ્થળો
આ બીચ ઉપરાંત તમે આજુબાજુમાં આવેલા કેટલાક સ્થળોની મજા પણ માણી શકો છો. જેમાં નારગોલના માછીમારોની શ્રદ્ધાના કેન્દ્ર સમાન રાધેશ્યામ મંદિર, ચંદ્રિકા માતાનું મંદિર, સમુદ્ર નારાયણ દેવનું મંદિર, પારસીઓની પ્રખ્યાત અગિયારી પણ નજીક છે.
આ બીચનું લોકેશન જોતા પ્રી વેડિંગ માટે પણ એક પરફેક્ટ ડેસ્ટિનેશન કહી શકાય. બીચ નજીક આવેલું સરુના ઝાડનું જંગલ તેને પરફેક્ટ લોકેશન બનાવે છે. તમારા લગ્નને યાદગાર સંભારણું બનાવી દેશે. નારગોલ બીચથી સુરત લગભગ 150 કિમી અંતરે છે. આ બીચથી સૌથી નજીક વલસાડનું ઉમરગામ છે. જે આશરે 10 કિમી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube