`આ રાહુલ ગાંધી છે ઝૂકશે નહીં` ED સામે હાજર થતા પહેલા કોંગ્રેસના કાર્યકરોનું `હલ્લાબોલ`
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ આજે નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી સમક્ષ હાજર થવાનું છે. ઈડીએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને બજાવેલા સમન વિરુદ્ધ કોંગ્રેસ કાર્યકરો તેમના સમર્થનમાં ઉતરી પડ્યા છે અને સમનનો વિરોધ કરી રહ્યા છે.
નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ આજે નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી સમક્ષ હાજર થવાનું છે. ઈડીએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને બજાવેલા સમન વિરુદ્ધ કોંગ્રેસ કાર્યકરો તેમના સમર્થનમાં ઉતરી પડ્યા છે અને સમનનો વિરોધ કરી રહ્યા છે. દિલ્હી સ્થિત પાર્ટી ઓફિસ બહાર ઈડી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ ઉપરાંત દેશભરમાં પણ ઈડી ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન યોજાયા છે.
રાહુલ ગાંધીના દિલ્હી સ્થિત ઘર બહાર કાર્યકરો પોસ્ટર્સ અને બેનર્સ લઈને પહોંચી ગયા છે. આ પોસ્ટર્સમાં લખ્યું છે કે યે 'રાહુલ ગાંધી હૈ ઝૂકેગા નહીં'. એક પોસ્ટરમાં લખ્યું છે કે રાહુલજી સંઘર્ષ કરો, હમ આપકે સાથ હૈ. અન્ય એક પોસ્ટરમાં રાહુલ ગાંધીના ફોટા સાથે લખ્યું છે કે સત્ય ઝૂકેગા નહીં. આ બધા વચ્ચે પોલીસે પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકરો વિરુદ્ધ કાર્યવાહી પણ કરી છે. પાર્ટીના લગભગ એક ડઝન જેટલા કાર્યકરોને અટકમાં લેવાયા છે.
અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધીની પેશીને કોંગ્રેસે રાજકીય બદલાની કાર્યવાહી ગણાવતા પોતાની તાકાતના પ્રદર્શનનો નિર્ણય લીધો હતો. સોમવારે દેશભરમાં ઈડી ઓફિસ બહાર કોંગ્રેસ નેતા-કાર્યકરોનો ધરણાનો કાર્યક્રમ છે. નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગના આરોપો હેઠળ ઈડીએ રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવ્યા છે.
બીજી બાજુ કોંગ્રેસનો આરોપ છે કે સરકાર પોતાની નિષ્ફળતાઓને છૂપાવવા માટે આવી બદલાની કાર્યવાહી કરી રહી છે. વિપક્ષના નેતાઓ વિરુદ્ધ કેન્દ્રીય તપાસ એજન્સીઓ જેમ કે સીબીઆઈ, ઈડી, આવકવેરા વિભાગ વગેરેની કાર્યવાહી પર વિપક્ષી દળો સતત પ્રહાર કરી રહ્યા છે. પરંતુ કોંગ્રેસ આ વખતે તેને રાજકીય મુદ્દો બનાવવા માટે પોતાની સંપૂર્ણ તાકાત વાપરી રહી છે.
કોંગ્રેસના સાંસદોએ રાહુલ ગાંધીના સમર્થનમાં માર્ચ કાઢવાનું નક્કી કર્યું હતું. પરંતુ દિલ્હી પોલીસે તેની મંજૂરી આપી નહીં. કાયદો વ્યવસ્થા અને ભારે ટ્રાફિકનો હવાલો આપીને પોલીસે આ માર્ચને મંજૂરી ન આપી. દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યાં મુજબ મંજૂરી માંગવામાં આવી હતી જેને અમે ફગાવી દીધી. નવી દિલ્હી વિસ્તારમાં વધુ સંખ્યામાં ભીડની માર્ચને મંજૂરી આપી શકાય નહીં.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube