નવી દિલ્હી/ચંડીગઢ: પંજાબ સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ આજે શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા સુખબીર સિંહ બાદલના આરોપો પર આકરી પ્રતિક્રિયા આપી છે. સુખબીર સિંહ બાદલે સિદ્ધુને દેશના સૌથી મોટા ગદ્દાર ગણાવતા તેમણે તેમના કોલ ડિટેલની માગણી કરી હતી. નવજોત સિંહ સિદ્ધુએ આજે આ આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે સુખબીર સિંહ બાદલને ગમેતેમ બોલવાની આદત છે અને એમના વિચારો હલકા છે તેમાં મારો કોઈ વાંક નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા સુખબીર સિંહ બાદલે મંગળવારે પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુને દેશના સૌથી મોટા ગદ્દાર ગણાવતા તેમના કોલ ડિટેલ્સની તપાસ કરવાની માગણી કરી હતી. કારણ કે તેઓ સતત પાકિસ્તાનીઓના સંપર્કમાં છે. પૂર્વ ઉપમુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે સિદ્ધુ કરતારપુર સાહિબ કોરિડોર જેવા પવિત્ર મુદ્દાઓને કોઈ પણ પ્રકારની 'ગંભીરતા વગર' ઉઠાવીને ફક્ત ચર્ચામાં રહેવાનો રસ ધરાવે છે. 



અકાલી દળ નેતા સુખબીર સિંહ બાદલ


બાદલે દાવો કર્યો કે કરતારપુર કોરિડોરના મુદ્દે કથિત રીતે મધ્યસ્થતા કરવા માટે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે સિદ્ધુને ફટકાર લગાવી છે. બાદલે અહીં પત્રકારોને કહ્યું કે "સિદ્ધુ જ્યારે (પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે) પાકિસ્તાન ગયા હતાં તો તેમણે પાકિસ્તાન સેના પ્રમુખને ગળે લગાવ્યાં હતાં. તેમણે એ સેનાના પ્રમુખને ગળે લગાવ્યાં હતાં જેણે સરહદ પર આપણા સૈનિકોને મારવાના આદેશ આપ્યાં. સિદ્ધુથી મોટા ગદ્દાર  કોઈ હોઈ શકે નહીં."


તેમણે આરોપ લગાવ્યો હતો કે, મારું માનવું છે કે સિદ્ધુના આઈએસઆઈ સાથે સંબંધ છે. ગુપ્તચર એજન્સીઓએ તેમની કોલ ડિટેલ્સની તપાસ કરવી જોઈએ, કારણ કે તેઓ પાકિસ્તાનીઓના સતત સંપર્કમાં છે. આ બાજુ હરિયાણાના મંત્રી અનિલ વિજે કહ્યું હતું કે સિદ્ધુ પંજાબ સરકારમાં મંત્રી છે અને તેમણે વિદેશ નીતિ પર ટિપ્પણી કરતા બચવું જોઈએ. વિજે અહીં એક અલગ કાર્યક્રમમાં કહ્યું કે "તેઓ પંજાબ સરકારના મંત્રી છે, વિદેશ મંત્રી નથી. તેમણે વિદેશ નીતિ પર ટિપ્પણી કરતા બચવું જોઈએ". તેમણે કહ્યું કે દેશના નાગરિક હોવાના નાતે તેઓ પોતાના વિચાર રજુ કરી શકે છે પરંતુ વિદેશ નીતિમાં હસ્તક્ષેપ કરી શકે નહીં.


આરોપો પર પ્રતિક્રિયા આપતા સિદ્ધુએ કહ્યું હતું કે જો કોઈ મારા પર આરોપ લગાવવા માંગતા હોય કે અપશબ્દો કહેવા માંગતા હોય તો તેમણે તે કરી દેવા જોઈએ. અહીં અમે કરતારપુર સાહિબ કોરિડોર અંગે વાત કરી રહ્યાં છીએ. વિદેશ મંત્રી દ્વારા ફટકાર અંગે પૂછવા પર સિદ્ધુએ કહ્યું કે "મારો મિજાજ ન બગાડો. મારે  કશું કહેવું નથી. શાંતિ જ એકમાત્ર રસ્તો છે."