નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન સિલક્યારા સુરંગ દુર્ઘટનામાં 41 મજૂરોના શ્વાસ તાળવે ચોંટ્યા છે. સુરંગમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે દિવસ-રાત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. આ વચ્ચે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)એ પત્રકાર પરિષદ યોજી રેસ્ક્યૂ ઓપરેશન વિશે માહિતી આપી છે. NDMA એ શનિવારે કહ્યું કે ઉત્તરાખંડમાં સિલક્યારા સુરંગમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે ચલાવવામાં આવી રહેલા બચાવ અભિયાનમાં સમય લાગી શકે છે કારણ કે ઓગર મશીનમાં વારેવારે ખરાબી આવી રહી છે. NDMA ના સભ્ય લેફ્ટિનેન્ટ જનરસ સૈયદ અતા હસનૈન (સેવાનિવૃત્ત) એ કહ્યું- સારા સમાચાર છે કે તમામ 41 મજૂરો ઠીક છે. તેમની પાસે તમામ વસ્તુ પહોંચી રહી છે. મજૂરોના પરિવારજનો પણ આવી ગયા છે, મજૂરોએ તેમના પરિવારો સાથે વાત કરી છે. જ્યાં સુધી બચાવ અભિયાનનો સવાલ છે, કેટલીક સમસ્યાઓ છે, જેનો અમે સામનો કરી રહ્યાં છીએ. ઓગર મશીનમાં ખરાબી આવી છે અને તેનો કેટલોક ભાગ બહાર આવ્યો નથી. ભારતીય વાયુસેના દ્વારા એરલિફ્ટ કરવામાં આવતા ઓગર મશીનના ભાગને બહાર લાવવા માટે અદ્યતન મશીનરીની જરૂર છે. તે ટૂંક સમયમાં ટનલ સાઇટ પર પહોંચી જશે.


એનએચએઆઈના સભ્ય વિશાલ ચૌહાણે જણાવ્યું- અમે 47 મીટર સુધી પહોંચી ગયા છીએ. અમારે હજુ 12-15 મીટર સુધી જવાનું છે. અહીં 10, 12 કે 14 મીટર હોઈ શકે છે, હવે અમારે મેન્યુઅલી જવું પડશે. એવી ઘણી વસ્તુ છે જેના વિશે ભવિષ્યવાણી ન કરી શકાય પરંતુ અમારી પ્રથમ પ્રાથમિકતા શ્રમિકોને બચાવવાની છે. તો ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઉત્તરકાશીના સિલક્યારામાં ટનલ રેસ્ક્યૂ ઓપરેશની મુલાકાત લીધી. તેમણે અધિકારીઓ પાસે ટનલમાં ચાલી રહેતા રાહત તથા બચાવ કાર્યોના સંબંધમાં પણ જાણકારી લીધી. તેમણે ઓગર મશીનની સ્થિતિ વિશે માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીઓએ અધિકારીઓને નિર્દેશ આપતા કહ્યું કે પાઇપમાં ફસાયેલી ઓગર મશીનને જલ્દી હટાવવામાં આવે.


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube