પટનાઃ છેલ્લા ચાર દિવસના નાટકીય ઘટનાક્રમ બાદ બિહારમાં રાજકીય પરિવર્તન નક્કી છે. આરજેડી અને જેડીયુનું ગઠબંધન તૂટવાના આરે છે. નીતીશકુમાર ફરી ભાજપ સાથે મળીને સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યા છે. ફક્ત સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. ભાજપ, જેડીયુ અને આરજેડીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જેનું પરિણામ રવિવારે સામે આવી શકે છે. એવી ચર્ચા પ્રબળ બની છે કે નીતીશકુમાર રવિવારે જ નવમી વખત મુખ્યમંત્રી પદના શપથ લઈ લેશે...ત્યારે કેવો છે બિહારનો માહોલ, જોઈએ આ અહેવાલમાં... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહારમાં અત્યારે જે રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે, તે રાજકારણનું ખરૂં સ્વરૂપ છે. પરિણામ નક્કી છે, પણ કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. તમામ નેતાઓ સંકેતોમાં વાત કરી રહ્યા છે. ભાજપ, જેડીયુ અને આરજેડીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. પણ દરેક પક્ષ સ્પષ્ટ રીતે કંઈ કહેવા તૈયાર નથી. 


સૂત્રોનું માનીએ તો ભાજપ અને જેડીયુનું ગઠબંધન થઈ ચૂક્યું છે. હવે ચર્ચા મંત્રી મંડળ માટે થઈ રહી છે. નીતિશકુમારનું નવમી વખત મુખ્યમંત્રી બનવું પણ લગભગ નક્કી જ છે. 


કડકડતી ઠંડીમાં પણ રાજકીય માહોલથી ગરમાવો આવી ગયો છે. ભાજપના કાર્યાલયમાં યોજાયલી બેઠકમાં સ્થાનિક નેતાઓ, ધારાસ્યો અને સાંસદો પણ હાજર રહ્યા હતા. બેઠક પહેલાં અને બેઠક બાદ તમામનો દાવો એક જ હતો.


આ પણ વાંચોઃ મઝા લેવી ભારે પડી! હવા ખાવાના ચક્કરમાં આ ભાઈ એ એવી જગ્યાએ માથું નાંખ્યું કે...VIDEO


તો આ તરફ આરજેડીમાં પણ બેઠકોનો દોર યથાવત્ છે. નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના ઘરે યોજાયેલી બેઠકમાં લાલુ યાદવ પણ હાજર હતા. સૂત્રોનું માનીએ તો તેજસ્વી યાદવ નીતિશકુમારના અકળ વલણથી નારાજ છે...બેઠક બાદ પણ નેતાઓ કંઈ સ્પષ્ટ કહેવા તૈાયર નથી...હવે બાજી લાલુ પ્રસાદ યાદવના હાથમાં છે.


નીતીશકુમાર ભલે કંઈ કહેવા તૈયાર નથી. પણ તેમના પક્ષના નેતાઓ તેમના મનની વાત જાહેર કરી રહ્યા છે. જે અંતિમ પરિણામ પણ છે. નીતીશકુમારના NDA તરફ ઝુકાવથી વિપક્ષનું ગઠબંધન વધુ વિખરાયું છે, મમતા બેનર્જી, કેજરીવાલ બાદ નીતિશ પણ ગઠબંધનને ઝટકો આપવા તૈયાર છે, ત્યારે કોંગ્રેસ નીતીશને ભાજપની સાથે જતાં ચેતવી રહી છે..


બિહારના રાજકીય ઘટનાક્રમને જોતાં રવિવારનો દિવસ નિર્ણાયક સાબિત થશે. રવિવારે ફરી જેડીયુ અને ભાજપની બેઠક યોજાવાની છે. આ દરમિયાન રાજભવનમાં પણ હલચલ વધી ગઈ છે. રવિવારે જ નીતીશકુમાર રાજીનામું આપી શકે છે અને સાંજ સુધીમાં ભાજપના સમર્થનથી ફરી શપથ લઈ શકે છે. એટલે કે સ્ક્રિપ્ટ તૈયાર છે. બસ પર્ફોમન્સ બાકી છે.