ઢુંઢર રેપ કેસના પડઘા : ગુજરાતમાં પરપ્રાંતીય બિહારીઓ પર હુમલા અંગે નિતિશ કુમારે CM સાથે કરી વાત
સાબરકાંઠા જિલ્લાના ઢુંઢરમાં 14 મહિનાની બાળકી પર બળાત્કારની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં રહેતા પરપ્રાંતીય યૂપી અને બિહારના લોકો પર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. આ સંજોગોમાં બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે ગુજરાતના સીએમ વિજય રૂપાણી સાથે વાત કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.
પટના : ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઢુંઢરમાં 14 મહિનાની બાળકી પર યૂપીના શખ્સ દ્વારા બળાત્કાર કરવાની જધન્ય ઘટનાના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વિવિધ વિસ્તારમાં વસતા યૂપી બિહારના પરપ્રાંતીય લોકોને નિશાન બનાવાઇ રહ્યા છે. આ મામલે બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે ગંભીરતાથી લેવા માટે ગુજરાતના સીએમ વિજય રૂપાણી સાથે વાત કરી હતી અને યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. રાજ્યમાં વણસી રહેલી પરિસ્થિતિને જોતાં પોલીસની દોડધામ વધી છે અને અન્ય કોઇ અનિચ્છનિય બનાવ ન બને એ માટે તકેદારી રાખવામાં આવી રહી છે.
અહીં નોંધનિય છે કે, ઢુંઢરની આ ઘટનાને પગલે રાજ્યમાં પરપ્રાંતીય લોકોને નિશાન બનાવાઇ રહ્યા છે. હુમલાની ઘટનાઓ મામલે વિવિધ 50 જેટલા ગુનો નોંધવામાં આવ્યા છે અને 342 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. જોકે બીજી તરફ માહોલ ખરાબ થતાં અંદાજે 20 હજારથી વધુ પરપ્રાંતીય શ્રમિકોએ ગુજરાતમાંથી હિજરત કરી હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ દ્વારા પણ રાજ્યમાં વિવિધ સ્થળોએ સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
આ પણ વાંચો : ધમકી આપતો વીડિયો થયો વાયરલ, જુઓ
રાજ્યના છ જિલ્લાઓ આ ઘટનાથી પ્રભાવિત છે જેમાં મહેસાણા અને સાબરકાંઠા જિલ્લો સૌથી વધુ પ્રભાવિત છે. જ્યાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. પરપ્રાંતીય વસાહતો અને કારખાના પર પોલીસ પહેરો ગોઠવી દેવાયો છે. સંવેદનશીલ વિસ્તારમાં એસઆરપી સહિત પોલીસની વિવિધ ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે.