મુંબઈ/નવી દિલ્હીઃ ફિલ્મનિર્માતાઓ, કલાકારો, સમાજસેવકો સહિતના 49 જેટલા બુદ્ધિજીવીઓએ ભેગા મળીને ગઈકાલે 23 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધિત એક ઓપન લેટર લખ્યો હતો. જેમાં તેમણે દેશમાં 'રામ'ના નામ પર થઈ રહેલી હિંસાની ઘટનાઓ રોકવા માટે કડક પગલા લેવા પીએમ મોદીને વિનંતી કરી હતી. તેમના આ પત્રના જવાબમાં સરકારે જણાવ્યું છે કે, દેશની ધર્મનિરપેક્ષ અને સહનશીલ છબીમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થયો નથી. આ સાથે જ સરકારે આજે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું છે કે, વર્ષ 2014 પછી દેશમાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓમાં ઘટાડો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્યામ બેનેગલ, અનુરાગ કશ્યપ, બિનાયક સેન, સૌમિત્ર ચેટરજી, કોંકણા સેન શર્મા, શુભા મુદગલ, અનુપમ રોય સહિતની અનેક જાણીતી અને બુદ્ધિજીવી વર્ગની હસ્તીઓએ સંયુક્ત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ઓપન પત્ર લખ્યો હતો. આ પત્રમાં લખ્યું છે કે, "દેશમાં સતત વધી રહી મોબ લિંચિંગની ઘટનાઓના કારણે લોકોમાં ગુસ્સો અને આક્રોશ છે. રામના નામ પર વધી રહેલા અપરાધના કારણે દેશમાં એક વર્ગ ભયભીત છે. વર્ષ 2009થી ઓક્ટોબર 2018 સુધી દેશમાં ધર્મના નામે નફરત ફેલાવતી લગભગ 254 ઘટનાઓ ઘટી છે. વર્ષ 2016માં દલિતો પર અત્યાચારની 840 ઘટનાઓ નોંધાઈ છે."


દેશની જાણીતી હસ્તીઓએ નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરોના આધિકારિક આંકડાઓનો હવાલો આપીને ઓપન લેટરમાં લખ્યું હતું કે, "માત્ર સંસદમાં મોબ લિંચિગની નિંદાથી કામ નહીં ચાલે. તેની સામે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તે પણ જણઆવો. અમારું માનવું છે કે, આવી કોઈ પણ હિંસક ઘટનામાં જામી ન મળવા જોઈએ અને આવા લોકોને કડકમાં કડક સજાની જોગવાઈ હોવી જોઈએ. આવી હત્યા કરનારાને પેરોલ વગર જન્મટીપની સજા ફટકારવી જોઈએ."


2014 પછી દેશમાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓમાં આવ્યો ઘટાડોઃ ગૃહ મંત્રાલય 


સરકારે આપ્યો જવાબ 
સરકારે આ ઓપન લેટરના જવાબમાં જણાવ્યું કે, "દેશની ધર્મનિરપેક્ષ અને સહનશીલ છબીમાં ઘટાડો થયો હોય એવો કોઈ વાસ્તવિક આધાર કે ઘટના જોવા મળી નથી." ગૃહમંત્રાલયે જણાવ્યું કે, પીએમ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર બંધારણિય મૂલ્યો જાળવી રાખવા અને દેશમાં કાયદાનું શાસન ટકાવી રાખવા માટે કટિબદ્ધ છે. 


સરકારે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બન્યા પછી દેશમાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓમાં મોટો ઘટાડો નોંધાયો છે. 2013માં યુપીએના શાસનકાળ દરમિયાન દેશમાં સાંપ્રદાયિક હિંસાની 823 ઘટનાઓ ઘટી હતી, જ્યારે 2014 પછી આ ઘટનાઓમાં ઝડપી ઘટાડો નોંધાયો છે. રાજ્યસભામાં ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું કે, વર્ષ 2013માં સાંપ્રદાયિક હિંસાની 823 ઘટનાઓ નોંધાઈ હતી, જ્યારે 2018માં તે ઘટીને 708 થઈ છે."


જૂઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...