અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા જ શિવસેનાએ આપ્યો ભાજપને મોટો ઝટકો
ટીડીપી દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર લોકસભામાં હાલ ચર્ચા શરૂ થઈ ગઈ છે.
નવી દિલ્હી: ટીડીપી દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર લોકસભામાં હાલ ચર્ચા શરૂ થઈ ગઈ છે. પરંતુ ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ આ મુદ્દે સાથી પક્ષ ભાજપને મોટો આંચકો આપી દીધો છે. શિવસેનાએ અવિશ્વાસના પ્રસ્તાવ પર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધુ છે. પાર્ટીના સાંસદો અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા થયા બાદ થનારા મતદાનમાં ભાગ લેશે નહીં. એક રીતે આમ કરીને તેમણે કેન્દ્રની એનડીએ સરકારને મોટો ઝટકો આપ્યો છે.
પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે શિવસેનાના સાંસદો સંસદમાં કેન્દ્ર સરકારને પડખે ઊભી રહેશે. તે મતદાનમાં ભાગ લેશે. કારણ કે ગુરુવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સમર્થન માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો હતો.
અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા શિવસેના સંસદીય દળની બેઠક થઈ. બેઠક બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે તેમની પાર્ટીએ નિર્ણય લીધો છે કે તેઓ મતદાનમાં ભાગ લેશે નહીં.