Driving License માટે ટેસ્ટની ઝંઝટ ખતમ!, આ એક જ સર્ટિફિકેટથી બની જશે DL, બદલાયા નિયમો
હવે તમારે ડ્રાઈવિંગ લાયસન્સ (Driving License) બનાવડાવવા માટે આરટીઓ જઈને ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની જરૂર નહીં પડે. રોડ અને પરિવહન મંત્રાલયે ડ્રાઈવિંગ લાયસન્સ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે.
નવી દિલ્હી: Driving License New Rules 2021: હવે તમારે ડ્રાઈવિંગ લાયસન્સ (Driving License) બનાવડાવવા માટે આરટીઓ જઈને ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની જરૂર નહીં પડે. રોડ અને પરિવહન મંત્રાલયે ડ્રાઈવિંગ લાયસન્સ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. જેનાથી કરોડો લોકો જે ડ્રાઈવિંગ લાયસન્સ બનાવડાવવાની કોશિશમાં છે પરંતુ વેઈટિંગ લાંબુ હોવાના કારણે ખુબ સમય લાગી રહ્યો છે, તેમણે હવે વધુ રાહ જોવી પડશે નહી કે આરટીઓના ચક્કર પણ કાપવા નહીં પડે.
DL માટે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી
ડ્રાઈવિંગ લાયસન્સ માટે નિયમોમાં કરાયેલા સંશોધન મુજબ હવે તમારે કોઈ પણ પ્રકારના કોઈ ડ્રાઈવિંગ ટેસ્ટ RTO જઈને આપવાની જરૂર નથી. રોડ અને પરિવહન મંત્રાલયે આ નિયમોને નોટિફાય કરી દીધા છે. અને આ નવા નિયમો આ મહિનાથી જ લાગૂ થઈ ચૂક્યા છે. આ નવા ફેરફારથી કરોડો લોકો જે પોતાના ડ્રાઈવિંગ લાઈસન્સ માટે RTO ના વેઈટિંગ લિસ્ટમાં છે, તેમને મોટી રાહત મળશે.
ડ્રાઈવિંગ સ્કૂલ જઈને ટ્રેનિંગ લેવી પડશે
મંત્રાલય તરફથી એવા અરજદારોને સૂચિત કરવામાં આવ્યા છે જે લોકો ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે આરટીઓમાં પોતાના ટેસ્ટની રાહ જોઈ રહ્યા છે. હવે તેઓ ડ્રાઈવિંગ લાયસન્સ માટે કોઈ પણ માન્યતા પ્રાપ્ત ડ્રાઈવિંગ ટ્રેનિંગ સ્કૂલમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. તેમણે ડ્રાઈવિંગ ટ્રેનિંગ સ્કૂલમાંથી ટ્રેનિંગ લેવી પડશે અને ત્યાં જ ટેસ્ટ પાસ કરવો પડશે. શાળા તરફથી અરજદારને એક સર્ટિફિકેટ આપવામાં આવશે. આ સર્ટિફિકેટના આધારે અરજદારનું ડ્રાઈવિંગ લાયસન્સ બની જશે.
1 જુલાઈથી ડ્રાઈવિંગ લાયસન્સના નવા નિયમો
ડ્રાઈવિંગ લાયસન્સના નવા નિયમો એક જુલાઈથી લાગુ થયા છે. જે રાજ્ય ટ્રાન્સપોર્ટ ઓથોરિટી કે પછી કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી હોય તેવા ખાનગી ડ્રાઈવિંગ સેન્ટર્સને જ કામ કરવાની મંજૂરી આપશે. આ ટ્રેનિંગ સેન્ટર્સની માન્યતા 5 વર્ષ માટે રહેશે. ત્યારબાદ તેમણે સરકાર પાસેથી ફરીથી રિન્યુઅલ કરાવવું પડશે. સરકારના આ પગલાથી ખાનગી પ્રાઈવેટ ટ્રેનિંગ સ્કૂલની એક અલગ ઈન્ડસ્ટ્રી ઊભી થઈ શકે છે.
શું કહે છે નિયમો...
ટ્રેનિંગ સેન્ટર્સને લઈને રોડ અને પરિવહન મંત્રાલય તરફથી કેટલીક માર્ગદર્શિકા અને શરતો પણ છે. જેમાં ટ્રેનિંગ સેન્ટર્સના ક્ષેત્રફળથી લઈને ટ્રેનરનું શિક્ષણ સુદ્ધા સામેલ છે. આવો તેને સમજીએ...
1. અધિકૃત એજન્સી એ સુનિશ્ચિત કરશે કે દ્વિચક્કી, ત્રણ પૈડાવાળા અને હળવા મોટર વાહનોના ટ્રેનિંગ સેન્ટર્સ પાસે ઓછામાં ઓછી એક એકર જમીન હોય, મધ્યમ અને ભારે પેસેન્જર માલ વાહનો કે ટ્રેલરો માટે સેન્ટર્સ પાસે બે એકર જમીનની જરૂર પડશે.
2 ટ્રેનર ઓછામાં ઓછું 12મું ધોરણ પાસ હોય અને ઓછામાં ઓછો પાંચ વર્ષનો ડ્રાઈવિંગનો અનુભવ હોવો જરૂરી છે. તેને ટ્રાફિકના નિયમોની સારી રીતે જાણકારી હોવી જોઈએ.
3. મંત્રાલયે એક શિક્ષણ પાઠ્યક્રમ પણ નિર્ધારિત કર્યો છે. હળવા મોટર વાહન ચલાવવા માટે, પાઠ્યક્રમની સમય મર્યાદા વધુમાં વધુ 4 અઠવાડિયાની હશે જે 29 કલાક સુધી ચાલશે. આ ડ્રાઈવિંગ સેન્ટર્સના પાઠ્યક્રમને 2 ભાગમાં વહેંચવામાં આવશે. થિયરી અને પ્રેક્ટિકલ.
4. લોકોને આંતરિયાળ રસ્તાઓ, ગ્રામીણ રસ્તાઓ, રાજમાર્ગો, શહેરના રસ્તાઓ, રિવર્સિંગ, અને પાર્કિંગ, ચઢાણ તથા ડાઉનહિલ ડ્રાઈવિંગ વગેરે પર ગાડી ચલાવવા શીખવા માટે 21 કલાક ખર્ચ કરવા પડશે. થિયરીમાં સમગ્ર પાઠ્યક્રમના 8 કલાક રહેશે. જેમા રોડ શિષ્ટાચારને સમજવું, રોડ રેજ, ટ્રાફિક શિક્ષણ, દુર્ઘટનાઓના કારણોને સમજવા, પ્રાથમિક ચિકિત્સા અને ડ્રાઈવિંગ ઈંધણ દક્ષતાને સમજવું સામેલ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube