પ.બંગાળમાં અત્યારે રાષ્ટ્રપતિ શાસન નહીં લાગે, રાજ્ય ભાજપે કેન્દ્રને કરી હતી ભલામણ
હવે મમતાના ધરણા અંગે પણ અનેક પ્રકારના આરોપ-પ્રત્યારોપોનો દોર ચાલુ થઈ ગયો છે, તક મળતાં ભાજપે હવે મમતા બેનરજીને ઘેરવાનું શરૂ કરી દીધું છે
કોલકાતાઃ સીબીઆઈ વિરુદ્ધ કોલકાતા પોલીસના ઘટનાક્રમમાં હજુ કોઈ નિર્ણય લેવાનો પશ્ચિમ બંગાળ ભાજપે નક્કી કર્યું નથી. રાજ્ય ભાજપાનું માનવું છે કે, રાષ્ટ્રપતિ શાસન માટે અત્યારે ઉતાવળ કરવાની જરૂર નથી. રવિવારે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની પુછપરછ કરવા ગયેલા સીબીઆઈના અધિકારીઓ સાથે ધક્કા-મુક્કીનો આરોપ લાગ્યો હતો. એવું કહેવાય છે કે, પોલીસે સીબીઆઈના અધિકારીઓને અટકમાં પણ લઈ લીધા હતા.
નિષ્ણાતોનું માનવું છે કે, આ કેસ હાઈક્રોટમાં ચાલી રહ્યો છે ત્યારે કોલકાતા તેમાં કેવી રીતે વિઘ્ન નાખી શકે છે? બીજી તરફ આ ઘટના અંગે પશ્ચિમ બંગાળ સરકાર સામે કેન્દ્રીય નેતાઓ પણ હવે મેદાનમાં ઉતરી ચૂક્યા છે.
હવે મમતા બેનરજીના ધરણા અંગે અનેક પ્રકારના આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ થઈ ગયો છે. તક મળતાં જ ભાજપે હવે મમતા બેનરજીને ઘેરવાનું શરૂ કરી દીધું છે.
બંગાળમાં સંગ્રામ: BJPના દિગ્ગજ નેતાઓ યોગી, ચૌહાણ, શાહનવાઝની રેલીઓને ન મળી મંજૂરી
પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે પણ રાષ્ટ્રપતિ શાસન લગાવવાના સંકેત આપ્યા હતા, પરંતુ હવે 24 કલાકમાં જ તેમણે પોતાના આ ઈરાદાને ટાળી દીધો છે. તેમણે જણાવ્યું કે, અત્યારે ધારા 356 લગાવાશે નહીં. આ અંગે કેન્દ્રીય નેતૃત્વને પણ જાણ કરી દેવાઈ છે.
CM યોગી પાસે યુપીમાં ઊભા રહેવાની જમીન નથી, એટલે બંગાળના ચક્કર કાપે છે: મમતાનો કટાક્ષ
કોલકાતા પહોંચેલા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર સાથેની વાતચીતમાં પ્રદેશ ભાજપના નેતાઓએ જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં જો અત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવસે તો મમતા બેનરજીનો પક્ષ વધુ મજબૂત થઈ શકે છે. કેમ કે, તેઓ આ ઘટનાક્રમનો સંપૂર્ણ ફાયદો લેવાનો પ્રયાસ કરશે. ભાજપ તેમને એક પણ તક આપવા માગતો નથી.
આ બાજુ કેન્દ્ર સરકાર મમતા બેનરજીને તેમની જ ચાલમાં ફસાવવા માગી રહી છે તો બીજી તરફ વિરોધ પક્ષના નેતાઓ તેમને સતત સમર્થન આપી રહ્યા છે. તેઓ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલના સતત સંપર્કમાં છે તો તેજસ્વિની યાદવ અને કનિમોઝી તો તેમને મળવા કોલકાતા પણ પહોંચી ગયા છે.