નોઈડા સેક્ટર 63 પોલીસે બહલોલપુર ગામના ઓયો હોટલમાં ચાલી રહેલા દેહ વેપારનો ખુલાસો કરતા સાત લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓના ચુંગલથી ચાર સગીરા સહિત સાત મહિલાઓનો છૂટકારો  કરાવ્યો છે. આરોપી બિહારથી સગીરાઓને બીજા બહાને લાવી જબરદસ્તથી દેહ વેપારમાં ધકેલતો હતો. આ મામલે ત્રણ લોકો ફરાર છે. પોલીસ તેમની શોધમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટ મુજબ એસીપી દીક્ષા સિંહે જણાવ્યું છે કે પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમને બુધવારે એવી સૂચના મળી હતી કે બહલોલપુર ગામ સ્થિત ઓયો હોટલ શીતલમાં દેહ વેપાર ચાલે છે. આ હોટલને ફરમાન અને તેનો ભાઈ ફૈયાઝ ચલાવતા હતા. આ લોકો બિહારથી સગીર યુવતીઓને નોકરી અપાવવાના બહાને દિલ્હી એનસીઆરમાં લાવતા હતા અને તેમની પાસે જબરદસ્તીથી દેહવેપાર કરાવતા હતા. સૂચનાના આધારે હોટલમાં દરોડા પાડવામાં આવ્યા. ત્યાંથી પોલીસે અઝહરૂદ્દીન ઉર્ફે અજ્જુ, અખ્તર મોહમ્મદ, સુમિતકુમાર, ધર્મેન્દ્ર કુમાર, મોહમ્મદ ફૈયાઝ, ફરમાન અને મરગૂમ આલમની ધરપકડ કરી છે. હોટલના મકાનના માલિક સુરેન્દ્ર યાદવ, હોટલ સંચાલકોને છોકરીઓ સપ્લાય કરનારી રૂખસાના અને રહેમાન ઉર્ફે બલ્લુ ભાઈ ફરાર છે. પોલીસ તેમની શોધમાં છે. 


પોલીસ સ્ટેશન ઈનચાર્જે જણાવ્યું કે હોટલનું બિલ્ડિંગ સુરેન્દ્ર યાદવનું છે જેને આરોપીઓ ભાડે લઈને દેહ વેપાર ચલાવતા હતા. હોટલથી ચાર સગીરા મળી આવી છે જેમની ઉંમર 16 થી 17 વર્ષની છે. આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ ગ્રાહકો પાસેથી એકથી લઈને બે હજાર રૂપિયા સુધીની રકમ વસૂલતા હતા. કિશોરીઓ અને મહિલાઓ વિરોધ કરે તો તેમને ડરાવવામાં આવતા હતા. પોલીસને હોટલમાંથી એક ડાયરી પણ મળી છે જેમાં તેમના ગ્રાહકોની યાદી છે. 


પોલીસને ઘટનાસ્થળેથી 11 મોબાઈલ ફોન, 12110 રૂપિયા અને આપત્તિજનક વસ્તુઓ મળી આવી છે. પોલીસ આરોપીઓના મોબાઈલ ફોનના આધારે એ પણ ભાળ મેળવવાની કોશિશ કરી રહી છે કે આ ગેંગમાં વધુ કેટલા લોકો સામેલ છે. તપાસ દરમિયાન પોલીસને અનેક જાણીતા લોકો વિશે પણ જાણકારી મળી છે. જે અહીં આવતા હતા. પોલીસે જણાવ્યુંકે આરોપીઓને ગુરુવારે જિલ્લા કોર્ટમાં રજૂ કરાયા જ્યાંથી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા. 


ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યાં મુજબ દિલ્હી એનસીઆરમાં માનવ તસ્કરી કરનારી 50થી વધુ ગેંગ સક્રિય છે. જે ગામડાઓમાં રહેતી બાળકીઓને મોટા મોટા સપના દેખાડીને તેમને દેહ વેપારમાં ધકેલે છે. પોલીસની ટીમ આ ગેંગ પર નજર રાખે છે અને કાર્યવાહી કરે છે. 


નોકરીનો વાયદો કરી દેહ વેપારમાં ધકેલે
બહલોલપુર ગામ સ્થિત હોટલથી દેહ વેપારના કામમાંથી છોડાવવામાં આવેલી સગીરાઓ અને મહિલાઓને નોકરી અપાવવાના બહાને દિલ્હી બોલાવવામાં આવી હતી. આરોપીઓએ તેમને નોકરી તો ન અપાવી પરંતુ દેહ વેપારમાં ધકેલી દીધી. આરોપીઓએ સોશિયલ મીડિયા દ્વારા પીડિતોનો સંપર્ક કર્યો હતો. પોલીસના જણાવ્યાં અનુસાર બિહારના કટિહાર, પૂર્ણિયા, મધુબની, અને પશ્ચિમ બંગાળની ચાર છોકરીઓએ પૂછપરછમાં જણાવ્યું કે તેઓ નોકરીની શોધમાં હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા દ્વારા રૂખસાનાના સંપર્કમાં આવ્યા હતા. રૂખસાનાએ તેમને દિલ્હી અને નોઈડાની કંપનીઓમાં નોકરી અપાવવાની વાત કરી હતી. તેમણે તેમના પરિજનોને પણ નોકરી અપાવવાની ખાતરી અપાવી હતી. રૂખસાના મૂળ કટિહારની છે. તેણે સગીરાઓને ફરમાન, ફૈયાઝ અને રહેમાન સાથે સંપર્ક કરાવ્યો. 


માત્ર આટલી રકમમાં થતો દેહનો સોદો
ત્યારબાદ આરોપીઓ કિશોરીઓને લઈને દિલ્હી આવ્યા અને તેમની પાસેથી જબરદસ્તીથી દેહવેપાર કરાવવા લાગ્યા. તેમણે વિરોધ કર્યો તો મારપીટ કરવામાં આવી. સગીરાઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે ગેંગમાં સામેલ આરોપી સગીરાઓ પાસે જબરદસ્તીથી દેહવેપાર કરાવતા હતા. તેઓ ગ્રાહક પાસેથી એક હજારથી લઈને 2000 રૂપિયા સુધી લેતા અને કિશોરીઓને માત્ર 300 રૂપિયા આપતા. જ્યારે કોઈ કિશોરી તેનો વિરોધ કરતી તો આરોપીઓ તેમની મારપીટ કરતા. કિશોરીઓને સીડબલ્યુસીએ પોતાની સુરક્ષામાં લીધી છે. પોલીસની ટીમ છોડાવવામાં આવેલી કિશોરીઓના પરિજનોના સંપર્કમાં લાગી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓના ફોનની ડિટેલના આધારે તેમના સાથીઓ વિશે માહિતી ભેગી કરાઈ રહી છે. તેમના ઉપર પણ કાર્યવાહી થશે. 


ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યાં મુજબ તસ્કરોએ બિહાર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઓડિશા, ઝારખંડ, અને નેપાળમાં જાળ ફેલાવેલી છે. આ રાજ્યોમાં તસ્કરોએ પાંચથી છ ગામોમાં એજન્ટો રાખેલા છે. જે ગરીબ પરિજનોને તેમના બાળકો અને બાળકીઓને દિલ્હીમાં સારી નોકરી અપાવવાની લાલસા આપે છે. જે આ જાળમાં ફસાય તેમને દિલ્હી લઈ જવાય છે. ત્યાં તેમની નોકરી પ્લેસમેન્ટ એજન્સી, પબ, હોટલ કે બારમાં લગાવવામાં આવે છે જ્યારે કિશોરી કે યુવતીને દેહ વેપાર  સાથે સંકળાયેલા લોકોને વેચી દેવાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube