કડકડતી ઠંડીમાં ઠુઠવાતું ઉત્તર ભારત, દિલ્લીનું લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સુધી પહોંચ્યું
સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીની પકડમાં છે. કાશ્મીરથી લઈને મધ્ય પ્રદેશ અને સમગ્ર ઉત્તર પૂર્વ ભારતમાં કોલ્ડવેવ ફરી વળ્યું છે.
નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર હજુ અટક્યો નથી. કોલ્ડ વેવ ફરી વળતાં પહાડોથી લઈને મેદાની ભાગોના હાલ બેહાલ છે. હાડ થિજાવતી ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે લોકો કામ વિના ઘરેથી બહાર નીકળતાં પહેલા વિચાર કરે છે. જમ્મુ કાશ્મીર તો ડીપ ફ્રીઝમાં ફેરવાઈ ગયું છે. શ્રીનગરનું ડલ તળાવ જામી ગયું છે. ઉત્તરની શીત લહેરનો અનુભવ હવે ગુજરાતમાં પણ થઈ રહ્યો છે....ત્યારે કેવી છે શીત લહેરની સ્થિતિ, જોઈએ આ અહેવાલમાં...
ઉત્તરના મેદાની ભાગોમાં તો સવારે મોડે સુધી સૂર્ય નજરે નથી પડતો. ગાઢ ધુમ્મસને કારણે અમુક ફૂટ દૂર સુધી જોવું પણ મુશ્કેલ બની જાય છે. કામ વિના લોકો સવારના સમયે ઘરેથી બહાર નીકળવાનું પણ ટાળે છે..જે લોકોએ કામ માટે બહાર નીકળવું પડ તેમ છે, તેમણે તાપણાનો સહારો લેવો પડે છે, ફક્ત ગરમ કપડાં ઠંડી સામ રાહત નથી આપી શકતાં.
યુપીના કાનપુરમાં તો ઠંડીના પ્રકોપ વચ્ચે માવઠાંએ લોકોની મુશ્કેલી વધારી છે. લોકો માટે વરસાદની સાથે આફત વરસી રહી છે. જ્યાં ત્યાં લોકો તાપણા કરતા નજરે પડે છે. પંજાબ, હરિયાણા, દિલ્લી, યુપી અને રાજસ્થાનમાં ધુમ્મસનું પ્રમાણ સૌથી વધુ છે. સવારથી લઈને સાંજ સુધી રહેતા ધુમ્મને કારણે રાહદારીઓ અને વાહનચાલકોએ સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી પહેલાં રાજકીય તફાવત ઊભો કરવામાં સક્ષમ સાબિત થશે?
ઠંડીનું ટોર્ચર નજીકના સમયમાં ઉત્તર ભારતને રાહત નહીં આપે. કેમ કે દિલ્લીનું લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. યુપીના બરેલીમાં ધુમ્મસને કારણે દ્રશ્યતા સૌથી ઓછી 25 મીટર નોંધાઈ છે. નોઈડામાં ધોરણ 8 સુધીની શાળાઓમાં 6 જાન્યુઆરી સુધી રજા જાહેર કરી દેવાઈ છે. દિલ્લીમાં 26 ટ્રેનો મોડી ચાલી રહી છે.
મેદાની ભાગોમાં જ્યાં તાપમાન શૂન્ય ડિગ્રીથી વધુ દૂર નથી, ત્યાં જમ્મુ કાશ્મીરમાં તાપમાન હજુ પણ શૂન્યથી નીચે છે. શ્રીનગરમાં માઈનસ ચાર ડિગ્રી તાપમાન વચ્ચે ડલ તળાવનું પાણી જામવાની શરૂઆત થઈ ગઈ છે. તળાવ પર શિકારા ચલાવવા માટે સ્થાનિકોએ પતવારથી બરફ તોડવાની ફરજ પડે છે...લોકોએ બેથી ત્રણ સ્વેટર પહેરવાની ફરજ પડે છે..આ ઠંડીમાં પણ પ્રવાસીઓ શ્રીનગરની સુંદરતાને માણી રહ્યા છે..
ઉત્તર ભારતમાં કોલ્ડ વેવથી ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનોને કારણે મંગળવારે રાતથી ઠંડીનો ચમકારો વધ્યો છે. 8.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. આગાહીકાર અંબાલાલનું માનીએ તો ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડી હજુ વધશે, પણ કોલ્ડવેવની શક્યતા નહીંવત છે
આ પણ વાંચોઃ તમે સાંભળ્યું કે નહીં! PM મોદીએ શેર કર્યું સ્વાતિ મિશ્રાનું ફ્રેમસ ગીત, જાણો કોણ છે?
ગુજરાતમાં ઠંડીનો ચમકારો સારી વાત છે, કેમ કે અત્યાર સુધી ઠંડી હાથતાળી આપતી આવી છે. ત્યારે હવે જોવું એ રહેશે કે ઉત્તરાયણ સુધી તાપમાન કેવું રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube