જયપુર/ભોપાલ/રાયપુર: વિધાનસભા ચૂંટણીઓમાં મળેલી જીત બાદ હવે કોંગ્રેસ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં નવી સરકારનું ગઠન કરશે. ત્રણેય રાજ્યોમાં આજે મુખ્યમંત્રી પદ અને ગોપનીયતાના શપથ લેશે. નક્કી કાર્યક્રમ મુજબ અશોક ગહલોત સૌથી પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ત્યારબાદ કમલનાથ મધ્ય પ્રદેશના અને સાંજે ભૂપેશ બઘેલ છત્તીસગઢના મુખ્યમંત્રી પદે શપથ લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સચિન પાયલટ બનશે ડેપ્યુટી સીએમ
જયપુરના ઐતિહાસિક અલ્બર્ટ હોલમાં આજે સવારે 10 વાગે શપથગ્રહણ સમારોહનું આયોજન કરાશે. કહેવાય છે કે આજે ફક્ત અશોક ગહલોત અને સચિન પાયલટ જ શપથ લેશે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની સાથે સાથે રાજકારણના ધૂરંધર રાજનેતાઓ પણ હાજર રહેશે. કોંગ્રેસ તરફથી શપથગ્રહણ સમારોહમાં અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ અને મલ્લિકાર્જૂન ખડગે સામેલ થશે. કર્ણાટકમાં પણ જ્યારે કોંગ્રેસ અને જેડીએસની સરકાર બની હતી ત્યારે શપથગ્રહણ માટે બેંગ્લુરુમાં કોંગ્રેસે આવું જ એક આયોજન કર્યું હતું. ત્યારે દેશભરમાંથી વિપક્ષના નેતાઓ ત્યાં ભેગા થયા હતાં. આ વખતે પણ પૂર્વ પીએમ એચડી દેવગૌડા, કેન્દ્રીય મંત્રી શરદ યાદવ, જમ્મુ અને કાશ્મીરના પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લા કાર્યક્રમમાં હાજર રહેશે. 


ગહલોતના શપથગ્રહણમાં સામેલ થશે આપ નેતા
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સંબંધોમાં નરમાશના સંકેત આપતા વરિષ્ઠ નેતા સંજય સિંહ રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે અશોક ગહલોતના શપથગ્રહણ સમારોહમાં સામેલ થશે. સિંહે પુષ્ટિ કરી કે કોંગ્રેસે પાર્ટીને ગહલોતના શપથગ્રહણમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે. 


તેમણે મીડિયાને જણાવ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અને પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલ માટે આમંત્રણ આવ્યું છે. તેમના તરફથી સમારોહમાં હું સામેલ થવા જઈશ. આમ આદમી પાર્ટી દિલ્હીમાં કોંગ્રેસ પર સતત નિશાન સાધ્યા કરે છે. દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અજય માકન વિભિન્ન મુદ્દાઓ પર નિયમિત રીતે  કેજરીવાલ પર નિશાન સાધે છે. કહેવાય છે કે બંને વિરોધી પક્ષો દિલ્હીમાં સાત લોકસભા સીટો માટે ચૂંટણી દરમિયાન ગઠબંધનની સંભાવના શોધી રહ્યાં છે. 


કમલનાથ લેશે મુખ્યમંત્રી પદના શપથ, રાહુલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ રહેશે હાજર
કમલનાથ મધ્ય પ્રદેશના 18માં મુખ્યમંત્રી તરીકે આજે શપથ લેશે. તેઓ એકલા જ શપથ લેશે. પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. ભોપાલના જમ્બુરી મેદાનમાં 17 ડિસેમ્બરે દોઢ વાગે થનારા શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત યુપીએના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહે તેવી શક્યતા છે. સમારોહમાં પહેલા સર્વધર્મ પ્રાર્થના થશે. 


મધ્ય પ્રદેશ કોંગ્રેસ મીડિયા સેલ પ્રભારી શોભા ઓઝાએ 'ભાષા'ને જણાવ્યું કે કલમનાથજી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં સોમવારે દોઢ વાગે જંબુરી મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથ લીધા બાદ કમલનાથ ત્યાં હાજર લોકોને સંબોધન પણ કરશે. શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે અનેક નેતાઓ ત્યાં સામેલ થાય તેવી શક્યતા છે. યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુ, બસપા પ્રમુખ માયાવતી અને સપા પ્રમુખ અખિલેશ યાદવને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. 


આ સાથે જ કોંગ્રેસ સાશિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સહિત અનેક પ્રમુખ નેતાઓ, દેશના પ્રમુખ ઉદ્યોગપતિઓ અને સાધુ સંતોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જો કે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. 


છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ લેશે શપથ
અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના છત્તીસગઢના પર્યવેક્ષક મલ્લિકાર્જૂન ખડગેએ અહીં પત્રકારોને જણાવ્યું કે પાટણ વિસ્તારથી વિધાયક અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ભૂપેશ બઘેલને વિધાયક દળે પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે. બઘેલ રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. તેમણે જણાવ્યું કે સોમવારે સાંજે 4 વાગ્યે નવા મુખ્યમંત્રી પદ અને ગોપનીયતાના શપથ લેશે. તેમની સાથે કોઈ મંત્રી શપથ લેશે નહીં. 


ખડગેએ કહ્યું કે રાજ્યમાં 15 વર્ષ બાદ સત્તામાં આવવાના કારણે અમારી સમક્ષ અનેક પડકારો છે. અમે ચૂંટણીમાં આપેલા વચનો પૂરા કરીશું. અમને આશા છે કે બઘેલ પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવશે. આ બધા વચ્ચે પાર્ટીએ પોતાના અધિકૃત ટ્વિટ એકાઉન્ટથી કહ્યું કે રાજ્યમાં નવી કોંગ્રેસ સરકાર સમાનતા, પારદર્શકતા, અને એકજૂથતા સાથે કામ કરશે. તેમનું પહેલું કામ ખેડૂતોના દેવા માફીનું રહેશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...