ભાજપ વિરોધી પ્લેટફોર્મ પર ચર્ચા માટે 22 નવેમ્બરે મળશે વિપક્ષી પાર્ટીઓઃ નાયડૂ
ભાજપ વિરોધી દળોનું કોમન પ્લેટફોર્મ તૈયાર કરવા અને આગળના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા માટે દિલ્ગીમાં 22 નવેમ્બરે બેઠક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અમરાવતીઃ ભાજપ વિરોધી પક્ષોએ કોમન પ્લેટફોર્મ તૈયાર કરવા અને આગળના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા માટે દિલ્હીમાં 22 નવેમ્બરે બેઠક કરવાનો નિર્ણય કર્યો છે. આ જાણકારી ટીડીપી નેતા અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધા ચંદ્રબાબૂ નાયડૂએ આપી છે. કોંગ્રેસના મહાસચિવ અશોક ગેહલોતની સાથે મુલાકાત બાદ નાયડૂએ પત્રકાર પરિષદમાં આ વાત કહી હતી. ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષના દૂત તરીકે નાયડૂને મળવા ગયા હતા. નાયડૂએ કહ્યું કે, આ મુલાકાતનો ઉદ્દેશ્ય તમામ પાર્ટીઓને ભાજપ વિરુદ્ધ લડાઇમાં એક સાથે લાવવાનો છે.
નાયડૂએ કહ્યું કે, તેઓ 19 કે 20 નવેમ્બરે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે મુલાકાત કરશે. આંધ્રપ્રદેશના સીએમે કહ્યું, આ વિસ્તૃત રૂપે ભાજપ વિરોધી પ્લેટફોર્મ છે. આ દેશના હિતમાં ભરવામાં આવેલું પગલું છે. સેવ ડેમોક્રેસી, સેવ નેશન, સેવ ઈન્સ્ટિટ્યૂશન જ અમારો એજન્ડા છે. આજ સમય મુજબ દેશનો એજન્ડા છે. નાયડૂએ હાલમાં પૂર્વ પીએમ એચડી દેવગૌડા, કર્ણટકના મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામી અને ડીએમકે અધ્યક્ષ એમકે સ્ટાલિન સાથે મુલાકાત કરી, જેથી ભાજપ વિરોધી પાર્ટીઓને એકજૂથ કરી શકાય.
નાયડૂએ કહ્યું, મેં તમામને મનાવી લીધા છે. બધા અમારો સહયોગ કરવા માટે તૈયાર છે. આ પ્રયોગમાં કોંગ્રેસ મુખ્ય પાર્ટી છે. તેની પાસે વધુ જવાબદારી છે. અમારે આ વાતનો પણ ખ્યાલ રાખવો પડશે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં યોજાનારી બેઠકમાં નક્કી કરવામાં આવશે કે અમારી આગામી રણનીતિ શું હશે. આ સાથે તે પણ નક્કી કરવામાં આવશે કે ભાજપ વિરોધી પ્લેટફોર્મ માટે અમારૂ સંગઠન કઈ રીતે કામ કરશે.
નાયડૂએ કહ્યું કે, તે પહેલા ઘણી પાર્ટીઓના નેતાઓ સાથે મુલાકાત કરી ચુક્યા છે. તેમાં રાહુલ ગાંધી, શરદ પવાર, ફારૂખ અબ્દુલ્લા સહિત ઘણા નેતા છે. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, દેશમાં માત્ર બે પ્લેટફોર્મ હશે ભાજપ અને ભાજપ વિરોધી. તેમણે કહ્યું, પાર્ટીઓએ નક્કી કરવું પડશે કે તે કઈ તરફ છે. જો તે અમારી સાથે નથી તો તેનો અર્થ છે કે, તે ભાજપની સાથે છે.
નાયડૂએ કહ્યું, તમિલનાડૂ સરકાર રિમોટ કંટ્રોલથી ચાલી રહી છે. ટીઆરએસનો એજન્ડા પણ ભાજપનો એજન્ડા છે. કેટલાક પાર્ટીઓ ત્યાં છે, તે બધી ભાજપ સાથે છે.