કોલકાતા: કોલકાતા પોલીસ કમિશનરની પૂછપરછ કરવામાં સીબીઆઈને મળેલી નિષ્ફળતા બાદ જે રાજકીય ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે તેનો સંબંધ બે કથિત પોંજી કૌભાંડો સાથે છે. તેની આખી કહાની શારદા સમૂહ અને રોઝ વેલી સમૂહ સાથે જોડાયેલો છે. જેનો ખુલાસો 2013માં થયો હતો. હકીકતમાં આ બંને  કંપનીઓએ લાખો રોકાણકારો પાસેથી દાયકાઓ સુધી હજારો કરોડ રૂપિયા વસૂલ્યા અને મોટી રકમ પરત કરવાનો વાયદો તો કરાયો પણ જ્યારે પૈસા પાછા આપવાનો વારો આવ્યો તો મોટું કૌભાંડ કરી નાખ્યું. જેની અસર રાજકીય સ્તરે જોવા મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચિટ ફંડ
ધન જમા કરનારી યોજનાઓ કથિત રીતે કોઈ પણ નિયામક મંજૂરી વગર 2000થી પશ્ચિમ બંગાળ અને અન્ય પાડોશી રાજ્યોમાં ચાલી રહી હતી. લોકોની વચ્ચે આ યોજના ચિટ ફંડ ના નામે જાણીતી હતી. આ યોજના દ્વારા લાખો રોકાણકારો પાસેથી હજારો કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યાં. આ બંને સમૂહોએ આ ધનનો ઉપયોગ યાત્રા અને પર્યટન, રિયાલ્ટી, હાઉસિંગ, રિઝોર્ટ અને હોટલ, મનોરંજન તથા મીડિયા ક્ષેત્રે વ્યાપક રીતે કર્યો. 


શારદા અને રોઝ વેલી સમૂહ
શારદા સમૂહ 239 ખાનગી કંપનીઓનો એક સંઘ હતો અને એવું કહેવાઈ રહ્યું છે કે એપ્રિલ 2013માં ડૂબતા અગાઉ આ ગ્રુપે 17 લાખ રોકાણકારો પાસેથી 4000 કરોડ રૂપિયા જમા કરાવી  લીધા હતાં. જ્યારે રોઝ વેલી અંગે કહેવાય છે કે તેણે 15000 કરોડ  રૂપિયા જમા કરાવ્યાં હતાં. શારદા સમૂહ સાથે જોડાયેલા સુદિપ્તો સેન અને રોઝ વેલી સાથે જોડાયેલા ગૌતમ કુંડુ પર આરોપ છે કે તેઓ પહેલા પશ્ચિમ બંગાળની ડાબેરી સરકારની નીકટ હતાં પરંતુ રાજકીય વિશેષજ્ઞોનું કહેવું છે કે જેમ જેમ રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસ મજબુત થતી ગઈ તેમ તેમ આ બંને સમૂહ આ પાર્ટીની નજીક આવી ગયાં. 


જો કે આ બંને સમૂહોની સંપત્તિ 2012ના અંતમાં લડખડાવવા લાગી અને ચૂકવણીમાં મોટી ક્ષતિની ફરિયાદો થવા લાગી. શારદા સમૂહ એપ્રિલ 2013માં ડુબ્યો અને અને સુદિપ્તો સેન પોતાની વિશ્વાસુ સહયોગી દેબજાની મુખર્જી સાથે પશ્ચિમ બંગાળ છોડીને ભાગી ગયો. ત્યારબાદ શારદા સમૂહના હજારો કલેક્શન એજન્ટો તૃણમૂલ કોંગ્રેસના કાર્યાલયની બહાર ભેગા થયા હતાં અને સેન વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરી હતી. શારદા સમૂહ વિરુદ્ધ પહેલો મામલો વિધાનનગર પોલીસ કમિશનર કચેરીમાં દાખલ થયો જેનું નેતૃત્વ રાજીવ કુમાર કરી રહ્યાં હતાં. 


રાજીવ કુમાર
રાજીવ કુમાર પશ્ચિમ બંગાળના 1989 બેચના આઈપીએસ ઓફિસર છે અને હાલ તેઓ કોલકાતાના પોલીસ કમિશનર છે. રાજીવકુમાર 2013માં શારદા ચીટફંડ કૌભાંડ મામલે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમના અધ્યક્ષ હતાં. રાજીવકુમાર પર આરોપ છે કે તેમણે પોતાના પદનો દુરઉપયોગ કરતા કૌભાંડની દિશા અને દશા બદલી નાખી છે. કહેવાય છે કે એસઆઈટીના અધ્યક્ષ તરીકે રાજીવકુમારે જમ્મુ અને કાશ્મીરમાં શારદા પ્રમુખ સુદીપ્ત સેન અને તેમના સહયોગી દેવયાનીની કાશ્મીરમાંથી ધરપકડ કરી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે કુમારના નેતૃત્વમાં એક એસઆઈટીની રચના કરી હતી. એસઆઈટીએ તૃણમૂલ કોંગ્રેસથી રાજ્યસભાના તત્કાલિન સાંસદ અને પત્રકાર કૃણાલ ઘોષની શારદા ચિટ ફંડ કૌભાંડમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરી હતી. 


CBI vs મમતા સરકાર મામલે સીબીઆઈની બે અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી


કોંગ્રેસ નેતા અબ્દુલ મનાન દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી એક અરજી બાદ મે 2014માં આ મામલે સીબીઆઈ તપાસના આદેશ અપાયા હતાં. તૃણમૂલ કોંગ્રેસના અનેક ટોચના નેતાઓ અને શ્રીનજોય બોઝ જેવા સાંસદોની સીબીઆઈએ ધરપકડ કરી હતી. સીબીઆઈએ રજત મજમુદાર અને તત્કાલિન પરિવહન મંત્રી મદન મિત્રાની પણ ધરપકડ કરી. ભાજપના વરિષ્ઠ નેતા મુકુલ રોય તે સમયે તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ હતાં તેમની પણ સીબીઆઈએ 2015માં આ મામલે  પૂછપરછ કરી હતી. 


ત્યારબાદ 2015ના મધ્યમાં રોઝવેલી સમૂહના  કુંડુની પણ ઈડીએ ધરપકડ કરી હતી. આ ઉપરાંત ડિસેમ્બર 2016, અને જાન્યુઆરી 2017માં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ તાપસ પાલ અને સુદીપ બંદોપાધ્યાયની પણ રોઝ વેલી મામલે સંડોવણી હોવાના આરોપમાં ધરપકડ થઈ. 


આટલા હજાર કરોડનું છે શારદા ચીટ ફંડ કૌભાંડ, જેના લીધે મમતા અને CBI છે આમને સામને 


પેન્ટિંગની  ખરીદી
છેલ્લા કેટલાક મહિનાઓમાં સીબીઆઈએ કેટલીક પેન્ટિંગ જપ્ત કરી છે. કહેવાય છે કે આ  પેન્ટિંગ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા બનાવેલી છે અને ચિટ ફંડના માલિકોએ મોટી કિંમત ચૂકવીને આ પેન્ટિંગ ખરીદી હતી. આ વર્ષ જાન્યુઆરીમાં સીબીઆઈએ ફિલ્મ પ્રોડ્યુસર શ્રીકાંત મોહતાની પણ રોઝ વેલી ચિટ ફંડ મામલે સંડોવણી હોવાના આરોપમાં ધરપકડ કરી. ત્યારબાદ બે ફેબ્રુઆરીના રોજ સીબીઆઈએ દાવો કર્યો કે કુમાર ફરાર છે અને શારદા અને રોઝ વેલી પોંજી ભ્રષ્ટાચાર મામલે તેમની પૂછપરછ માટે શોધ થઈ રહી છે. 


હકીકતમાં સીબીઆઈની 40 અધિકારીઓની એક ટીમ કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ  કરવા માટે રવિવારે તેમના ઘરે ગઈ હતી. પરંતુ ટીમને મંજૂરી ન અપાઈ અને તેમને જીપમાં ભરીને પોલીસ સ્ટેશન લઈ જવાયા. ટીમને થોડો સમય અટકાયતમાં પણ રખાઈ હતી. આ ઘટના બાદથી મુખ્યમંત્રી મમતા બેનરજી રવિવાર રાતના સાડા આઠથી ધરણા પર બેસી ગયા છે અને બંધારણ બચાવો ધરણા હેઠળ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. 


(ઈનપુટ-એજન્સી ભાષામાંથી)


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...