કૈલાશ માનસરોવર યાત્રાથી પરત ફરી રહેલા 1,500 ભારતીય ફસાયા નેપાળમાં
ભારતીય એમ્બેસીએ માહિતી આપી છે કે તેમણે નેપાલગંજ તેમજ સિમિકોટમાં પોતાના પ્રતિનિધિ તૈનાત કર્યા છે
કાઠમાંડુ : તિબેટથી કૈલાશ માનસરોવરની તીર્થયાત્રાથી પરત ફરી રહેલા 1,500 ભારતીય ખરાબ હવામાન તેમજ ભારે વરસાદને પગલે નેપાળમાં ફસાઈ ગયા છે. નેપાળ ખાતે આવેલી ભારતીય એમ્બેસીએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે લગભગ 525 ભારતીય શ્રદ્ધાળુ સિમિકોટમાં, 550 હિલસામાં અને અન્ય તિબેટ તરફ ફસાયેલા છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે એમ્બેસી સતત કૈલાશ માનસરોવર યાત્રાના નેપાલગંજ-સિમિકોટ-હિલસાના રૂટ પર નજર રાખી રહી છે. અહીં હાલમાં વાતાવરણ ખરાબ હોવાના કારણે પ્લેનના સંચાલનની સંભાવના એકદમ ઓછી છે.
એમ્બેસીએ માહિતી આપી છે કે તેમણે નેપાલગંજ તેમજ સિમિકોટમાં પોતાના પ્રતિનિધિ તૈનાત કર્યા છે જે ફસાયેલા પ્રત્યેક તીર્થયાત્રી સાથે વ્યક્તિગત સંપર્કમાં છે. તેઓ શ્રદ્ધાળુઓને ભોજન અને રહેવાની યોગ્ય વ્યવસ્થા મળે એ નિશ્ચિત કરી રહ્યા છીએ. હાલમાં હિલસામાં ફસાયેલા શ્રદ્ધાળુઓ પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે કારણ કે ત્યાં પરિસ્થિતિ વધારે ખરાબ છે.
આ સાથે એમ્બેસીએ તમામ ટુર ઓપરેટર્સને કહ્યું છે કે તેઓ વધારે શ્રદ્ધાળુઓને તિબેટ તરફ રોકવાનો પ્રયાસ કરે કારણ કે નેપાળ તરફ તબીબી અને બીજી સુવિધાઓ ઓછી છે. ભારતે આ સિવાય ફંસાયેલા ભારતીય નાગિરકોને કાઢવા માટે નેપાળ સરકારને હેલિકોપ્ટરની સુવિધા આુપવાનો પણ આગ્રહ કર્યો છે.