PAK વિદેશ મંત્રાલયે પીએમ મોદીને મોકલશે સાર્ક સમિટ માટે નિમંત્રણ
કરતારપુર કોરિડોરના મુદ્દે બંને દેશો વચ્ચેના સંબંધો જે કુણા પડ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ સુષમા સ્વરાજને કરતારપુર કોરિડોરની પાકિસ્તાનમાં આધારશિલા મુકવાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે પણ પાકિસ્તાન આવવા આમંત્રણ આપ્યું હતું
નવી દિલ્હી/ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વિદેશ વિભાગે જણાવ્યું છે કે, પીએમ નરેન્દ્ર મોદીને સાર્ક સમિટમાં ભાગ લેવા માટે નિમંત્રણ મોકલવામાં આવશે. વિદેશ વિભાગના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે મંગળવારે આ માહિતી આપી હતી. ઈસ્લામાબાદમાં ફેસલે જણાવ્યું કે, વડા પ્રધાન ઈમરાન ખાને વિજય બાદ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, જો ભારત એક ડગલું આગળ વધારશે તો પાકિસ્તાન બે ડગલાં ભરશે.
ડોન અખબારે ફેસલનો હવાલો આપતા જણાવ્યું છે કે, વડા પ્રધાન મોદીને સાર્ક સમિટ માટે આમંત્રિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 2016માં સાર્ક સંમેલનનું આયોજન ઈસ્લામાબાદમાં થવાનું હતું, પરંતુ એ જ વર્ષે સપ્ટેમ્બરમાં જમ્મુ-કાશ્મીરના ઉરીમાં ભારતીય સેનાના ઠેકાણા પર આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારતે 'વર્તમાન પરિસ્થિતિ'નો હવાલો આપીને સંમેલનમાં ભાગ લેવાનો ઈનકાર કરી દીધો હતો.
બાંગ્લાદેશ, ભૂટાન અને અફઘાનિસ્તાન દ્વારા પણ તેમાં ભાગ લેવાનો ઈનકાર કરકી દેવાયા બાદ ઈસ્લામાબાદ સંમેલનને રદ્દ કરી દેવાયું હતું. માલદીવ્સ અને શ્રીલંકા સાર્ક સંમેલનના 7મા અને 8મા સભ્ય છે.
કરતારપુર કોરિડોર મુદ્દે નજીક આવ્યા બંને દેશ
કરતાર કોરિડોર મુદ્દે બંને દેશ નજીક આવતા જોવા મળી રહ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ સુષમા સ્વરાજને કરતારપુર કોરિડોરની પાકિસ્તાનમાં આધારશિલા મુકવાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે પણ પાકિસ્તાન આવવા આમંત્રણ આપ્યું હતું. સુષમા સ્વરાજ ઉપરાંત પાકિસ્તાને પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધુને પણ આમંત્રણ આપ્યું હતું. સુષમાએ આભાર માન્યો હતો, જ્યારે અમરિંદર સિંહે ઈનકાર કર્યો હતો. સિદ્ધુ તેમાં ભાગ લેવા ગયા છે.
માત્ર એક સેકન્ડ માટે મળ્યો હતો પાક. આર્મી ચીફને, આ કોઈ રાફેલ ડીલ ન હતીઃ સિદ્ધુનો પાકિસ્તાનથી જવાબ
ભારત-પાક વચ્ચે પુલનું કામ કરશે કોરિડોરઃ પીએમ મોદી
આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આશા વ્યક્ત કરી હતી કે, કરતારપુર કોરિડોર ભારત અને પાકિસ્તાનના લોકોને એક-બીજા સાથે જોડવા માટે પુલનું કામ કરશે. વડા પ્રધાને બર્લિનની દિવાલ તોડી પાડવાની ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ કોરિડોર વધુ સારા ભવિષ્ય તરફ આગળ લઈ જશે.
ઉલ્લેખનીય છે કે, ભારતની કેબિનેટે પાકિસ્તાનના કરતાપુર ખાતે આવેલા ગુરુદ્વારા દરબાર સાહિબ કરતાપુર જવા માટે પંજાબના ગુરુદાસપુર જિલ્લામાં આવેલા ડેરા બાબા નામના સ્થાનથી આંતરરાષ્ટ્રીય સરહદ સુધી એક કોરિડોરના નિર્માણને મંજુરી આપી હતી. સોમવારે ઉપ રાષ્ટ્રપતિ એમ. વૈંકૈયા નાયડુ અને પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કરતારપુર સાહિબ કોરિડોરની ભારતીય સીમાની અંદર આધારશિલા મુકી હતી.