ભારતે બદલાની શરૂઆત કરતા ડર્યું પાકિસ્તાન, પોતાના હાઈ કમિશનરને પરત બોલાવ્યા
પુલવામા આતંકી હુમલા બાદ બંને પક્ષોની વચ્ચે તણાવ વધશે તે બાબતને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને ભારત સ્થિત પોતાના ઉચ્ચાયુક્તને વાતચીત કરવા માટે પરત બોલાવી લીધા છે.
ઈસ્લામાબાદ : પુલવામા આતંકી હુમલા બાદ બંને પક્ષોની વચ્ચે તણાવ વધશે તે બાબતને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને ભારત સ્થિત પોતાના ઉચ્ચાયુક્તને વાતચીત કરવા માટે પરત બોલાવી લીધા છે. અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી હતી. વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, પાકિસ્તાને વાતચીત કરવા માટે સોમવારે ભારતના પોતાના હાઈ કમિશનરને પરત બોલાવી લીધા છે. પુલવામા હુમલાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સ્થિત ભારતીય હાઈ કમિશનર અજય બિસરીયાને પણ વાતચીત કરવા માટે નવી દિલ્હી પરત બોલાવી લેવાયા છે. ગત ગુરુવારે પુલવામામાં થયેલ આતંકી હુમલા માટે ભારતે પાકિસ્તાન સમર્થિત જૈશ-એ-મોહંમદને જવાબદાર ગણાવ્યા છે.
આ પહેલા ભારત સ્થિત પાકિસ્તાનના હાઈ કમિશનર સોહેલ મહેમૂદને શુક્રવારે નવી દિલ્હીમાં વિદેશ સચિવ વિજય ગોખલેએ બોલાવ્યા હતા અને પુલાવામાની ઘટનામાં 40 સીઆરપીએફ જવાનોના માર્યા જવા પર મહમૂદની સામે કડક વિરોધ વ્યક્ત કર્યો હતો. વિદેશ સચિવે પાકિસ્તાની હાઈ કમિશનરને કહ્યું હતું કે, પાકિસ્તાન જૈશ-એ-મોહંમદના વિરુદ્ધ તત્કાલ તેમજ પ્રમાણિક કાર્યવાહી કરે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન પોતના વિસ્તારમાં આતંકાવાદી ગતિવિધિઓ ચલાવનાર સંગઠનો તેમજ લોકોને તાત્કાલિક રોકે.
ભારતની સૌથી પહેલી કાર્યવાહી
આ પહેલા પાકિસ્તાનની વિરુદ્ધ મોટી કૂટનીતિક કાર્યવાહી અંતર્ગત ભારતે આતંકવાદને રાજકીય નીતિના માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં પાકિસ્તાનની ભૂમિકાને જોરશોરથી સામે રાખવા માટે પી 5 દેશો - અમેરિકા, ચીન, રશિયા, બ્રિટન અને ફ્રાન્સ સહિત 25 દેશોના દૂતની સાથે બ્રીફિંગ કર્યું હતું.