મુંબઈ: ભારતના રાજકારણમાં ડોકીયું કરીએ તો ભાજપ અને કોંગ્રેસ બે એક એવા કેન્દ્રબિંદુ છે જેની આસપાસ તમામ પાર્ટીઓ કામ કરી રહી છે. હાલના સમયમાં સત્તાપક્ષનું નેતૃત્વ ભાજપ તો વિપક્ષનું નેતૃત્વ કોંગ્રેસ કરી રહી છે. આવામાં સ્વાભાવિક છે કે ભાજપ અને કોંગ્રેસ એકબીજાના કટ્ટર વિરોધી છે. આ વખતની પેટાચૂંટણીમાં એક ખુબ જ રસપ્રદ મામલો જોવા મળ્યો. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના પલુસ કાદેગાંવ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવારના કારણે કોંગ્રેસના ઉમેદવારને જીત મળી છે. આ સાંભળવામાં થોડુ અટપટુ લાગે પરંતુ સો ટકા સાચી વાત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પલુસ કાદેગાંવ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર વિશ્વજીત કદમે જીત મેળવી છે. આવામાં સ્વાભાવિક છે કે મનમાં સવાલ ઉઠે કે આખરે ભાજપે કોંગ્રેસને જીતવામાં મદદ કેમ કરી. તેનું કારણ સમજાવાની કોશિશ કરીએ.


ભાજપના ઉમેદવારે આ રીતે કોંગ્રેસને કરી મદદ
પલુસ કાદેગાંવ વિધાનસભા બેઠક માટે ભાજપે કોંગ્રેસને સીધી રીતે મદદ નથી કરી. જોવા જઈએ તો પરોક્ષ રીતે મદદ કરી છે. વાત જાણે એમ છે કે પલુસ કાદેગાંવ બેઠક પરથી કોંગ્રેસ તરફથી વિશ્વજીત કદમને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે ભાજપ તરફથી સંગ્રામસિન દેશમુખને ઊભા રખાયા હતાં. વોટિંગના ગણતરીના સમય પહેલા ભાજપના ઉમેદવાર સંગ્રામસિન દેશમુખે પોતાનું નામ પાછુ ખેંચી લીધુ જેના કારણે વિશ્વજીત કદમની જીત પાક્કી થઈ ગઈ.


કેમ ભાજપના ઉમેદવારે નામ પાછું ખેંચ્યુ?
પલુસ કાદેગાંવ વિધાનસભા બેઠક પરથી પૂર્વ મંત્રી પટંગરાવ કદમ ધારાસભ્ય હતાં. તેમના મોતના કારણે આ બેઠક ખાલી થઈ હતી. પટંગરાવ કદમ જૂના કોંગ્રેસી હતા આથી પેટાચૂંટણીમાં કોંગ્રેસે તેમના પુત્ર વિશ્વજીત કદમને ટિકિટ આપી હતી. આ વિસ્તારમાં પટંગરાવ ખુબ લોકપ્રિય નેતા હતાં. આ જ કારણે વિશ્વજીતને સહાનુભૂતિ મતો મળવાનું નક્કી માનવામાં આવી રહ્યું હતું.


ભાજપના ઉમેદવાર સંગ્રામસિન દેશમુખ ચૂંટણી પહેલા જ સમજી ગયા હતાં કે તેમની હાર નક્કી છે. સત્તાધારી ભાજપને લાગ્યું કે જો લડાઈ બાદ તેમને કોંગ્રેસથી હારનો સામનો કરવો પડે તો આગામી વર્ષે થનારી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તેને કેશ કરવાની કોશિશ કરત. આ ઉપરાંત આગામી વર્ષે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પણ થવાની છે. જેનો અર્થ છે કે જીતમાં દરેક ઉમેદવાર એક વર્ષ જ ધારાસભ્ય રહી શકશે. આ બધી વાતોને ધ્યાનમાં લઈને ભાજપના ઉમેદવારે છેલ્લા સમયે પોતનું નામ પાછું ખેંચી લીધુ. આ પ્રકારે ભાજપના ઉમેદવારની મદદથી કોંગ્રેસના ઉમેદવાર વિશ્વજીત કદમે નિર્વિરોધ જીત મેળવી લીધી.