મધ્ય પ્રદેશમાં કઈ પાર્ટીની બનશે સરકાર? 38 વર્ષથી આ હાઈપ્રોફાઈલ બેઠક કરે છે નક્કી
મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચાર થોડા કલાકોમાં શાંત થઈ જશે. 28 નવેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણી માટે થનારા મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસ સહિત બીજા પક્ષો પોત-પોતાની સરકાર બનાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યાં છે.
નવી દિલ્હી: મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચાર થોડા કલાકોમાં શાંત થઈ જશે. 28 નવેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણી માટે થનારા મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસ સહિત બીજા પક્ષો પોત-પોતાની સરકાર બનાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યાં છે. જો કે રાજ્યમાં સરકાર કઈ પાર્ટીની બનશે તેને લઈને બધાની નજર હાઈપ્રોફાઈલ બુધની વિધાનસસભા બેઠક પર છે. એવી માન્યતા છે કે અત્યાર સુધીની ચૂંટણીમાં જે પણ પાર્ટીનો ઉમેદવાર આ બેઠક પરથી જીતે છે, પ્રદેશમાં તે પાર્ટીની જ સરકાર બને છે. ખાસ વાત એ છે કે પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આ જ બુધની બેઠકથી ધારાસભ્ય છે.
1980માં કોંગ્રેસના કે એન પ્રધાન બુધની વિધાનસભાથી ધારાસભ્ય બન્યાં અને અર્જૂન સિંહ પ્રદેશના મુખ્યમંત્રી બન્યાં હતાં. ત્યારબાદ 1985માં કોંગ્રેસના જ ચૌહાણ સિંહ જીત્યા અને એકવાર ફરીથી તેમની પાર્ટીની સરકાર બની.
પહેલીવાર શિવરાજ સિંહ જીત્યા
ત્યારબાદ ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાણ વર્ષ 1990માં ચૂંટણીના મેદાનમાં ઉતર્યાં અને તેમણે જીત મેળવી. આ દરમિયાન સુંદરલાલ પટવાના નેતૃત્વમાં પ્રદેશમાં ભાજપની સરકાર બની.
દિગ્વિજય સરકાર બની
1993માં કોંગ્રેસના રાજકુમાર પટેલ બુધનીથી ધારાસભ્ય બન્યાં અને રાજ્યમાં દિગ્વિજય સિંહની સરકાર બની. ત્યારબાદ દેવકુમાર પટેલ જીત્યા અને ફરીથી તેમની જ પાર્ટી કોંગ્રેસના નેતા દિગ્વિજય બીજીવાર મુખ્યમંત્રી બન્યાં. 2003ની ચૂંટણીમાં એવું લાગી રહ્યું હતું કે આ માન્યતા તૂટશે, પરંતુ આ વર્ષે પણ ભાજપના રાજેન્દ્ર સિંહ રાજપૂત અહીંથી જીત્યા અને ઉમા ભારતી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બન્યાં.
શિવરાજ સિંહે જીત જાળવી રાખી
2003 બાદથી 2008માં વિધાનસભા ચૂંટણી થઈ, જેમાં ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાણ જીત્યા, પરિણામ એ આવ્યું કે તેમના નેતૃત્વમાં ભાજપે રાજ્યમાં સરકાર બનાવી. આ બાજુ 2013માં ફરીથી શિવરાજ સિંહ બુધનીથી જીત્યા અને સરકારમાં આવ્યાં. આ વખતે ચૂંટણીમાં શિવરાજ સિંહનો મુકાબલો કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અરુણ યાદવ સાથે છે. હવે રસપ્રદ એ રહેશે કે 38 વર્ષથી જે માન્યતા યથાવત જોવા મળી છે તે 2018ની ચૂંટણીમાં તૂટશે કે નહીં.