Zomato Boy એ સાઈકલ પર સુપરફાસ્ટ સ્પીડથી પહોંચાડ્યો ઓર્ડર, ઈનામમાં મળી શાનદાર બાઈક
એક વ્યક્તિએ ઝોમેટો ડિલિવરી બોયને બાઈક અપાવવા માટે 73 હજાર રૂપિયાનું ફંડ ભેગુ કર્યું અને તેને બાઈક ભેટમાં આપી. આ મામલો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
હૈદરાબાદ: તેલંગણાના હૈદરાબાદથી દલિયાદિલીનો એક કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે એક વ્યક્તિએ ઝોમેટો ડિલિવરી બોયને બાઈક અપાવવા માટે 73 હજાર રૂપિયાનું ફંડ ભેગુ કર્યું અને તેને બાઈક ભેટમાં આપી. આ મામલો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
સુપરફાસ્ટ સ્પીડથી પહોંચાડ્યો ચાનો ઓર્ડર
અત્રે જણાવવાનું કે હૈદરાબાદના કોટી વિસ્તારમાં રહેતા રોબિન મુકેશે 14 જૂનના રોજ ફૂડ ડિલિવરી એપ ઝોમેટો દ્વારા એક ચાનો ઓર્ડર આપ્યો હતો. આ ઓર્ડર ડિલિવરી બોય મોહમ્મદ અકીલને મળ્યો હતો. રોબિન મુકેશ એક આઈટી કંપનીમાં કામ કરે છે.
ડિલિવરી બોયની સ્પીડથી ચોંકી ગયો ગ્રાહક
રોબિન મુકેશે જણાવ્યું કે હાલ તે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. રાતે લગભગ 10 વાગે તેમણે એક ચાનો ઓર્ડર આપ્યો હતો. આ ઓર્ડર ડિલિવરી બોય મોહમ્મદ અકીલને મળ્યો હતો.જે ઓર્ડર આપ્યાના 15 મિનિટની અંદર તો મારા અપાર્ટમેન્ટની નીચે હતો. તેણે મને ફોન કર્યો કે સર હું પહોંચી ગયો છું. હું તેની ઓર્ડર પહોંચાડવાની સ્પીડ જોઈને સ્તબ્ધ થઈ ગયો.
વરસાદમાં સાઈકલ પર આવ્યો હતો ડિલિવરી બોય
તેમણે વધુમાં કહ્યું કે ત્યારબાદ હું સીડી ઉતરીને નીચે ગયો અને ત્યાં એક યુવાન ડિલિવરી બોયને જોયો. તેનું નામ મોહમ્મદ અકીલ હતું. મે નીચે જઈને જોયું તો તે એક સાઈકલથી આવ્યો હતો. તે વખતે વરસાદ વરસી રહ્યો હતો. પરંતુ પલળવાની પરવા કર્યા વગર અકીલ 15 મિનિટની અંદર મારો ઓર્ડર લઈને આવ્યો. મારો ઓર્ડર સમયસર પહોંચાડવા માટે તેણે ખુબ ઝડપથી સાઈકલ ચલાવી.
રોબિને કહ્યું કે અકીલે તેને જણાવ્યું કે તે છેલ્લા એક વર્ષથી ડિલિવરી બોયનું કામ કરે છે. તે પોતાની સાઈકલ પર સવાર થઈને લોકોના ઓર્ડર પહોંચાડે છે. ત્યારબાદ રોબિને અકીલનો એક ફોટો પાડ્યો અને તેને ફેસબુક પર અપલોડ કર્યો. રોબિને લોકોને અકીલ માટે બાઈક ખરીદવા મદદ માંગી.
જોત જોતામાં તો 12 કલાકની અંદર અકીલની બાઈક ખરીદવા માટે 73 હજાર રૂપિયા ભેગા થઈ ગયા. તે પૈસામાંથી રોબિને અકીલ માટે ટીવીએસ એક્સએલ બાઈક ખરીદી. ફંડમાંથી વધેલા 5 હજાર રૂપિયા પણ રોબિને અકીલને તેની કોલેજ ફી માટે આપી દીધા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube