માલિકની દીકરી સાથે `ક્લાર્ક` યેદિયુરપ્પાએ કર્યા હતા લગ્ન, કર્ણાટકના CMના જીવનના ખાસ સિક્રેટ્સ
કર્ણાટકની રાજનીતિમાં અનોખો વળાંક આવી ગયો છે
નવી દિલ્હી : કર્ણાટકમાં 48 કલાકના રાજકીય ઉતાર-ચડાવ બાદ આખરે બીજેપીની સરકાર બની ગઈ છે. બીજેપીના બીએસ યેદિયુરપ્પાએ આજે સીએમ પદના શપથ લઈ લીધા છે. પ્રદેશના રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને સીએમ પદના શપથ અપાવ્યા. શપથ લીધા બાદ યેદિયુરપ્પાએ લોકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું. મહત્વનું છે કે યેદિયુરપ્પા ત્રીજી વખત કર્ણાટકના મુખ્યપ્રધાન બન્યા છે. કર્ણાટકમાં બીજેપીનો ચહેરો એવા યેદિયુરપ્પા પહેલાં પણ મુખ્યમંત્રી રહી ચુક્યા છે. યેદિયુરપ્પાની કરિયર અને પર્સનલ લાઇફમાં અનેક રસપ્રદ હકીકતો છુપાયેલી છે.
27 ફેબ્રુઆરી, 1943ના દિવસે લિંગાયત પરિવારમાં જન્મેલા યેદિયુરપ્પા માંડ્યા જિલ્લાના બુકાનાકેરના વતની છે. તેમના માતા-પિતાનું બાળપણમાં જ અવસાન થઈ ગયું હોવાના કારણે કાકાના ઘરે રહીને તેમણે અભ્યાસ પુરો કર્યો. 1965માં યેદિયુરપ્પાએ સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટમાં ફર્સ્ટ ડિવિઝન ક્લાર્ક તરીકે નોકરી શરૂ કરી હતી પણ કેટલાક સમય પછી આ નોકરી છોડી દીધી હતી. આ પછી તેમણે શિકારપુરા પહોંચીને રાઇસ મિલમાં ક્લાર્ક તરીકે જ નોકરી શરૂ કરી.
24 કલાકમાં છિનવાઈ શકે છે કર્ણાટકના CM યેદિયુરપ્પાની ખુરશી!
યેદિયુરપ્પા અભ્યાસ પુરો કર્યા પછી કામ શોધી રહ્યા હતા ત્યારે તેમના મિત્રએ તેમની મુલાકાત વીરભદ્ર શાસ્ત્રી સાથે કરાવી હતી. તેમની જ રાઇસ મિલમાં યેદિયુરપ્પાએ બીજી નોકરી શરૂ કરી હતી. વીરભદ્ર શાસ્ત્રીએ જ યેદિયુરપ્પાની ક્ષમતા અને મહેનત જોઈને તેમની સાથે તેમની દીકરી મિત્રા દેવીના લગ્ન કરાવી દીધા હતા. જોકે, 2004માં મિત્રા દેવીનું અવસાન થઈ ગયું હતું. આ લગ્ન યેદિયુરપ્પાના જીવનનો ટર્નિંગ પોઇન્ટ હતો. તેઓ લગ્ન પહેલાં જ સંઘ સાથે જોડાયેલા હતા પણ લગ્નના બે વર્ષ પછી તેમને રાજનીતિમાં આવાની તક મળી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે તેમને રાજનીતિમાં આવવાનું સૌથી વધારે પ્રોત્સાહન તેમના સસરા વીરભદ્ર શાસ્ત્રીએ આપ્યું હતું. જોકે લગ્ન પછી આર્થિક ઉપાર્જન માટે તેમણે શિવમોગામાં હાર્ડવેરની દુકાન પણ ખોલી હતી.
યેદિયુરપ્પા અત્યંત ધાર્મિક છે અ તેમને પૂજા-પાઠમાં ભારે વિશ્વાસ છે. ધર્મ પ્રત્યે ભારે આસ્થાને પગલે તેમણે 2007માં એક જ્યોતિષની સલાહ માનીને પોતાના નામનો સ્પેલિંગ બદલી નાખ્યો હતો. તેઓ પહેલાં અંગ્રેજીમાં Yediyurappa લખતા હતા જે બદલીને Yeddyurappa કરી દીધું. તેમણે પોતાના નામમાં વધારાનો D ઉમેર્યો અને I હટાવી દીધો.
યેદિયુરપ્પાની ઓળખ સફારી સુટથી છે. માનવામાં આવે છે કે તેઓ આ મામલે બહુ સંવેદનશીલ છે. 1983માં પહેલીવાર ધારાસભ્ય બન્યા પછી તેમણે હળવા રંગના સફારી સુટ પહેરવાનું શરૂ કર્યુ હતું અને ત્યારથી માંડીને અત્યાર સુધી સાર્વજનિક જીવનમાં તેમણે કોઈ બીજું કપડું નથી પહેર્યું.