નવી દિલ્હીઃ દેશમાં દરરોજ આકશને આંબી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવના મુદ્દે મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશ રાજેન્દ્ર મેનન અને ન્યાયમૂર્તિ વી.કે. રાવની બેન્ચ સમક્ષ અરજી દાખલ કરાઈ છે. બેંચ બુધવારે તેના પર સુનાવણી હાથ ધરે તેવી શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરજીકરનારી વ્યક્તી રાષ્ટ્રીય રાજધાની વિસ્તારમાં રહેતાં પૂજા મહાજન છે. તેમણે કોર્ટને જણાવ્યું છે કે, તેઓ કેન્દ્ર સરકારને આદેશ આપે કે, તે પેટ્રોલ-ડીઝલનાં ભાવને 'જીવનજરૂરિયાતની ચીજ-વસ્તુ' માને અને પેટ્રોલિયમ ઉત્પાદનો માટે 'યોગ્ય કિંમત' નક્કી કરે. 



વકીલ એ.મૈત્રી દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં આરોપ લગાવાયો છે કે, સરકારે ઓઈલ ઉત્પાદક કંપનીઓ (ઓએમસી)ને પેટ્રોલ અને ડીઝલનાં ભાવ મરજીપુર્વક વધારવા માટે 'પરોક્ષ' રીતે મંજૂરી આપી છે. 


અરજીમાં એવો પણ આરોપ લગાવાયો છે કે, સરકાર દેશમાં વધી રહેલા પેટ્રોલિયમ પદાર્થોનાં ભાવને ક્રૂડ ઓઈલના ભાવમાં વૈશ્વિક સ્તરે થઈ રહેલા વધારા સાથે જોડીને 'ભ્રામક માહિતી'નો પ્રચાર કરી રહી છે, કેમ કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનાં ભાવ આજની સરખામણીએ ઓછા હતા ત્યારે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘાટડો કરાયો ન હતો. 


અરજીકર્તાએ જણાવ્યું કે, તેમણે જુલાઈમાં પણ આ પ્રકારની અરજી કરી હતી અને કોર્ટ દ્વારા તેમની અરજીનો કેન્દ્રને એમ કહીને નિકાલ કર્યો હતો કે, આ અરજીને પ્રસ્તુતિ તરીકે સ્વીકારો અને તેના અંગે નિર્ણય લો. જોકે, સરકારે આ પ્રસ્તુતિ અંગે આજ સુધી કોઈ નિર્ણય લીધો નથી, એટલે તેમણે ફરીથી આ અરજી દાખલ કરી છે.