UP: 200 કરોડનો માલિક ખખડધજ સ્કૂટર કેમ ચલાવતો હતો? લાઈફસ્ટાઈલ જાણીને ચોંકી જશો
કાનપુરના અત્તરના વેપારી પિયુષ જૈનના ઘરમાંથી લગભગ 200 કરોડ રૂપિયા કેશ મળી આવતા હડકંપ મચી ગયો છે.
નવી દિલ્હી: કાનપુરના અત્તરના વેપારી પિયુષ જૈનના ઘરમાંથી લગભગ 200 કરોડ રૂપિયા કેશ મળી આવતા હડકંપ મચી ગયો છે. ચોંકાવનારી વાત એ છે કે આ વેપારી કે જેના ત્યાં પૈસાના ઢગલે ઢગલા મળી આવ્યા તે ખુબ જ સાધારણ ઘરમાં રહે છે. આજે પણ એક જૂનું સ્કૂટર ચલાવે છે. એટલે કે તેની પાસે એક ગાડી સુદ્ધા નથી. તો પછી આટલો પૈસો આવ્યો ક્યાંથી? તેનું કહેવું છે કે તેને ખુબ પૈતૃક સોનું મળ્યું જેને વેચીને તેણે આ 200 કરોડ રૂપિયા બેંકમાં જમા કરવાની જગ્યાએ ઘરમાં જ છૂપાવી લીધા. આ વાત બહાર આવ્યા બાદ આ વ્યક્તિના પાડોશીઓ તો માથું ખંજવાળી રહ્યા છે અને વિચારે છે કે તેમને આ વાત ખબર કેમ ન પડી? પિયુષ જૈનની લાઈફસ્ટાઈલ જોયા બાદ તમે એ જરૂર વિચારશો કે પૈસા કોઈ ફાયદો ન હોય, જેનાથી કઈ ખરીદી ન શકાય તો તે પૈસા રદ્દી બરાબર છે અને તેનો ફાયદો શું?
પિયુષ જૈનના ઘરમાંથી 23 કિલો સોનું મળ્યું
પિયુષ જૈને પોતાના ઘરના હોલમાં એક વોટર ટેંક બનાવી હતી. અને જ્યારે તેની તપાસ કરવામાં આવી તો તે ટેંક નીચેથી ગુપ્ત ઓરડો મળી આવ્યો. ટેંકના કવરને હટાવતા સૌથી પહેલા ચંદનના તેલનું ડ્રમ મળ્યું. આ ડ્રમને હટાવ્યું તો તેની નીચેથી 17 કરોડ કેશ મળી. અને તેની નીચેથી 23 કિલોગ્રામ સોનાની ઈંટો મળી. આ બધુ પિયુષ જૈનના ઘરમાં બનાવેલા ગુપ્ત રૂમમાં બોરીઓમાં ભરીને રખાયું હતું. જે નોટ મળી તેમાંથી મોટાભાગની નોટો વર્ષ 2016 થી 2017ની વચ્ચેની છે. કહેવાય છે કે નોટબંધી બાદ આ પૈસો અહીં સંતાડી રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત બે-બે હ જાર રૂપિયાના નોટ પણ મોટા પાયે અહીંથી મળ્યા છે.
અત્યાર સુધીમાં 194 કરોડ રૂપિયા કેશ મળી
પિયુષ જૈન પાસેથી અત્યાર સુધીમાં 194 કરોડ રૂપિયા કેશ મળી છે. જેમાંથી 177 કરોડ 45 લાખ રૂપિયા કાનપુરથી અને 17 કરોડ રૂપિયા કન્નૌજવાળા ઘરમાંથી મળી આવી છે. મળી આવેલી સોનાની ઈંટોની કુલ કિંમત 11 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત ચંદનનું તેલ મળ્યું છે જેની માત્રા 600 કિલોગ્રામ છે.
સ્કૂટરથી જ આવતો જતો હતો પિયુષ જૈન
પિયુષ જૈનની પાસે જે 200 કરોડ રૂપિયા મળ્યા છે તેનાથી ઉત્તર પ્રદેશના 93 લાખ લોકોને મફતમાં રસી અપાઈ શકે તેમ હતી. પિયુષ જૈન પાસેથી અત્યાર સુધીમાં 194 કરોડ રૂપિયા કેશ મળી આવ્યા છે પરંતુ તેના પર પાડોશીઓને હજુ પણ વિશ્વાસ થતો નથી. પિયુષ જૈને ભલે ગમે તેટલા રૂપિયા બનાવ્યા હોય પરંતુ સાદગીનો માસ્ક તેણે હંમેશા તેના ચહેરા પર રાખ્યો હતો. પિયુષની આ સાદગીનો માસ્ક હતો તેનું જૂનું પુરાણું સ્કૂટર. કન્નૌજની સાંકડી ગલીઓમાં પિયુષે મકાન તો પાક્કુ અને મોટું બનાવી લીધુ. પરંતુ તે હંમેશા એક સ્કૂટરથી જ અવરજવર કરતો હતો. આ સ્કૂટરથી તે આવતો જતો હતો.
મોડો સૂઈ જતો અને સીધો કામ પર જતો
પિયુષે ક્યારેય એ અહેસાસ થવા દીધો નહતો કે તેની પાસે ખુબ પૈસો છે. પિયુષ જૈન પકડમાં ન આવવાનું એક કારણ આ પણ રહ્યું. એક તો એ કે તેની આજુબાજુના લોકો સાથે તે બહુ ભળતો નહતો. તે આજુબાજુના બહુ ઓછા લોકો સાથે વાતચીત કરતો હતો. મોડો સૂઈ જતો અને સ્કૂટરથી સીધો પોતાના કામે જતો રહેતો હતો. આ ઉપરાંત તેણે ઘર પણ એવું બનાવ્યું હતું કે જેમાં આજુબાજુના લોકોને બહુ તાંકઝાંક કરવાની તક મળતી નહતી.
વધુ વિગતો માટે જુઓ Video
પૈસો જ સૌથી મોટો દુશ્મન બની ગયો?
એક વાર્તા અહીં યાદ આવે છે. એક ગામમાં સુખીરામ નામનો વ્યક્તિ રહેતો હતો. જેના ઘરમાં કોઈ વસ્તુ મોંઘી નહતી. તે ખુબ ગરીબ હતો. જ્યારે તે ઘરથી ક્યાંક દૂર જતો તો ઘરને તાળું પણ નહતો લગાવતો. પરંતુ એક દિવસ તેને લોટરી લાગી અને 10 લાખ રૂપિયા ઈનામમાં મળ્યા. આ પૈસા મળ્યા બાદ તેને લાગ્યું કે જો તેણે આ પૈસા બેંકમાં જમા કરાવ્યા તો બેંક ખાઈ જશે અને તેણે પૈસા ઘરમાં જ રાખ્યા. પરંતુ આ પૈસાને તેણે ઘર સુધી સિમિત કરી નાખ્યા. પૈસાએ તેની સુખ શાંતિ હરામ કરી નાખી. તે પત્નીને પણ શકની નજરથી જોવા લાગ્યો. બાળકોને પણ શકની નજરે જોતો. કારણ કે તેને લાગતું કે તેનો પરિવાર આ પૈસા છીનવી લેવા માંગે છે. એક દિવસ જ્યારે પરિવારના તમામ લોકો તેનાથી અલગ થઈ ગયા તો તેને ખબર પડી કે જે પૈસાનું તે રક્ષણ કરતો હતો તે જ પૈસા તેના માટે સૌથી મોટો દુશ્મન બની ગયા.