20 વર્ષ સુધી બેન્કો નરેન્દ્ર મોદીને શોધતી રહી? એક દાયકા જૂનો Video હાલ થઈ રહ્યો છે વાયરલ
PM Modi Childhood Story:તમને પણ હેડીંગ વાંચીને નવાઈ લાગી ને! લગભગ એક દાયકા પહેલાં પીએમ નરેન્દ્ર મોદીએ તેમના બાળપણનો એક કિસ્સો સંભળાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે બેંક અધિકારીઓ તેમને 20 વર્ષ સુધી શોધતા રહ્યા.
Jan Dhan Scheme: પ્રધાનમંત્રી જન ધન યોજના (Jan Dhan Scheme) શરૂ થયાને 10 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસર પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર 'Modi Archive' એકાઉન્ટે PM નરેન્દ્ર મોદીની જૂની વીડિયો ક્લિપ શેર કરી છે. જેમાં પીએમ મોદી તેમના સ્કુલના દિવસોની એક ઘટના સંભળાવતા જોવા મળે છે. આ વીડિયો વર્ષ 2014નો છે જેમાં પીએમ મોદી 'પ્રધાનમંત્રી જન ધન યોજના' કાર્યક્રમ દરમિયાન તેમના બાળપણના દિવસોની એક ઘટના જણાવી રહ્યા છે.
પીએમ મોદી આ વીડિયોમાં એ કહેતા સંભળાય છે કે, 'હું મારા ગામની શાળામાં ભણતો હતો અને તે દરમિયાન 'દેના બેંક'ના કર્મચારી અમારી શાળામાં આવતા હતા. તેઓ પિગી બેંક આપીને એ સમજાવતા કે પૈસા કેવી રીતે બચાવવા જોઈએ. આ કારણે મેં પણ બેંક ખાતું ખોલાવ્યું. અને મને એક પિગી બેંક પણ આપવામાં આવી હતી. તે પિગી બેંક ક્યારેય ભરાઈ જ નહીં.... કારણ કે મારી એવી સ્થિતિ જ નહોતી કે હું પીગીબેન્કમાં રૂપિયા નાખીને ભરી શકું।...
બે દાયકા સુધી શોધતા રહ્યા બેન્કના કર્મચારી
તેમણે આગળ કહ્યું કે, 'ખાતું તો ખોલાવ્યું, પરંતુ મેં શાળા અને ગામ છોડી દીધું. પરંતુ બેંકના લોકોએ મને શોધવાનું શરૂ કર્યું. કદાચ તેમણે 20 વર્ષ સુધી મારી શોધ કરી કારણ કે તેઓ ખાતું બંધ કરવા માંગતા હતા. ત્યારે જ મને ખબર પડી કે તે ખાતું બંધ કરવા માટે પણ પ્રયાસો થતા પરતું આજે ખાતા ખોલવાના પ્રયાસો થઈ રહ્યા છે અને હું આને ગરીબોના જીવનમાં સૂર્યોદય માનું છું.
વિડિયો શેર કરતી વખતે મોદી આર્કાઈવે 'X' એકાઉન્ટ પર એક કેપ્શન પણ લખી છે કે, 'પાંચ દાયકા કરતાં પણ વધુ સમય પહેલાં એક શાળાના છોકરાએ બચતનું મહત્વ સમજીને બેંક ખાતું ખોલાવ્યું હતું. તે સમયે તેને ખ્યાલ નહોતો કે આ તેને ખૂબ જ મહત્વપૂર્ણ સબક શીખવશે. એક સબક જે બચતનું મહત્વ દર્શાવે છે.'
કેપ્શનમાં આગળ લખવામાં આવ્યું હતું કે, 'પરિવારની આર્થિક સ્થિતિ એવી હતી કે મોટા થયા પછી પણ વિદ્યાર્થી પાસે બેંક ખાતામાં પૈસા જમા કરાવવાની સ્થિતિ નહોતી. સિસ્ટમે દાયકાઓથી બિનઉપયોગી પડેલા ખાતાને બોજ તરીકે જોયા અને તેને બંધ કરવાના સતત પ્રયાસો કર્યા. આખરે 20 વર્ષ પછી તેણે પોતે જ તેને બંધ કરવાનો નિર્ણય લીધો. આ યુવક બીજું કોઈ નહીં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા. (IANS ઇનપુટ્સ)