`મારી ત્રીજી ટર્મમાં 3rd નંબર પર હશે દેશની ઈકોનોમી`, ભારત મંડપમના ઉદ્ઘાટન પર બોલ્યા પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ પ્રગતિ મેદાન ખાતે ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન (ITPO) સંકુલ `ભારત મંડપમ`નું ઉદ્ઘાટન કરતી વખતે આ ગેરંટી આપી હતી. આ સાથે તેમણે કહ્યું કે, `હું દેશવાસીઓને આશ્વાસન આપું છું કે ત્રીજી ટર્મમાં ભારત વધુ વિકસિત થશે અને તમે મારા ત્રીજા કાર્યકાળમાં તમારા સપના પૂરા થતા જોશો.`
ITPO Complex: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવાર (26 જુલાઈ) એ મોટો દાવો કર્યો છે. તેમણે દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ સંમેલન કેન્દ્રના ઉદ્ઘાટન સમારોહમાં પોતાના ત્રીજા કાર્યકાળનું અનુમાન વ્યક્ત કરતા કહ્યું કે, ભારત વર્લ્ડ ઇકોનોમીમાં ટોપ-3 પર હશે.
પીએમ મોદીએ કહ્યું, "ટ્રેક રેકોર્ડના આધારે, હું કહી રહ્યો છું કે ત્રીજા કાર્યકાળમાં, ભારતનું નામ વિશ્વની પ્રથમ ત્રણ મોટી અર્થવ્યવસ્થાઓમાં એક હશે." એટલે કે ત્રીજી ટર્મમાં ભારત પ્રથમ ત્રણ અર્થતંત્રોમાં ગર્વથી ઊભું રહેશે. 2024માં અમારા ત્રીજા કાર્યકાળમાં દેશની વિકાસ યાત્રા વધુ ઝડપથી આગળ વધશે. તમે તમારી આંખોની સામે તમારા સપના પૂરા થતા જોશો." પીએમ મોદીના આ નિવેદનને લોકસભા ચૂંટણીમાં જીતના દાવા તરીકે જોવામાં આવી રહ્યું છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે અમારા પ્રથમ કાર્યકાળની શરૂઆતમાં ભારત વિશ્વની અર્થવ્યવસ્થામાં દસમા ક્રમે હતું. તમે મને જ્યારે કામ આપ્યું ત્યારે આપણે દસમા નંબર પર હતા. બીજી ટર્મમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ કહી રહી છે કે ભારતમાં અત્યંત ગરીબી પણ ખતમ થવાના આરે છે.
આ પણ વાંચોઃ દેશના 8.5 કરોડ કિસાનો માટે ખુશખબર, ગુરૂવારે મળશે પીએમ કિસાન યોજનાના પૈસા
શું બોલ્યા પીએમ મોદી?
પીએમ મોદીએ કહ્યુ કે આજે દુનિયા સ્વીકાર કરી રહી છે કે ભારત લોકતંત્રની જનની છે. આજે આપણે આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર અમૃત મહોત્સવ મનાવી રહ્યાં છીએ. તો આ ભારત મંડપમ આપણે ભારતીયોના પોતાના લોકતંત્રને આપેલી સુંદર ભેટ છે.
તેમણે કહ્યું કે થોડા સપ્તાહ બાદ અહીં જી-20 સાથે જોડાયેલા મોટા આયોજન થશે. દુનિયાના મોટા દેશોના રાષ્ટ્રાધ્યક્ષ અહીં ઉપસ્થિત થશે. ભારતના વધતા પગલા અને ભારતના વધતા કદને આ ભારત મંડપમ દ્વારા દુનિયા જોશે.
કારગિલનો કર્યો ઉલ્લેખ
પીએમ મોદીએ કહ્યુ કે આજનો દિવસ દરેક દેશવાસી માટે ઐતિહાસિક છે. આજે કારગિલ વિજય દિવસ છે. દેશના દુશ્મનોએ જે દુસ્સાહસ દેખાડ્યું હતું તેને મા ભારતીના પુત્ર-પુત્રીઓએ પોતાના પરાક્રમથી પરાસ્ત કરી દીધુ હતું. કારગિલ યુદ્ધમાં પોતાનું બલિદાન આપનાર દરેક વીરને હું રાષ્ટ્ર તરફથી શ્રદ્ધાંજલિ આપુ છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube