PM Modi Interview: `મોદીની ગેરંટી એક જવાબદારી`, જાણો ઈલેક્ટોરલ બોન્ડ વિશે પીએમ મોદીએ શું કહ્યું?
લોકસભા ચૂંટણીમાં ભાજપને વધુમાં વધુ નુકસાન પહોંચાડવા માટે વિપક્ષ અનેક મુદ્દે ભાજપ પર પ્રહાર કરી રહી છે. આ મુદ્દામાં CBI, EDની કામગીરી અને હવે ઈલેક્ટોરલ બોન્ડને લઈ વિપક્ષ રાજનીતિ કરી રહ્યુ છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ ANIને આપેલા ઈન્ટરવ્યૂમાં આ તમામ મુદ્દે જવાબ આપીને કઈ રીતે વિપક્ષને ઘેર્યુ, તે જાણો આ અહેવાલમાં.
ઈલેક્ટોરલ બોન્ડ પર ખુલીને વાત
લોકસભાની ચૂંટણી નજીક આવતા વિપક્ષી પાર્ટીએ ઈલેક્ટોરલ બોન્ડના મુદ્દાને બરાબરનો સળગાવ્યો. ઈન્ડી ગઠબંધને આ મુદ્દે ભાજપ પર અનેક પ્રહારો કર્યા, તો સુપ્રીમ કોર્ટે પણ કાર્યવાહી કરીને ઈલેક્ટોરલ બોન્ડમાં ચૂંટણી ફંડ આપનારના નામ જાહેર કરવા માટે આદેશ કર્યો. ત્યારે આ જ મુદ્દે હવે પીએમ મોદીએ ખુલીને વાત કરી, પ્રધાનમંત્રી મોદીએ પોતાના ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ કે દેશના કાળા ધનને ઉઘાડું પાડવા માટે જ અમે ઈલેક્ટોરલ બોન્ડ લાવ્યા હતા. પરંતુ આજે આ મામલે વિરોધ કરનારી પાર્ટીને ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવશે.
પ્રધાનમંત્રી મોદી આટલાથી ન અટક્યા, વિપક્ષ દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ મામલે ફેલાવાઈ રહેલા જૂઠ્ઠાણાને પણ ઉઘાડું પાડ્યું. PM મોદીએ જણાવ્યુ કે 3 હજાર કંપનીઓએ ઈલેક્ટોરલ બોન્ડ ખરીધ્યા. જેમાં 26 કંપનીઓ સામે કાર્યવાહી થઈ. તેમાંથી 16 કંપની દરોડા સમયે ફસાઈ હતી. ત્યારે સૌથી મોટી વાત તો એ હતી કે આ 16 કંપનીઓએ ભાજપને માત્ર 37 ટકા ફંડ આપ્યુ હતુ. જ્યારે 63 ટકા ફંડ વિપક્ષી પાર્ટી પાસે ગયુ છે.
કેન્દ્રીય એજન્સીઓ મુદ્દે પ્રહાર
રાહુલ ગાંધી હંમેશા પ્રધાનમંત્રી મોદી અને સરકાર પર આક્ષેપ લગાવતા આવ્યા છે કે દેશની CBI, ED અને હવે તો ચૂંટણી પંચ પણ મોદી સરકારના હાથ નીચે કામ કરે છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ પણ વિપક્ષને આ મુદ્દે જવાબ આપતા કહ્યુ કે વિપક્ષ હવે ચૂંટણીમાં હારની ઠીકરું કોના પર ફોડવું તે મુદ્દા શોધવામાં લાગી ગઈ છે. ચૂંટણી પહેલાં જ પ્રધાનમંત્રીના આ ખાસ ઈન્ટરવ્યૂથી વિપક્ષી પાર્ટીઓની બોલતી બંધ થઈ ગઈ છે. કારણ કે જે જે મુદ્દા પર મોદી અને ભાજપને ઘેરવાનો પ્લાન વિપક્ષે બનાવ્યો હતો, તે તમામ મુદ્દાના ધારદાર જવાબો આપીને પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષી પાર્ટીના પ્લાન પર પાણી ફેરવી દીધુ છે.
રામ મંદિર પર શું બોલ્યા
રામમંદિર એ દેશવાસીઓ માટે ભવ્યાતિ ભવ્ય ઉત્સવ હતો. જે રંગેચંગે પૂર્ણ થયો. પરંતુ આ જ રામ મંદિરને વિપક્ષી પાર્ટીઓએ રાજકીય મુદ્દો બનાવી કરોડો સનાતની લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી. હવે પ્રધાનમંત્રી મોદીએ પણ રામમંદિર વિરોધી વિપક્ષની માનસિકતાને ખુલ્લી પાડીને આકરા પ્રહાર કર્યા. રામ મંદિરના મુદ્દાને લઈને પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે, રામ મંદિર કોંગ્રેસ માટે રાજનીતિનું સૌથી મોટું હથિયાર હતું એટલા માટે જ અત્યાર સુધી આ મુદ્દાને દર વખતે ઉશ્કેરીને મતની રાજનીતિ કરતા રહ્યા.
વિરોધીઓને લીધા આડે હાથ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌથી પહેલાં દક્ષિણ ભારત અને ઉત્તર ભારતને અલગ કરવાના કોંગ્રેસના મનસૂબા પર પ્રહાર કર્યો.. હંમેશા સનાતન પર પ્રહાર કરનારા DMK પર પ્રધાનમંત્રી મોદીએ પ્રહાર કર્યો અને કોંગ્રેસને સવાલ કર્યો કે કોંગ્રેસનું ગૌત્ર જ સનાતન પર છે તો આ મામલે તેઓ કેમ ચૂપ રહે છે.
આ સિવાય પીએમ મોદીએ દેશની સંસ્કૃતિને ખતમ કરવાના આરોપ પર પણ જવાબ આપ્યો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારત વિવિધતાઓનો દેશ છે.તામિલનાડુ એક માત્ર એવું રાજ્ય છે જ્યાં સૌથી વધારે ગામના નામો ભગવાન રામના નામ પર છે. એક શાસન એક ભાષા અને એક સંસ્કૃતિના વિપક્ષના આરોપ પર પણ પ્રધાનમંત્રી મોદી ખુલીને બોલ્યા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, વિપક્ષની નિયતમાં જ ખોટ છે.. હું હંમેશાથી માતૃભાષા પ્રત્યે લાગણી દર્શાવું છું અને દેશની તમામ ભાષાઓની પોતાની ઓળખ છે..
મોદીની ગેરંટી એક જવાબદારી
ખાનગી ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે મોદીની ગેરંટી એટલે એક જવાબદારી છે. પહેલાં લોકો માત્ર વાયદા કરતા હતા, પરંતુ પૂર્ણ નહોતા કરતા જેથી લોકોને રાજકીય પાર્ટી પ્રત્યે વિશ્વાસ રહ્યો ન હતો. પરંતુ હું જ્યારે પણ કહુ છું કે આ મોદીની ગેરંટી છે. ત્યારે એ કામ પુરુ કરવાની હું જવાબદારી લઉં છે. PMએ વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું કે પહેલા ફક્ત વાયદા થતા હતા. અમે કલમ 370 હટાવીને, 3 તલાક દૂર કર્યા. અમે જ્યારે પણ કોઈ ન કામ કરી શકીએ તો પણ એની જવાબદારી લઈએ છીએ.
પ્રધાનમંત્રી મોદીએ આપેલા આ ધારદાર ઈન્ટરવ્યૂ બાદ વિપક્ષનું બ્લડ પ્રેશર વધી ગયુ છે. કેમ કે જે જે મુદ્દા પર વિપક્ષી પાર્ટીઓ પ્રધાનમંત્રી મોદીને ઘેરવાનું અને તેમના કામ પર સવાલ કરી રહ્યું હતું તે તમામ મુદ્દે જવાબ આપીને પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષી પાર્ટીની બોલતી બંધ કરી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube