PM Modi Mann Ki Baat: `પાણીના સંરક્ષણ માટે આપણે અત્યારથી જ પ્રયત્નો શરૂ કરવા જોઈએ`
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે `મન કી બાત` કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું.
Mann Ki Baat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ એક વાત પર અફસોસ પણ વ્યક્ત કર્યો. પીએમ મોદીએ સંબોધનની શરૂઆતમાં કહ્યું કે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે “माघे निमग्ना: सलिले सुशीते, विमुक्तपापा: त्रिदिवम् प्रयान्ति ।।” એટલે કે મહા મહિનામાં કોઈ પણ પવિત્ર જળાશયમાં સ્નાનને પવિત્ર માનવામાં આવે છે.
પીએમ મોદી (PM Modi) એ કહ્યું કે દુનિયાના દરેક સમાજમાં નદીની સાથે જોડાયેલી કોઈને કોઈ પરંપરા હોય જ છે. નદી તટ પર અનેક સભ્યતાઓ પણ વિક્સિત થઈ છે. આપણી સંસ્કૃતિ હજારો વર્ષ જૂની હોવાના કારણે તેનો વિસ્તાર આપણા ત્યાં વધુ મળે છે. ભારતમાં એવો કોઈ દિવસ નહીં હોય કે જ્યારે દેશના કોઈને કોઈ ખૂણામાં પાણી સંબંધિત કોઈ ઉત્સવ ન હોય. મહા મહિનામાં લોકો પોત પોતાના ઘર પરિવાર, સુખ સુવિધા છોડીને મહિના સુધી નદીઓના કિનારે કલ્પવાસ કરવા જાય છે.
જળ જીવન, આસ્થા અને વિકાસની ધારા
પીએમ મોદીએ કહ્યું કે આ વખતે હરિદ્વારમાં કુંભ થવા જઈ રહ્યો છે. જળ (Water) આપણા માટે જીવન પણ છે, આસ્થા પણ છે અને વિકાસની ધારા પણ છે. પાણી એક પ્રકાર પારસથી પણ વધુ મહત્વપૂર્ણ છે. કહેવાય છે કે પારસના સ્પર્શથી લોઢું સોનામાં ફેરવાઈ જાય છે. એ જ રીતે પાણીનો સ્પર્શ જીવન માટે જરૂરી છે, વિકાસ માટે જરૂરી છે. પાણીના સંરક્ષણ માટે આપણે અત્યારથી જ પ્રયત્નો શરૂ કરવા જોઈએ.
પાણીના સંકટના ઉકેલ માટે પ.બંગાળથી મેસેજ
પ્રધાનમંત્રી (PM Narendra Modi) એ કહ્યું કે થોડા દિવસ બાદ માર્ચ મહિનામાં જ 22 તારીખે ‘World Water Day’ પણ છે. પાણીના સંકટના ઉકેલ માટે એક ખુબ જ સારો મેસેજ પશ્ચિમ બંગાળના ઉત્તર દીનાજપુરથી સુજીતજીએ મોકલ્યો છે. તેમણે લખ્યું છે કે પ્રકૃતિએ જળ સ્વરૂપે આપણને એક સામૂહિક ઉપહાર આપ્યો છે. આથી તેને બચાવવાની જવાબદારી પણ સામૂહિક છે. એ વાત બિલકુલ સાચી છે. જે રીતે સામૂહિક ઉપહાર છે છે તેવી જ રીતે સામૂહિક જવાબદારી પણ છે. નદી, તળાવ, ઝીલ, વર્ષા કે જમીનનું પાણી આ બધુ દરેક માટે છે.
તામિલનાડુમાં કૂવાને સંરક્ષિત કરવા અભિયાન
તેમણે કહ્યું કે એક સમય હતો કે જ્યારે ગામડામાં કૂવા, પોખર, તેની દેખભાળ બધુ મળીને કરાતું હતું. હવે આવો જ એક પ્રયત્ન તામિલનાડુના તિરુવન્નામલાઈમાં થઈ રહ્યો છે. અહીં સ્થાનિક લોકોએ પોતાના કૂવાને સંરક્ષિત કરવા માટે અભિયાન ચલાવ્યું છે. આ લોકો પોતાના વિસ્તારમાં વર્ષોથી બંધ પડેલા જાહેર કૂવાને ફરીથી જીવિત કરી રહ્યા છે. આ ઉપરાંત બુંદેલખંડના બબીતાજીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે બબીતાજીના ગામની પાસે એક સમયે મોટી ઝીલ હતી જે સૂકાઈ ગઈ. તેમણે ગામની જ બીજી મહિલાઓને સાથે લીધી અને ઝીલ સુધી પાણી લઈ જવા માટે નહેર બનાવી દીધી. આ નહેરથી વરસાદનું પાણી સીધુ ઝીલમાં જવા લાગ્યું. હવે આ ઝીલ પાણીથી ભરાયેલી રહે છે.
વૃક્ષારોપણ ઉકેલ
પીએમ મોદીએ કહ્યું કે ઉત્તરાખંડના બાગેશ્વરમાં રહેતા જગદીશ કુનિયાલનું કામ પણ ઘણું શીખવાડે છે. તેમનું ગામ અને આસપાસનો વિસ્તાર પાણીની જરૂરિયાત માટે એક પ્રાકૃતિ સ્ત્રોત પર નિર્ભર હતો. પરંતુ અનેક વર્ષો પહેલા આ સ્ત્રોત સૂકાઈ ગયો. તેનાથી સમગ્ર વિસ્તારમાં પાણીનું સંકટ વધી ગયું. તેમણે આ સંકટનો ઉકેલ લાવવા માટે વૃક્ષારોપણ કરવાનું નક્કી કરી લીધુ. તેમણે સમગ્ર વિસ્તારમાં ગામડાના લોકો સાથે મળીને હજારો છોડ વાવ્યા અને આજે આ વિસ્તારનો સૂકાઈ ગયેલો જળસ્ત્રોત ફરીથી ભરાઈ ગયો છે.
સામૂહિક જવાબદારી સમજવી પડશે
પીએમ મોદીએ કહ્યું કે પાણીને લઈને આપણે આ જ રીતે આપણી સામૂહિક જવાબદારીઓ સમજવી પડશે. ભારતના મોટાભાગના ભાગોમાં મે જૂન મહિનામાં વરસાદ શરૂ થાય છે. શું આપણે અત્યારથી જ આપણી આસપાસના જળસ્ત્રોતની સફાઈ માટે, વરસાદના પાણીના સંચય માટે, 100 દિવસનું કોઈ અભિયાન શરૂ કરી શકીએ?
જળ શક્તિ અભિયાન- ‘Catch the Rain’
પીએમ મોદીએ કહ્યું કે થોડા દિવસમાં જળ શક્તિ મંત્રાલય દ્વારા પણ જળ શક્તિ અભિયાન- ‘Catch the Rain’ શરૂ થઈ રહ્યું છે. આ અભિયાનનો મૂળ મંત્ર છે ‘Catch the rain, where it falls, when it falls.’ આપણે અત્યારથી લાગીશું, આપણે પહેલેથી જે rain water harvesting system છે, તેને ઠીક કરાવી લઈશું, ગામડામાં, તળાવમાં, પોખરોની સફાઈ કરાવી લઈશું, જળસ્ત્રોત સુધી જઈ રહેલા, પાણીના રસ્તાની અડચણો દૂર કરી લઈશું તો વધુમાં વધુ વર્ષાનું પાણી સંચય કરી શકીશું.
સંત રવિદાસના શબ્દો, જ્ઞાન આજે પણ આપે છે માર્ગદર્શન
પ્રધાનમંત્રીએ કહ્યું કે મહા મહિનો અને તેના આધ્યાત્મિક સામાજિક મહત્વની ચર્ચા થાય ત્યારે એક નામ વગર તે ચર્ચા પૂરી ન થઈ શકે અને તે નામ છે સંત રવિદાસજીનું. મહા પૂર્ણિમાના દિવસે જ સંત રવિદાસજીની જયંતી હોય છે. આજે પણ સંત રવિદાસજીના શબ્દ, તેમનું જ્ઞાન, આપણને માર્ગદર્શન આપે છે. તેમણે કહ્યું હતું કે..
एकै माती के सभ भांडे,सभ का एकौ सिरजनहार ।
रविदास व्यापै एकै घट भीतर, सभ कौ एकै घड़ै कुम्हार ।।
એટલે કે આપણે બધા એક જ માટીના વાસણ છીએ, આપણને બધાને એક જ જણે ઘડ્યા છે. સંત રવિદાસજીએ સમાજમાં વ્યાપ્ત વિકૃતિઓ ઉપર હંમેશા ખુલીને પોતાની વાત રજુ કરી. તેમણે આ વિકૃતિઓને સમાજ સામે રાખી, તેને સુધારવાની રાહ દેખાડી અને એટલે જ તો મીરાજીએ કહ્યું હતું કે ‘गुरु मिलिया रैदास, दीन्हीं ज्ञान की गुटकी’ ।” એ મારું સૌભાગ્ય છે કે હું સંત રવિદાસજીના જન્મસ્થળ વારાણસી સાથે જોડાયેલો છું. સંત રવિદાસજીનું જીવન આધ્યાત્મિક ઊંચાઈઓ તરફ અને તેમની ઉર્જાને મે તે તીર્થસ્થળમાં અનુભવ કર્યો છે.
નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ, નવું કરવામાં સંકોચ ન કરવો
પીએમ મોદીએ કહ્યું કે આપણે નિરંતર આપણા કર્મ કરતા રહેવા જોઈએ. પછી ફળ તો મળશે જ મળશે, એટલે કે કર્મથી સિદ્ધિ તો થાય જ છે. આપણા યુવાઓએ સંત રવિદાસની વધુ એક વાત જરૂરી શીખવી જોઈએ. યુવાઓએ કોઈ પણ કામ કરવા માટે પોતાને જૂના પુરાણા તરીકામાં બાંધવા જોઈએ નહીં. તમે તમારા જીવનને પોતે જ નક્કી કરો. હું આવું એટલા માટે કહું છું કારણ કે અનેકવાર યુવાઓ ચાલી આવતી સોચના દબાણમાં એ કામ નથી કરી શકતા જે કરવું તેમને ખરેખર ગમતું હોય છે. આથી તમારે ક્યારેય નવું વિચારવાથી, નવું કરવામાં, સંકોચ કરવો જોઈએ નહીં.
તમારા લક્ષ્ય પોતે જ નક્કી કરો
તેમણે કહ્યું કે તમારા તોર તરીકાઓ પોતે જ બનાવો અને તમારા લક્ષ્ય પણ પોતે જ નક્કી કરો. જો તમારો વિવેક તમારા આત્મવિશ્વાસ મજબૂત હશે તો તમારે દુનિયામાં કોઈ પણ ચીજથી ડરવાની જરૂર નથી. આપણે આપણા સપના માટે બીજા પર નિર્ભર રહીએ તે બિલકુલ યોગ્ય નથી. જે જેવું ચાલે છે તેવું ચાલતું રહે તેના પક્ષમાં રવિદાસજી ક્યારેય ન હતા. આજે દેશના યુવા પણ એ વિચારધારાના પક્ષમાં નથી.
તમારા પગ પર ઊભા રહો
સંત રવિદાસે વધુ એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. તે છે આપણા પગ પર ઊભા રહેવું. આજે જ્યારે દેશના યુવાઓમાં innovative spirit જોઉ છું તો મને લાગે છે કે આપણા યુવાઓ પર સંત રવિદાસજીને જરૂર ગર્વ થાત.
નેશનલ સાયન્સ ડે
પીએમ મોદીએ કહ્યું કે આજે નેશનલ સાયન્સ ડે પણ છે. આજનો દિવસ ભારતના મહાન વૈજ્ઞાનિક, ડોક્ટર સી વી રમન દ્વારા કરાયેલી ‘Raman Effect’ શોધને સમર્પિત છે. આપણે જે રીતે દુનિયાના અન્ય વૈજ્ઞાનિકો વિશે જાણીએ છીએ તે જ રીતે આપણે ભારતના વૈજ્ઞાનિકો અંગે પણ જાણવું જોઈએ.
આત્મનિર્ભર ભારત અભિયાનમાં સાયન્સની શક્તિનું મોટું યોગદાન
પ્રધાનમંત્રીએ કહ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાનમાં સાયન્સની શક્તિનું ખુબ મોટું યોગદાન છે. આપણે સાયન્સને Lab to Land ના મંત્ર સાથે આગળ વધારવું પડશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube