નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની 94મી જન્મજયંતીની પૂર્વ સંધ્યા પર તેમની સ્મૃતિમાં 100 રૂપિયાનો સિક્કો લોન્ચ કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેટલાક લોકો માટે સત્તા જ્યાં ઓક્સીજન સમાન હોય છે ત્યાં વાજપેયી પોતાના જાહેર જીવનમાં લાંબા સમય સુધી વિપક્ષમાં બેસીને રાષ્ટ્રહિત સંલગ્ન વિષયો ઉઠાવતા રહ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમારોહમાં લાંબા સમય સુધી વાજપેયીના સહયોગી રહી ચૂકેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, નાણામંત્રી અરુણ જેટલી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિત હતાં. સમારોહને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું કે કેટલાક લોકો માટે સત્તા એ ઓક્સિજન સમાન છે અન તેઓ તેના વગર જીવિત રહી શકતા નથી. બીજી બાજુ વાજપેયીએ પોતાના જાહેર જીવનનો લાંબો સમય વિપક્ષમાં રહેતા રાષ્ટ્રહિત સંલગ્ન વિષયોને ઉઠાવવામાં કાઢ્યો. 


તેમણે કહ્યું કે સિદ્ધાંતો અને કાર્યકર્તાઓના બળ પર અટલજીએ આટલું મોટું રાજકીય સંગઠન ઊભું કર્યું અને ખુબ ઓછા સમયમાં દેશભરમાં તેનો વિસ્તાર પણ કર્યો. તેમણે કહ્યું કે અટલજીના બોલવાનો અર્થ એટલે દેશનું બોલવું અને સાંભળવાનો અર્થ એટલે દેશને સાંભળવા જેવું હતું. અટલજીએ લોભ અને સ્વાર્થની જગ્યાએ દેશ અને લોકતંત્રને સર્વોપરી રાખ્યા અને તેને જ પસંદ કર્યાં. 


અટલ બિહારી વાજપેયીના સન્માનમાં PM મોદીએ 'સ્મારક સિક્કો' બહાર પાડ્યો, જાણો ખાસિયતો


મોદીએ કહ્યું કે અટલજી ઈચ્છતા હતાં કે લોકતંત્ર સર્વોચ્ચ રહે. તેમણે જનસંઘ બનાવ્યો, પરંતુ જ્યારે આપણા લોકતંત્રને બચાવવાનો સમય આવ્યો તો તેઓ અને અન્ય જનતા પાર્ટીમાં જતા રહ્યાં. આ રીતે જ્યારે સત્તામાં રહેવાનું કે વિચારધારા પર કાયમ રહેવાના વિકલ્પની વાત આવી તો તેમણે જનતા પાર્ટી છોડીને ભાજપની સ્થાપના કરી. 


તેમણે કહ્યું કે હજુ પણ મન સ્વીકારવા તૈયાર નથી કે અટલજી આપણી વચ્ચે નથી રહ્યાં. તેઓ સમાજના તમામ વર્ગો પ્રત્યે પ્રેમ રાખનારા અને સન્માનિત વ્યક્તિ હતાં. એક વક્તા તરીકે તેઓ અદ્વિતીય હતાં. તેઓ આપણા દેશના સર્વશ્રેષ્ઠ વક્તાઓમાંથી એક હતાં. વડાપ્રધાને કહ્યું કે અટલજીનું જીવન આવનારી પેઢીઓના સાર્વજનિક જીવન માટે, વ્યક્તિગત જીવન માટે, રાષ્ટ્ર જીવન માટે સમર્પણ ભાવ ખાતર હંમશા પ્રેરણા આપતું રહેશે. 


ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું 93 વર્ષની વયે લાંબી બીમારી બાદ એમ્સમાં ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં નિધન થયું હતું. પૂર્વ વડાપ્રધાનની સ્મૃતિમાં સિક્કા લોન્ચ કરવાના અવસરે મોદીએ કહ્યું કે તેઓ વાજપેયીની વિચારધારા અને તેમણે બતાવેલા રસ્તા પર ચાલવા માટે પોતાની પ્રતિબદ્ધતા દોહરાવવા મંગળવારે પૂર્વ વડાપ્રધાનના સ્મારક પર જશે. 


(ઈનપુટ - ભાષા)


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...