Political Donation: ભાજપને તો બસ ચારેબાજુથી ચાંદી જ ચાંદી, કોંગ્રેસને પણ ફાયદો, જાણો કોને કેટલો મળ્યો ફાળો?
ભાજપે ગત વર્ષની સરખામણીમાં ત્રણ ગણો વધુ ફાળો મેળવ્યો છે. પાર્ટીને 2023-24માં 2,244 કરોડ રૂપિયા રાજકીય ફાળા તરીકે મળ્યા છે. આ ફાળાનો આશય 20 હજાર રૂપિયાથી વધુ રકમ વ્યક્તિઓ, ટ્રસ્ટો અને કોરપોરેટ હાઉસીસ તરફથી પ્રાપ્ત થવાનો છે.
હરિયાણા-મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ધૂળ ચટાડ્યા બાદ ભાજપે એક અન્ય મામલે પણ કોંગ્રેસને પછાડી છે. ભાજપે ગત વર્ષની સરખામણીમાં ત્રણ ગણો વધુ ફાળો મેળવ્યો છે. પાર્ટીને 2023-24માં 2,244 કરોડ રૂપિયા રાજકીય ફાળા તરીકે મળ્યા છે. આ ફાળાનો આશય 20 હજાર રૂપિયાથી વધુ રકમ વ્યક્તિઓ, ટ્રસ્ટો અને કોરપોરેટ હાઉસીસ તરફથી પ્રાપ્ત થવાનો છે. આ સમયગાળામાં જ કોંગ્રેસની વાત કરીએ તો તેને 2023માં આ પ્રકારે 288.9 કરોડ રૂપિયા મળ્યા. જો કે 2022માં તેને 79.9 કરોડ રૂપિયા મળ્યા હતા. આ રીતે જોઈએ તો કોંગ્રેસને મળેલા ફાળામાં પણ વધારો થયો છે. પરંતુ ભાજપ સાથે સરખામણી કરીએ તો તે ઘણી પાછળ છે.
ચૂંટણી પંચની વેબસાઈટ પર વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં ખાસ વાત એ છે કે ભાપને એક જ ઈલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી એક તૃતિયાંશ અને તેની પાસેથી જ કોંગ્રેસને લગભગ અડધો ફાળો મળ્યો છે. ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ ભાજપને પ્રુડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી 2023-24 માટે 723.6 કરોડ રૂપિયા મળ્યા છે. જે તેને મળેલા કુલ ફાળા 2,244 કરોડના લગભગ એક તૃતિયાંશ છે. એ જ રીતે કોંગ્રેસને મળેલા ફાળાના કુલ 288.9 કરોડ રૂપિયામાંથી લગભગ અડધી રકમ 156.4 કરોડ એકલા પ્રુડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી મળ્યા છે. ગત વર્ષે પણ આ ટ્રસ્ટ તરફથી ભાજપ અને કોંગ્રેસને લઈને લગભગ આ જ પેટર્ન જોવા મળી હતી.
બધુ મળીને બંને પાર્ટીઓની સરખામણી કરીએ તો ભાજપને મળેલા ફાળામાં 212 ટકાનો વધારો જોવા મળ્યો છે. જો કે આ અપ્રત્યાશિત એટલા માટે નથી કારણ કે તે સામાન્ય ચૂંટણીઓ પહેલાનું વર્ષ હતું. એ જ રીતે જ્યારે 2019ની લોકસભા ચૂંટણીનું વર્ષ હતું તે પહેલા 2018-19માં ભાજપને આ જ રીતે 742 કરોડ અને કોંગ્રેસને 146.8 કરોડ રૂપિયા મળ્યા હતા.
ભાજપને ફાળા તરીકે ત્રણ કરોડ રૂપિયા ફ્યુચર ગેમિંગ એન્ડ હોટલ સર્વિસિસ તરફથી પણ મળ્યા છે. આ કંપનીના ચીફ સેન્ટિયાગો માર્ટિન છે. જેને લોટરી કિંગ કહેવામાં આવે છે. આ કંપનીએ સૌથી વધુ ફાળો તૃણમૂલ કોંગ્રેસને આપ્યો હતો. હાલ મની લોન્ડરિંગના કેસમાં તે ઈડી અને આવકવેરા ડિપાર્ટમેન્ટના રડાર પર છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ રદ કરી હતી. આથી હવે ફાળો સીધી રીતે કે ઈલેક્ટોરલ ટ્રસ્ટ રૂટથી જ આપી શકાય છે.
અન્ય પક્ષોને શું મળ્યું
અન્ય રાષ્ટ્રીય પક્ષોમાં આમ આદમી પાર્ટીને 2023-24માં 11.1 કરોડ, માકપાને 7.6 કરોડ રૂપિયા, બસપા અને નવીન પટનાયકે પોતાને ઝીરો ડોનેશન દેખાડ્યું. ટીડીપીને ફાળા તરીકે 100 કરોડ રૂપિયા મળ્યા જ્યારે સપાને 46.7 લાખ રૂપિયા મળ્યા.