રાજસ્થાનના રાજકારણને હલાવી નાખવાનો આ રાણીનો ઇરાદો !
રાજસ્થાનમાં નજીકના ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે
જેસલમેર : રાજસ્થાનમાં નજીકના ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે રાજકીય હિલચાલ તેજ થઈ રહી છે. રાજસ્થાનની બે મોટી પાર્ટી કોંગ્રેસ અને બીજેપી વચ્ચે આરોપ અને પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. આ પરિસ્થિતિમાં રાજ્યના જેસલમેર વિસ્તારના રાજ પરિવારની પૂર્વ મહારાણી રાસેશ્વરી રાજ્ય લક્ષ્મીએ વિધાનસભા ચૂંટણી લડવાનો ઇરાદો જાહેર કરીને બધાને ચોંકાવી દીધા હતા.
સોમવારે જેસલમેર સ્થાપના દિવસના અવસર પર આયોજિત કાર્યક્રમમાંસંબોધન કરતા પૂર્વ મહારાણીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિધાનસભા ચૂંટણી લડીને જેસલમેર જિલ્લાની જનતાની સેવા કરવા ઇચ્છે છે. જોકે પૂર્વ મહારાણીએ તેઓ ક્યા પક્ષ તરફથી ચૂંટણી લડશે એ વાતની સ્પષ્ટતા નથી કરી. નોધનીય છે કે થોડા દિવસ પહેલાં કોંગ્રેસના કેટલાક નેતા રાજ પરિવાર સાથે સંપર્કમાં હતા અને પછી જ મહારાણી ચૂંટણી લડશે એવી ચર્ચા શરૂ થઈ હતી.
સુત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે મુખ્યમંત્રી વસુંધરા રાજેની જેસલમેર યાત્રા પહેલાં તૈયારી માટે પહોંચેલા બીજેપી નેતા અને પ્રદેશ સરકારના મંત્રીઓએ પૂર્વ મહારાણી સાથે ચર્ચા કરી હોવાની શક્યતા છે. મહારાણીના આ એલાન પછી જેસલમેલના કોંગ્રેસ અને બીજેપી બંનેના દાવેદાર ઉમેદવારોના પેટમાં તેલ રેડાયું છે.