પ્રદ્યુમ્ન મર્ડર કેસ: ઓડિયો ક્લિપ વાઈરલ, CBIએ આરોપી કંડક્ટરના મામાની કરી પૂછપરછ
સીબીઆઈએ મંગળવારે પ્રદ્યુમ્ન મર્ડર કેસમાં શાળાના બસ કન્ડક્ટર અશોક કુમારના એક સંબંધીની પૂછપરછ કરી. હાલ એ સ્પષ્ટ નથી કે સીબીઆઈએ કુમારના મામા ઓપી ચોપડાની પૂછપરછ કેમ કરી
નવી દિલ્હી: સીબીઆઈએ મંગળવારે પ્રદ્યુમ્ન મર્ડર કેસમાં શાળાના બસ કન્ડક્ટર અશોક કુમારના એક સંબંધીની પૂછપરછ કરી. હાલ એ સ્પષ્ટ નથી કે સીબીઆઈએ કુમારના મામા ઓપી ચોપડાની પૂછપરછ કેમ કરી પરંતુ આ ઘટનાક્રમ એવા સમયે ઘટ્યો જ્યારે સોમવારે સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ સામે આવી જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ક્લીપમાં કહી રહ્યાં કે જવાબદારી શાળાના અધિકારીઓ પર નાખવામાં આવશે. સાત વર્ષના વિદ્યાર્થી પ્રદ્યુમ્નનો આઠ સપ્ટેમ્બરના રોજ ગુરુગ્રામની રાયન ઈન્ટરનેશનલ સ્કૂલના શૌચાલયમાંથી મૃતદેહ મળ્યો હતો.
સીબીઆઈના અધિકારીઓએ પૂછપરછ અંગે કઈ વધુ ન જણાવ્યું અને કહ્યું કે તેનાથી મામલાની તપાસ પ્રભાવિત થશે. એજન્સીઓને ઓડિયો ક્લિપ સોંપાયા બાદ ચોપડાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાં. કહેવાય છે કે આ ક્લિપમાં તેઓ દાવો કરી રહ્યાં છે કે તેમની પાસે પ્રદ્યુમ્નની હત્યાના મામલે શાળાના અધિકારીઓ વિરુદ્ધ પુરાવા છે. એવું પણ કહેવાય છે કે ક્લિપમાં તેઓ 11મા ધોરણના તે વિદ્યાર્થીના પરિજન સાથે વાતો કરી રહ્યાં છે જેના ઉપર આ હત્યાનો આરોપ છે. તેણે વિદ્યાર્થીના પરિજનોને સલાહ આપી કે તેઓ થોડો સમય ચૂપ રહે અને મામલો શાંત થવા દે.
આ બાજુ, હરિયાણાની એક કોર્ટે મંગળવારે ભોંડસી સ્થિત રાયન ઈન્ટરનેશનલ સ્કૂલના બીજા ધોરણના વિદ્યાર્થી પ્રદ્યુમ્ન ઠાકુરની હત્યાના આરોપમાં ધરપકડ કરાયેલા 42 વર્ષના બસ કન્ડક્ટર અશોકકુમારને જામીન આપ્યાં. સાત વર્ષના પ્રદ્યુમ્નનો મૃતદેહ આઠ સપ્ટેમ્બરના રોજ શાળાના બાથરૂમમાંથી મળી આવ્યો હતો. તેનું ગળું ચીરીને હત્યા કરાઈ હતી. આરોપી કુમારને તે જ દિવસે પકડવામાં આવ્યો હતો.
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે મંગળવારે પિન્ટો પરિવાર અને રાયન ઈન્ટરનેશનલ સ્કૂલના માલિકને પણ આ કેસમાં સશર્ત જામીન આપ્યાં. ન્યાયમૂર્તિ સુરેન્દ્ર ગુપ્તાએ પિન્ટો પરિવારને મામલાની તપાસ સાથે જોડાવાના આદેશ આપ્યાં. કોર્ટે મંજૂરી વગર તેમના વિદેશ જવા ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો.