ગોવાના સીએમ પર સસ્પેન્સ ખતમ, પ્રમોદ સાવંત બનશે રાજ્યના મુખ્યમંત્રી
ગોવામાં ભાજપે ફરી પ્રમોદ સાવંતને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. આજે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં સાવંતને નેતા ચૂંટવામાં આવ્યા છે.
પણજીઃ ગોવામાં મુખ્યમંત્રી ચહેરાને લઈને સસ્પેન્સ ખતમ થઈ ગયું છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં પ્રમોદ સાવંતને નેતા ચૂંટવામાં આવ્યા છે. તેમના નામનો પ્રસ્તાવ વિશ્વજીત રાણેએ રાખ્યો હતો. સાવંત સતત બીજીવાર રાજ્યના મુખ્યમંત્રી બનશે. બેઠકમાં ભાજપના કેન્દ્રીય પર્યવેક્ષક નરેન્દ્ર સિંહ તોમર, એલ મુરૂગન અને ગોવા ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા. ત્રણેય નેતાઓએ ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી. ધારાસભ્યોએ સાવંત પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હવે તે રાજ્યપાલ પી એસ શ્રીધરન પિલ્લઈને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
કેન્દ્રીય મંત્રી અને ગોવા માટે ભાજપના કેન્દ્રીય પર્યવેક્ષક નરેન્દ્ર સિંહ તોમરે સાવંતના નામની જાહેરાત કરતા કહ્યુ, 'વિશ્વજીત રાણેએ ધારાસભ્ય દળના નેતાના રૂપમાં પ્રમોદ સાવંતના નામનો પ્રસ્તાવ રાખ્યો. બધાએ સર્વ સંમત્તિથી તેમને નેતા પસંદ કર્યા છે. તે આગામી 5 વર્ષ માટે ધારાસભ્ય દળના નેતા હશે.'
ગોવાના નવ નિયુક્ત સીએમ પ્રમોદ સાવંતે કહ્યુ, 'હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર માનવા ઈચ્છુ છું જેણે મને આગામી 5 વર્ષ માટે ગોવાના સીએમના રૂપમાં કામ કરવાની તક આપી. મને ખુશી છે કે ગોવાના લોકોએ મારો સ્વીકાર કર્યો છે. હું રાજ્યના વિકાસ માટે દરેક સંભવ પ્રયાસ કરીશ.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube