`મંદિર નહીં તો વોટ નહીં` નારા સાથે તોગડિયા રાજકીય મેદાનમાં, નવા જૂનીના એંધાણ
હિન્દુ નેતા પ્રવિણ તોગડિયાએ મંદિર નહીં તો મત નહીં નો નારો આપતાં કહ્યું કે, આગામી સરકાર હિન્દુ સરકાર બનશે. જે શપથ ગ્રહણની સાથે જ મંદિર નિર્માણનો રસ્તો સ્પષ્ટ કરશે.
અયોધ્યા : રામ મંદિર નિર્માણ માટે સંસદમાં કાયદો બનાવવાની માંગને લઇને આંદોલન કરી રહેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવિણ તોગડિયાએ આ વખતે અયોધ્યાથી નવો નારો આપ્યો છે. અબ કી બાર હિન્દુ સરકાર નારા સાથે તોગડિયાએ મંદિર નિર્માણ માટે પોતાનો મત સ્પષ્ટ કર્યો છે. તેમણે મંદિર નહીં તો વોટ નહીં નો રણટંકાર કરતાં કહ્યું કે આગામી સરકાર હિન્દુ સરકાર હશે જે શપથ ગ્રહણ કરતાંની સાથે જ મંદિર નિર્માણનો રસ્તો સ્પષ્ટ કરશે.
આ સાથે જ યુવાનોને રોજગારી તેમજ ખેડૂતોના દેવા માફ કરવાની પણ વાત કરી છે. જાણવા મળ્યા મુજબ તોગડિયા મંગળવારે સવારે રામકોટની પરિક્રમા પણ કરશે અને એ બાદ સરયૂ નદી કિનારે સંકલ્પ સભામાં ભાજપ સરકારના વિકલ્પ અંગે પોતાનો મત વ્યક્ત કરશે. આપને જણાવી દઇએ કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રવીણ તોગડિયાના પ્રવેશ પર કોઇ પ્રતિબંધ લગાવ્યો નથી. પરંતુ જાહેર કાર્યક્રમ કરવાની પણ કોઇ મંજૂરી આપી નથી.
વિશ્વ હિન્દુ પરિષદથી અલગ થયા બાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બનાવનાર પ્રવીણ તોગડિયાએ રામ મંદિર આંદોલનને ધાર આપવા માટે સોમવારે નવી પાર્ટી બનાવવાનો સંકેત આપ્યો હતો. પ્રવીણ તોગડિયાએ કહ્યું કે, તે રામ મંદિર નહીં તો મત નહીં. આ નારા સાથેના આંદોલનને તેઓ અંત સુધી ચલાવશે. તેમણે કેન્દ્રની મોદી સરકાર સામે વાયદા પુરા કર્યા ન હોવાનો આરોપ લગાવતાં કહ્યું કે, હવે જનતા સામે તે નવો વિકલ્પ આપવા જઇ રહ્યા છે. તેમણે કહ્યું કે જે રામ મંદિર નિર્માણની વાત કરશે એને તે મત આપશે.
પાંચ રાજ્યમાં ચૂંટણી : મધ્ય પ્રદેશમાં જીતવું ભાજપ માટે આસાન હશે ખરૂ?
આપને જણાવીએ કે પ્રવીણ તોગડિયા સેંકડો સમર્થકો સાથે અયોધ્યામાં છે. વહીવટી તંત્રના અટકાવવા છતાં તેઓ સોમવારે જાહેર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને સભા સંબોધી હતી. તોગડિયાએ રામ મંદિર મુદ્દે શિવસેનાના વલણને સમર્થન આપ્યું છે. 25 ઓક્ટોબરે શિવસેના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરે પણ અયોધ્યા પહોંચી રહયા છે. સુત્રોના જણાવ્યા અનુસાર તોગડિયા પોતાની નવી પાર્ટી અને શિવસેના સાથે મળીને ચૂંટણી લડી શકે એમ છે.