જાગ્રેબ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે  પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી ઠેકાણાઓ પર ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઈક અંગે નિવેદન આપતા કહ્યું કે ભારત પોતાની રક્ષા કરવા માટે જરૂરી તમામ પગલાં લેશે. પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ફિદાયીન આતંકીએ 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં 40 જવાનો શહીદ થયા હતાં. ત્યારબાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં જૈશના તાલીમ કેમ્પ પર આતંકવાદ વિરોધી અભિયાન ચલાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોવિંદ ક્રોએશિયાના પ્રવાસે જનાર ભારતના પહેલા રાષ્ટ્રપતિ છે. તેઓ ત્રણ દેશના પ્રવાસના પહેલા તબક્કામાં પત્ની સવિતા કોવિંદ સાથે સોમવારે  અહીં પહોંચ્યા હતાં. તેમણે આતંકવાદ વિરુદ્ધ સતત સમર્થન બદલ ક્રોએશિયાની સરકારનો મંગળવારે આભાર વ્યક્ત કર્યો હતો. 


કોવિંદે એક કાર્યક્રમમાં અત્રે જણાવ્યું કે 'ભારતના સંબંધમાં, અમે એ સ્પષ્ટ કરી ચૂક્યા છીએ કે અમે અમારી રક્ષા અને સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં ઉઠાવીશું જેથી કરીને અમે અમારા લોકોની સલામતી સુનિશ્ચિત કરી શકીએ.'


રાષ્ટ્રપતિએ કહ્યું કે શાંતિ અને સુરક્ષા માનવતાની ભલાઈ માટે મહત્વપૂર્ણ છે. અમે આતંકવાદ વિરુદ્ધ સતત સમર્થન માટે ક્રોએશિયાની સરકારનો હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. દુનિયાએ આતંકવાદીઓને શરણ આપતા અને તેમનુ સમર્થન કરનારા લોકો વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહી કરવાની જરૂર છે. તેમણે ત્યાં રહેતા પ્રવાસી ભારતીયોને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું. 


કોવિંદે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા વૈશ્વિક વિકાસનું આજે એક મહત્વપૂર્ણ માધ્યમ છે. તે મજબુત આર્થિક સંકેતો સાથે સૌથી ઝડપથી આગળ વધતી પ્રમુખ અર્થવ્યવસ્થા છે. આથી, હું તમને ભારતની મુલાકાત લેવા, અને પરિવર્તનકારી ફેરફારોનો અનુભવ કરવા માટે પ્રોત્સાહિત કરું છું. 


તેમણે રેખાંકિત કર્યું કે મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા, અને સ્ટાર્ટઅપ ઈન્ડિયાએ વેપારની અનેક નવી સંભાવનાઓ આપી છે. તેમણે કહ્યું કે ભારત અને ક્રોએશિયા પોતાના સંબંધો, ખાસ કરીને આર્થિક સંબંધોને ગાઢ બનાવવા માટે ઈચ્છુક છે. કોવિંદે કહ્યું કે બંને પક્ષોએ રોકાણની સાથે એક સારો પાયો પહેલેથી નાખી દીધો છે. વ્યાપાર, રોકાણ અને ટેક્નોલોજી સહયોગને મજબુત કરવાની ખુબ સંભાવનાઓ છે. સહયોગના નવા ક્ષેત્રોની ઓળખ કરવામાં તમારો સહયોગ ખુબ કિંમતી છે. 


કોવિંદે કહ્યું કે ક્રોએશિયાના સદીઓથી ભારત સાથે સંબંધ છે અને તેણે ભારતીય ભાષાઓ, દર્શન, ઈતિહાસ અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવામાં ઉત્કૃષ્ટ યોગદાન  આપ્યું છે. તેમણે કહ્યું કે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે 1926માં અહીનો પ્રવાસ કર્યો હતો અને તેમણે અનેક ક્રોએશિયન કવિઓ અને લેખકોને પ્રભાવિત કર્યા હતાં. જાગ્રેબ યુનિવર્સિટીના ઈન્ડોલોજી વિભાગે ક્રોએશિયામાં ભારતીય ભાષાઓ, દર્શન, ઈતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસ અને પ્રચારમાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે.